લિમિટેડ ઓવર્સના ફૉર્મેટમાં પાકિસ્તાનની ટીમના નવા કૅપ્ટન બન્યા બાદ મોહમ્મદ રિઝવાને એક મોટું નિવેદન આપ્યું હતું
મોહમ્મદ રિઝવાન
લિમિટેડ ઓવર્સના ફૉર્મેટમાં પાકિસ્તાનની ટીમના નવા કૅપ્ટન બન્યા બાદ મોહમ્મદ રિઝવાને એક મોટું નિવેદન આપ્યું હતું કે ‘જો હું કૅપ્ટન તરીકે મારી જાતને કિંગ સમજવાનું શરૂ કરીશ તો બધું વિખેરાઈ જશે. એક નેતા તરીકે હું ટીમના ૧૫ સભ્યોની સેવા કરવા માટે અહીં છું. મારા માટે ટીમનો દરેક સભ્ય કૅપ્ટન છે. અમારી પાસે સિદ્ધિઓના સંદર્ભમાં પાકિસ્તાનના દરેકના સંદેશ અને સમર્થન છે જેઓ અમને માત્ર એક જ વાત કહે છે - લડો, લડો અને લડો. તેઓ અમને વારંવાર એક જ સંદેશ મોકલતા રહે છે અને અમે આખા દેશને બતાવવાનો પૂરો પ્રયાસ કરીશું કે અમે પૂરી ક્ષમતાથી લડીશું.’
આ પહેલાં ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમને ફૅન્સ પાકિસ્તાન ક્રિકેટનો કિંગ કહેતા હતા. રિઝવાન એક સમયે વાઇસ-કૅપ્ટન તરીકે તેને સાથ આપતો હતો. બાબર આઝમ ફૉર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને એક ખેલાડી તરીકે ટીમમાં છે. ક્રિકેટ-ફૅન્સ રિઝવાનના આ કિંગવાળા નિવેદનને બાબર આઝમ પર મારેલો એક ટૉન્ટ સમજી રહ્યા છે.
ADVERTISEMENT
આૅસ્ટ્રેલિયાએ કૅપ્ટન વગરની T20 સ્ક્વૉડ જાહેર કરી
ઑસ્ટ્રેલિયાએ ભારત સામેની બૉર્ડર-ગાવસકર સિરીઝને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સામેની ઘરઆંગણાની T20 સિરીઝ માટે એના નિયમિત ટેસ્ટ-ખેલાડીઓને આરામ આપ્યો છે. ચોથી નવેમ્બરથી વન-ડે સિરીઝ અને ૧૪ નવેમ્બરથી T20 સિરીઝ શરૂ થશે પણ ઑસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે પહેલાં કૅપ્ટન વગરની T20 સ્ક્વૉડ ગઈ કાલે જાહેર કરી છે. T20 ટીમના કૅપ્ટન મિચલ માર્શ, ટ્રૅવિસ હેડ અને વન-ડે તથા ટેસ્ટ-ટીમના કૅપ્ટન પૅટ કમિન્સને આરામ આપવામાં આવ્યો છે. આ સ્ક્વૉડમાં એવો કોઈ ખેલાડી સામેલ નથી જેણે અગાઉ કોઈ પણ ફૉર્મેટમાં પોતાના દેશ માટે કૅપ્ટન્સી કરી હોય. ગ્લેન મૅક્સવેલ, ઍડમ ઝૅમ્પા, મૅથ્યુ શૉર્ટ અને જોશ ઇંગ્લિસ કૅપ્ટન બનવાની રેસમાં સામેલ છે.

