પારદર્શક ટીમ સિલેક્શન માટે મનોજ તિવારીની માગણી સિલેક્શન મીટિંગનું લાઇવ ટેલિકાસ્ટ થવું જોઈએ. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ T20 એશિયા કપ 2025 માટેની ભારતીય સ્ક્વૉડ વિશે નિરાશા વ્યક્ત કરી છે.
મનોજ તિવારી
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ T20 એશિયા કપ 2025 માટેની ભારતીય સ્ક્વૉડ વિશે નિરાશા વ્યક્ત કરી છે. સ્ટાર બૅટર શ્રેયસ ઐયર અને યશસ્વી જાયસવાલની અવગણનાના મુદ્દે તેણે પોતાના જૂના સાથી-પ્લેયર તથા વર્તમાન ભારતીય હેડ-કોચ ગૌતમ ગંભીર પર પ્રહાર કર્યા છે.
તે કહે છે, ‘બે લાયક ઉમેદવારો શ્રેયસ ઐયર અને યશસ્વી જાયસવાલ ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી. જો તમે ગૌતમ ગંભીરના જૂના વિડિયો જુઓ તો તેણે કહ્યું હતું કે યશસ્વી જાયસવાલ એટલો સારો પ્લેયર છે કે આપણે તેને T20 ટીમમાંથી બહાર રાખવાનું વિચારી પણ ન શકીએ. હવે જ્યારે તે પોતે કોચ છે તો ટીમમાં તેને માટે કોઈ સ્થાન નથી. જો તમે ગયા વર્ષ પર નજર નાખશો તો શ્રેયસ ઐયરનું પ્રદર્શન શ્રેષ્ઠ છે. આશ્ચર્યજનક છે કે તેને T20 ટીમમાં સ્થાન મળ્યું નથી. હું વર્ષોથી ડિમાન્ડ કરતો આવ્યો છું કે પસંદગી-પ્રક્રિયા લાઇવ થવી જોઈએ જેથી ક્રિકેટ-ફૅન્સને ખબર પડે કે કોની પસંદગી કરવામાં આવી છે અને શા માટે.’


