ક્રિશ શ્રીકાંત કહે છે કે તેણે ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મણે વધુમાં કહ્યું કે કોહલી ભારતનો શ્રેષ્ઠ ટેસ્ટ-કૅપ્ટન છે.
કૃષ્ણમાચારી શ્રીકાંત અને શુભમન ગિલ
રોહિત શર્માનું ટેસ્ટ-રિટાયરમેન્ટ અને જસપ્રીત બુમરાહની ઇન્જરીની શક્યતાઓને કારણે ભારતીય ટેસ્ટ-ટીમના કૅપ્ટન તરીકે શુભમન ગિલ અને વાઇસ-કૅપ્ટનના પદ માટે રિષભ પંતનું નામ ચર્ચામાં સૌથી આગળ છે. ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમ અને ભૂતપૂર્વ સિલેક્શન કમિટીના સભ્ય કૃષ્ણમાચારી શ્રીકાંતે આ મુદ્દે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે ‘મને નથી લાગતું કે તેનું (શુભમન ગિલ) હજી સુધી પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ચોક્કસ છે. તમે જસપ્રીત બુમરાહને કૅપ્ટન્સી સોંપી શકો છો અને જો ટેસ્ટ-મૅચ તે નથી રમી શક્તો એમાં તમે કે. એલ. રાહુલને જવાબદારી આપી શકો છો. પછી હું કે. એલ. રાહુલ અથવા રિષભ પંતને વાઇસ-કૅપ્ટન તરીકે નિયુક્ત કરીશ, કારણ કે તેઓ પ્લેઇંગ ઇલેવનમાં હશે એ નિશ્ચિત છે. આ મારો મત છે. શુભમન ગિલ પર કૅપ્ટન્સી લાદવી એ સમજદારીભર્યું નહીં હોય અને તેના બદલે તેણે ટેસ્ટ-ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’
તેમણે સાઈ સુદર્શનને ત્રણેય ફૉર્મેટનો સારો ક્રિકેટર ગણાવીને તેને સ્ક્વૉડમાં સમાવવાની હિમાયત પણ કરી હતી.
વિરાટ કોહલીને ભારતનો શ્રેષ્ઠ ટેસ્ટ-કૅપ્ટન ગણાવ્યો
તામિલનાડુના આ ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું કે ‘જો હું સિલેક્શન કમિટીનો અધ્યક્ષ હોત તો મેં વિરાટને વ્યક્તિગત રીતે વિનંતી કરી હોત બૉસ, હું ઇચ્છું છું કે તમે થોડા સમય માટે ભારતનું નેતૃત્વ કરો. હવે જ્યારે રોહિત પણ નથી, ત્યારે કૅપ્ટન્સીની વાત આવે ત્યારે અચાનક એક શૂન્યાવકાશ સર્જાય છે. તેની જાહેરાત પહેલાં હું તેની સાથે વાત કરી લેત કે હું ઇચ્છું છું કે તું આગામી છ મહિના કે એક વર્ષ માટે કૅપ્ટન રહે. જ્યાં સુધી તમે ઇચ્છો ત્યાં સુધી કામ કરો અને પછી નિવૃત્તિ લો.’ તેમણે વધુમાં કહ્યું કે કોહલી ભારતનો શ્રેષ્ઠ ટેસ્ટ-કૅપ્ટન છે.


