ન્યુ ઝીલૅન્ડને પહેલાં બૅટિંગ મળી હતી, પરંતુ નસીમ શાહની પાંચ વિકેટને કારણે આ પ્રવાસી ટીમ ૯ વિકેટે ૨૫૫ રન બનાવી શકી હતી,
કરાચીમાં સોમવારે ટૉમ લેથમે આગા સલમાનને રનઆઉટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સલમાન ૧૩ રને અણનમ રહ્યો હતો. તસવીર એ.એફ.પી.
કરાચીમાં સોમવારે પાકિસ્તાને ન્યુ ઝીલૅન્ડને પહેલી વન-ડેમાં ૧૧ બૉલ બાકી રાખીને ૬ વિકેટના માર્જિનથી હરાવ્યું હતું અને ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી હતી.
ન્યુ ઝીલૅન્ડને પહેલાં બૅટિંગ મળી હતી, પરંતુ નસીમ શાહની પાંચ વિકેટને કારણે આ પ્રવાસી ટીમ ૯ વિકેટે ૨૫૫ રન બનાવી શકી હતી, જેમાં માઇકલ બ્રેસવેલના ૪૩ અને ટૉમ લેથમના ૪૨ રન હતા. કિવીઓની ટીમમાં એકેય હાફ સેન્ચુરી નહોતી, પરંતુ પાકિસ્તાનને ત્રણ બૅટર્સની હાફ સેન્ચુરીએ વિજય અપાવ્યો હતો.
ફખર ઝમાને ૭૪ બૉલમાં ૫૬ રન, બાબર આઝમે ૮૨ બૉલમાં ૬૬ રન તથા મોહમ્મદ રિઝવાને ૮૬ બૉલમાં અણનમ ૭૭ રન બનાવ્યા હતા. હૅરિસ રઉફના આક્રમક ૩૨ રનનું પણ જીતમાં યોગદાન હતું. નસીમ શાહને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. બીજી વન-ડે (ભારતીય સમય મુજબ બપોરે ૩.૦૦ વાગ્યાથી) આજે કરાચીમાં રમાશે.


