વૉશિંગ્ટન ફ્રીડમને પાંચ રને હરાવ્યું, ટુર્નામેન્ટમાં પહેલી વાર અંતિમ ઓવરમાં વિજેતા નક્કી થયો
કૅપ્ટન નિકોલસ પૂરન સાથે ટાઇટલ જીતની ઉજવણી કરતી MI ન્યુ યૉર્કની ટીમ.
મુંબઈ ઇન્ડિયન્સ ટીમે ૧૩મું T20 ટાઇટલ જીતીને મેન્સ અને વિમેન્સ ફ્રૅન્ચાઇઝી ક્રિકેટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ગઈ કાલે મેજર લીગ ક્રિકેટ (MLC)ની ત્રીજી સીઝનની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન વૉશિંગ્ટન ફ્રીડમને પાંચ રને હરાવીને MI ન્યુ યૉર્કે અંતિમ ઓવરમાં બાજી મારી હતી. ગ્રુપ-સ્ટેજમાં ૧૦માંથી માત્ર ૩ મૅચ જીતનાર MI ન્યુ યૉર્ક બે MLC ટાઇટલ જીતનાર પહેલી ટીમ બની છે.
ઓપનર ક્વિન્ટન ડી કૉક (૪૬ બૉલમાં ૭૭ રન)ની ઇનિંગ્સના આધારે MI ન્યુ યૉર્કે સાત વિકેટ ગુમાવીને ૧૮૦ રન બનાવ્યા હતા. ૧૮૧ રનના ટાર્ગેટ સામે અંતિમ ઓવરમાં જીત માટે જરૂરી ૧૨ રન ન કરી શકતાં ગ્લેન મૅક્સવેલની ટીમ પાંચ વિકેટે ૧૭૫ રન જ કરી શકી હતી. પહેલી વાર MLCની ફાઇનલ મૅચ અંતિમ ઓવર સુધી પહોંચી હતી. આ પહેલાંની બન્ને ફાઇનલ મૅચની વિજેતા ટીમ ૧૬મી ઓવરમાં જ નક્કી થઈ ગઈ હતી.
ADVERTISEMENT
ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે (૩૨ રનમાં બે વિકેટ) પહેલી જ ઓવરમાં વૉશિંગ્ટન ફ્રીડમના બે બૅટર્સને ઝીરોના સ્કોર પર આઉટ કર્યા હતા. કોઈ ટીમે ફાઇનલમાં ઝીરો રનના સ્કોર પર બે વિકેટ ગુમાવીને શરૂઆત કરી હોય એવી MLCની પહેલી ઘટના હતી. ભારતીય મૂળનો બાવીસ વર્ષનો ફાસ્ટ બોલર રુશીલ ઉગરકર (૩૨ રનમાં બે વિકેટ) અંતિમ ઓવરમાં માત્ર ૬ રન આપીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ગુજરાતી મૂળના અમેરિકન પ્લેયર મોનાંક પટેલે MI ન્યુ યૉર્ક તરફથી ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૪૭૮ રન ફટકાર્યા હતા.
17 આટલાં હાઇએસ્ટ T20 ટાઇટલ જીતવાના ડ્વેઇન બ્રાવોના રેકૉર્ડની બરાબરી કરી કાઇરોન પોલાર્ડે.
એક નમ્ર અને ગર્વની ક્ષણ છે. આ વર્ષે ભારત (WPL), સાઉથ આફ્રિકા (SA20) અને અમેરિકા (MLC)માં ટાઇટલની હૅટ-ટ્રિક ખૂબ જ સંતોષકારક છે. - ટીમ ઓનર આકાશ અંબાણી

