વર્લ્ડ કપ વિજેતા ક્રાન્તિ ગૌડના પપ્પા ફરી પોલીસ-કૉન્સ્ટેબલ બનશે
ક્રાન્તિ ગૌડના સન્માન સમારોહમાં તેના પપ્પા મુન્ના સિંહ ગૌડને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે સન્માનિત કર્યા હતા.
ભારતીય વિમેન્સ ટીમની ફાસ્ટ બોલર ક્રાન્તિ ગૌડને વધુ એક ગિફ્ટ મધ્ય પ્રદેશ સરકાર તરફથી મળી છે. દેશનું નામ રોશન કરવા બદલ તેના પપ્પાની પોલીસની નોકરી ફરી આપવાનું મધ્ય પ્રદેશ સરકારે વચન આપ્યું છે. મુખ્ય પ્રધાન મોહન યાદવે ખાતરી આપી છે કે ક્રાન્તિના પપ્પા મુન્ના સિંહ ગૌડને પોલીસ-કૉન્સ્ટેબલ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવશે.
હોમટાઉન છતરપુરમાં ચૂંટણી-ફરજ દરમ્યાન એક ભૂલને કારણે મુન્ના સિંહ ગૌડને ૧૩ વર્ષ પહેલાં નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. વિમેન્સ વર્લ્ડ કપ 2025માં નવ વિકેટ લેનાર આ ફાસ્ટ બોલરને રાજ્ય સરકારે એક કરોડ રૂપિયા કૅશ પ્રાઇઝ આપી સન્માનિત કરી હતી.


