૨૧મીએ ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલના મૅચ-વિનિંગ અણનમ ૧૦૪ રન સામે બૅન્ગલોરના કોહલીના અણનમ ૧૦૧ રન ઝાંખા પડી ગયા

સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી ફાઇલ તસવીર
ગાંગુલીએ કોહલીના ચાહકોને ટ્વીટ ટ્વિસ્ટ કરવા બદલ વખોડ્યા
૨૧મીએ ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલના મૅચ-વિનિંગ અણનમ ૧૦૪ રન સામે બૅન્ગલોરના કોહલીના અણનમ ૧૦૧ રન ઝાંખા પડી ગયા એને પગલે બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ ગાંગુલીએ એક ટ્વીટમાં જે લખ્યું એને ટ્વિસ્ટ કરવા બદલ ગાંગુલીએ કોહલીના ફૅન્સને વખોડ્યા છે. ગાંગુલીએ લખ્યું હતું કે ‘આ દેશે શું ટૅલન્ટ પેદા કરી છે... શુભમન ગિલ... વૉવ... ઉપરાઉપરી બે જબરદસ્ત સેન્ચુરી... આઇપીએલ... આ ટુર્નામેન્ટનું ધોરણ કેટલું બધું સારું છે.’ ગાંગુલીએ જાણી જોઈને કોહલીનો ઉલ્લેખ ટ્વીટમાં ન કર્યો હોવાનું તેના કેટલાક ચાહકોએ જણાવતાં ગાંગુલીએ તેમને ટકોર કરતાં લખ્યું કે ‘મને આશા છે કે આ ટ્વીટને ટ્વિસ્ટ કરનારાઓ સરખું અંગ્રેજી જાણતા હશે. જો ન જાણતા હો તો કોઈ જવાબદાર વ્યક્તિ પાસેથી જાણી લો કે મેં શું અને કયા અર્થમાં લખ્યું છે.’ એવું જણાવીને ગાંગુલીએ સમજાવ્યું કે તેઓ ગિલની આ વખતની આઇપીએલની ટ્વિન સેન્ચુરીની વાત કરી રહ્યા હતા.
સિંધુ અને પ્રણોયે ચૅમ્પિયનોને હરાવ્યાં
બૅડ્મિન્ટન સ્ટાર પી. વી. સિંધુ તેમ જ શ્રીકાંત અને એચ. એસ. પ્રણોય ગઈ કાલે ક્વાલા લમ્પુરની મલેશિયા માસ્ટર્સ સુપર-૫૦૦ ટુર્નામેન્ટમાં જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયાં હતાં. સિંધુએ ઑલિમ્પિક્સના બે મેડલ જીતી ચૂકેલી જપાનની ઍયા ઓહોરીને ૪૦ મિનિટની અંદર ૨૧-૧૬, ૨૧-૧૧થી હરાવી હતી. શ્રીકાંતનો થાઇલૅન્ડના કુન્લાવુટ વિતિદસર્ન સામે ૨૧-૧૯, ૨૧-૧૯થી વિજય થયો હતો. પ્રણોયે ઑલ ઇંગ્લૅન્ડ ચૅમ્પિયનશિપના વર્તમાન ચૅમ્પિયન ચીનના યિ મૅન ઝાન્ગને એક કલાક અને ૧૦ મિનિટ સુધી ચાલેલી મૅચમાં ૧૩-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૧થી હરાવી દીધો હતો.
ભારતે તાઇપેઇને ૧૮-૦થી કચડ્યું, ૨૭મીએ પાકિસ્તાન સાથે જંગ
ભારતે ઓમાનમાં મેન્સ જુનિયર એશિયા કપ હૉકી ટુર્નામેન્ટમાં ચાઇનીઝ તાઇપેઇને ૧૮-૦થી કચડી નાખ્યું હતું. સૌથી વધુ ચાર ગોલ અરાજિત સિંહ હુન્ડાલે કર્યા હતા. અમનદીપે ત્રણ ગોલ કર્યા હતા અને ત્રણ ખેલાડીએ બે-બે ગોલ તથા પાંચ પ્લેયરે એક-એક ગોલ કર્યો હતો. હવે ભારતનો જપાન સાથે અને ત્યાર બાદ પાકિસ્તાન સામે ૨૭ મેએ જંગ થશે.