બૅક-ટુ-બૅક શાનદાર પ્રદર્શન આપ્યા બાદ મોહમ્મદ શમી કહે છે, ‘મારી પ્રેરણા ફિટ રહેવાની અને હંમેશાં ભારતીય ટીમ માટે ઉપલબ્ધ રહેવાની છે
મોહમ્મદ શમી
તેણે રણજી ટ્રોફીમાં ઉત્તરાખંડ સામે શાનદાર ૭ વિકેટ લીધા બાદ ગુજરાત સામે ૮ વિકેટ ઝડપી ભારતનો અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી શાનદાર પ્રદર્શન કરીને સિલેક્ટર્સને ખોટા સાબિત કરી રહ્યો છે. ટીમ ઇન્ડિયાની છેલ્લી કેટલીક સિરીઝથી અવગણનાનો સામનો કરનાર મોહમ્મદ શમીએ સતત બે રણજી મૅચમાં ૭ કે એથી વધુ વિકેટ લીધી છે. ઉત્તરાખંડ સામે ૭ વિકેટ લીધા બાદ તેણે ગુજરાત સામે પહેલી ઇનિંગ્સમાં ૪૪ રન આપીને ત્રણ વિકેટ અને બીજી ઇનિંગ્સમાં ૩૮ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. બંગાળે ગુજરાત સામે ૧૪૧ રનની જીત નોંધાવી પોતાની વિજયયાત્રા યથાવત્ રાખી છે.
બૅક-ટુ-બૅક શાનદાર પ્રદર્શન આપ્યા બાદ મોહમ્મદ શમી કહે છે, ‘મારી પ્રેરણા ફિટ રહેવાની અને હંમેશાં ભારતીય ટીમ માટે ઉપલબ્ધ રહેવાની છે. મેદાન પર હું સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખીશ, બાકીનું બધું સિલેક્ટર્સના હાથમાં છે. સખત મહેનત જરૂરી છે અને મારું માનવું છે કે નસીબ પણ ભૂમિકા ભજવે છે. દરેક વ્યક્તિ દેશ માટે રમવા માગે છે એથી હું એ માટે ફરીથી તૈયાર છું. મારામાં હજી ઘણું ક્રિકેટ બાકી છે.’
ADVERTISEMENT
ઈડન ગાર્ડન્સમાં મુલાકાત
ટીમ ઇન્ડિયામાં ફિટનેસના મામલે અવગણના થયા બાદ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ જાહેરમાં ચીફ સિલેક્ટર અજિત આગરકર વિરુદ્ધ નિવેદન આપ્યાં હતાં. અહેવાલ અનુસાર આ મામલે વાતચીત કરવા હાલમાં રણજી મૅચ દરમ્યાન BCCIના નવા સિલેક્ટર અને ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આર. પી. સિંહે ઈડન ગાર્ડન્સમાં શમી સાથે મુલાકાત કરી હતી. ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 ફાઇનલ મૅચ પછીથી મોહમ્મદ શમી ટીમની બહાર છે.


