નરી કૉન્ટ્રૅક્ટર ૮૮ વર્ષના છે
નરી કૉન્ટ્રૅક્ટર
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન નરી કૉન્ટ્રૅક્ટરે ગઈ કાલે મુંબઈની એક હૉસ્પિટલમાં માથામાં સર્જરી કરાવી હતી. માર્ચ ૧૯૬૨માં વેસ્ટ ઇન્ડીઝની ટૂરમાં ફાસ્ટ બોલર ચાર્લી ગ્રિફિથના બાઉન્સરમાં બૉલ વાગ્યા પછીના ઑપરેશનમાં કૉન્ટ્રૅક્ટરના માથામાં જે ટિટેનિયમ પ્લેટ બેસાડવામાં આવી હતી એ ગઈ કાલની (૬૦ વર્ષ પછીની) સર્જરીમાં કાઢી નાખવામાં આવી હતી. આ સર્જરી સફળ રહી હતી. તેમના પુત્ર હોશેદારે કહ્યું હતું કે આ સર્જરી એક કલાક સુધી ચાલી હતી અને હવે મારા પિતાની તબિયત સ્થિર અને સુધારા પર છે.
નરી કૉન્ટ્રૅક્ટર ૮૮ વર્ષના છે. ૧૯૬૨ના માર્ચના પ્રથમ અઠવાડિયામાં તેમના સુકાનમાં કિંગસ્ટનમાં સિરીઝની જે બીજી ટેસ્ટ રમાઈ હતી એમાં તેમણે વેસ્લી હૉલ, ફ્રૅન્ક વૉરેલ જેવા ટોચના ફાસ્ટ બોલરોનો સામનો કર્યો હતો. જોકે એ ટેસ્ટ પછીની પ્રૅક્ટિસ મૅચમાં લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટર કૉન્ટ્રૅક્ટરને ગ્રિફિથનો બૉલ માથામાં વાગ્યો હતો જેને લીધે કૉન્ટ્રૅક્ટરની કરીઅરનો ત્યાં જ અંત આવી ગયો હતો. ત્યારે ઈજા બાદ તેમના માથામાં વધુ નુકસાન થતું અટકાવવા ડૉક્ટરે માથામાં ટિટેનિયમની પ્લેટ બેસાડી હતી. ૧૯૬૩થી ૧૯૭૧ સુધી તેઓ (ગુજરાત, વેસ્ટ ઝોન વતી) ડોમેસ્ટિક મૅચ રમ્યા હતા, પરંતુ ફરી ભારતીય ટીમમાં તેમને સ્થાન નહોતું મળ્યું.


