Mohammed Shami suffers legal setback: કોલકાતા હાઈકોર્ટે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ભૂતપૂર્વ પત્ની હસીન જહાં અને પુત્રીને માસિક ૪ લાખ રુપિયા ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો
મોહમ્મદ શમી પત્ની હસીન જહાં અને દીકરી આયરા સાથે
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)નું અંગત જીવન ફરી એકવાર હેડલાઇન્સમાં છે. તેની પત્ની હસીન જહાં (Hasin Jahan) સાથે લાંબા સમયથી ચાલતો વિવાદ હવે મહત્વપૂર્ણ કાનૂની તબક્કામાં પહોંચી ગયો છે. ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને કોલકાતા હાઈકોર્ટ (Calcutta High Court) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે શમીને તેની પત્ની હસીન જહાં અને પુત્રી આયરા શમી (Aaira Shami)ને દર મહિને ચાર લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. તેણે તેની પત્નીને ૧.૫ લાખ રૂપિયા અને તેની પુત્રીને ખર્ચ માટે દર મહિને ૨.૫ લાખ રૂપિયા ચૂકવવા પડશે.
ક્રિકેટર મોહમ્મદ શમીએ ભરણપોષણ ખર્ચ તરીકે (Mohammed Shami suffers legal setback) તેની પત્ની હસીન જહાં અને પુત્રી આયરા શમીને દર મહિને ૪ લાખ રૂપિયા ચૂકવવા પડશે. કોલકાતા હાઈકોર્ટે મંગળવારે આ આદેશ આપ્યો. કોર્ટે તેને તેની પત્ની હસીન જહાંને દર મહિને ૧.૫ લાખ રૂપિયા અને તેની પુત્રીને ભરણપોષણ ખર્ચ તરીકે ૨.૫ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો. કોર્ટના આદેશ મુજબ, મોહમ્મદ શમીને છેલ્લા સાત વર્ષથી દર મહિને ૪ લાખ રૂપિયા ચૂકવવા પડશે. હાઈકોર્ટે નીચલી કોર્ટને છ મહિનામાં કેસનો નિકાલ લાવવાનો પણ આદેશ આપ્યો છે. હસીન જહાંની અરજી પર જસ્ટિસ અજય મુખર્જીએ આ આદેશ આપ્યો છે. સાથે જ કોર્ટે એમ પણ કહ્યું કે, શમી પોતાની પુત્રીના શિક્ષણ અથવા નિર્ધારિત રકમથી વધુ અન્ય ખર્ચ માટે સ્વેચ્છાએ ફાળો આપવા માટે સ્વતંત્ર છે.
ADVERTISEMENT
હસીન જહાં અને મોહમ્મદ શમી વચ્ચેનો વિવાદ ઘણો જૂનો છે. હસીન જહાંએ અગાઉ શમી પાસેથી દર મહિને ૭ લાખ રૂપિયા ભરણપોષણની માંગણી કરી હતી. તે સમયે કોર્ટે તેની માંગણી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે, હસીન જહાં મોડેલિંગથી પૈસા કમાય છે. અગાઉ અલીપોર કોર્ટ (Alipore Court)એ શમીને તેની પત્ની અને બાળક માટે દર મહિને ૮૦,૦૦૦ રુપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. બાદમાં, જિલ્લા ન્યાયાધીશે આ આદેશ બદલ્યો. કોર્ટે શમીને તેની પત્ની માટે દર મહિને ૫૦,૦૦૦ રૂપિયા અને બાળક માટે ૮૦,૦૦૦ રૂપિયા ચૂકવવા કહ્યું. હસીન જહાંએ આ નિર્ણય સ્વીકાર્યો નહીં. તેણે કોલકાતા હાઈકોર્ટમાં અપીલ કરી. તેણે કહ્યું કે તેનો માસિક ખર્ચ લગભગ ૬.૫ લાખ રૂપિયા છે.
મોહમ્મદ શમીની વાર્ષિક આવક લગભગ ૭.૫ કરોડ રૂપિયા છે. પૈસા હોવા છતાં, તે તેની પત્ની અને બાળકને જરૂરી રકમ આપી રહ્યો નથી. શમીની આવકને ધ્યાનમાં રાખીને, કોલકાતા હાઇકોર્ટે તેને દર મહિને ૪ લાખ રૂપિયાનો ભરણપોષણ ખર્ચ ચૂકવવાનો આદેશ આપ્યો.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૮માં, મોહમ્મદ શમી પર પત્ની હસીન જહાંએ ઘરેલુ હિંસા અને દહેજ ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. બંને હજુ સુધી કાયદેસર રીતે અલગ થયા નથી. તેણીએ એવો પણ આરોપ લગાવ્યો હતો ક। શમીએ તેના પરિવારના ખર્ચ ચલાવવા માટે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું. તેણીએ શમી પર મેચ ફિક્સિંગનો પણ આરોપ લગાવ્યો છે. આ આરોપ પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (The Board of Control for Cricket in India - BCCI)એ ફાસ્ટ બોલરના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં બોર્ડે તપાસ કરી અને શમીને મેચ ફિક્સિંગના આરોપોમાંથી મુક્ત કરી દીધો.
તમને જણાવી દઈએ કે, મોહમ્મદ શમી અને હસીન જહાંના વર્ષ ૨૦૧૪માં લગ્ન થયા હતા. શમી સાથે લગ્ન કરતા પહેલા હસીન જહાં ઇન્ડિયન પ્રિમિયર લીગ – આઇપીએલ (Indian Premier League - IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders - KKR) માટે મોડેલ અને ચીયરલીડર તરીકે કામ કરી ચૂકી છે. તેમની પુત્રી આયરાનો જન્મ ૨૦૧૫માં થયો હતો.
મોહમ્મદ શમીને તેની પત્ની અને પુત્રીને દર મહિને ચાર લાખ રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો આદેશ
ભરણપોષણની રકમ ૧.૩૦ લાખથી વધારીને ૪ લાખ રૂપિયા કરવામાં આવી, હાઈ કોર્ટે કહ્યું કે લગ્ન જેવી લાઇફસ્ટાઇલ જીવવા માટે હસીન જહાં હકદાર
કલકત્તા હાઈ કોર્ટે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને તેનાથી અલગ અને સ્વતંત્ર રહેતી પત્ની હસીન જહાં અને પુત્રીને દર મહિને ચાર લાખ રૂપિયાનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ આદેશ આપતાં જજે કહ્યું હતું કે ‘શમીની કમાણી દર્શાવે છે કે તે વધુ ભરણપોષણ ચૂકવી શકે છે. હસીન જહાં દીકરી સાથે સ્વતંત્ર રીતે રહે છે. તે તેનાં લગ્ન દરમ્યાન જે લાઇફસ્ટાઇલથી રહેતી હતી એવું જીવન માણવા માટે હકદાર છે અને જે તેના અને બાળકના ભવિષ્યને વાજબી રીતે સુરક્ષિત કરે છે.’
૧.૩૦ લાખથી ૪ લાખ
ભરણપોષણની રકમમાં ૨૦૨૩માં જિલ્લા સેશન્સ કોર્ટના આદેશના આધારે નક્કી કરાયેલા ૧.૩૦ લાખ રૂપિયાના અગાઉના સંમત આંકડાથી નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ સમાચાર જાહેર થતાં જ શમીના ચાહકોએ સોશ્યલ મીડિયા પર તેના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરીને કહ્યું કે ક્રિકેટરને ભરણપોષણ જેવી આટલી મોટી રકમ ચૂકવવાની ફરજ પાડવી જોઈતી નહોતી.
શા માટે રકમ વધારી?
ભરણપોષણની રકમમાં થયેલા વધારા વિશેના આદેશની સમજૂતી આપતાં જજે કહ્યું હતું કે ‘આ આંકડો શમીની કમાણી, તેની પુત્રીના ભવિષ્ય અને બન્ને અલગ થયાં એ પહેલાં તેની અલગ રહેતી પત્ની હસીન જહાં જે જીવનશૈલીનો આનંદ માણી રહી હતી એને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો હતો. અરજદાર પત્ની અપરિણીત રહી છે અને બાળક સાથે સ્વતંત્ર રીતે રહે છે, તે લગ્નજીવન દરમ્યાન મેળવેલા સમાન ભરણપોષણ માટે હકદાર છે. એ સાચું છે કે વધુ પડતી નાણાકીય રાહત આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી, ત્યારે ખૂબ ઓછી રકમ આપવાનો પણ સ્વીકાર કરી શકાતો નથી.’
કોર્ટનો આભાર માન્યો હસીન જહાંએ
હસીન જહાંએ ભરણપોષણની રકમ તરીકે ૪ લાખ રૂપિયા નક્કી કરવા બદલ કોર્ટનો આભાર માન્યો હતો અને કહ્યું કે ‘આ આંકડો મને મારી પુત્રીને વધુ સારી શાળામાં પ્રવેશ અપાવવામાં મદદ કરશે, જે પહેલાં શક્ય નહોતું. છેલ્લાં સાત વર્ષમાં મારા અધિકારો માટે લડતી વખતે મેં લગભગ બધું ગુમાવ્યું છે. હું મારી પુત્રીને વધુ સારી શાળામાં પ્રવેશ આપી શકી નથી. હું કોર્ટની આભારી છું.’
વધારે રકમની માગણી
હસીન જહાંને શરૂઆતમાં વધારે નાણાકીય રાહત માટે પ્રાર્થના કરી હતી જેમાં પોતાના માટે દર મહિને ૭ લાખ રૂપિયાની વચગાળાની નાણાકીય રાહત અને તેની પુત્રી માટે વધારાના ૩ લાખ રૂપિયાનો સમાવેશ થાય છે.
ચાર વર્ષમાં ખટરાગ
હસીન જહાંને એપ્રિલ ૨૦૧૪માં લગ્નનાં ચાર વર્ષ પછી માર્ચ ૨૦૧૮માં જાદવપુર પોલીસ-સ્ટેશનમાં શમી અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં ઘરેલુ હિંસા, ભારે શારીરિક અને માનસિક ત્રાસ અને તેની સગીર પુત્રી પ્રત્યે સતત ઉદાસીનતા અને ઉપેક્ષાનો આરોપ મૂક્યો હતો. તેણે શમી પર દહેજ ઉત્પીડન અને મૅચ-ફિક્સિંગનો પણ આરોપ લગાવ્યો હતો. જ્યારે આરોપ લગાવ્યો હતો કે શમીએ તેના પરિવારના ખર્ચાઓ ચલાવવા માટે નાણાકીય જવાબદારી ઉપાડવાનું બંધ કરી દીધું હતું.

