એક સમયે સિક્યૉરિટી ગાર્ડનું કામ કરનાર વેસ્ટ ઇન્ડીઝના આ યુવા ક્રિકેટરનો ઑસ્ટ્રેલિયામાં મૅચ-વિનિંગ પર્ફોર્મન્સ હતો
શમાર જોસેફ
ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમ્યાન પોતાની ઘાતક બોલિંગથી ધમાલ મચાવનાર વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલર શમાર જોસેફની ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એન્ટ્રી થઈ છે. શમાર જોસેફને કે. એલ. રાહુલની કૅપ્ટન્સીવાળી લખનઉ સુપર જાયન્ટ્સ ટીમે ૩ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. લખનઉની ટીમે ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડની જગ્યાએ શમાર જોસેફને ટીમમાં લીધો છે. શમાર જોસેફે હાલમાં ઑસ્ટ્રેલિયા સામે બે ટેસ્ટની સિરીઝમાં પોતાની બોલિંગથી તમામ લોકોને પ્રભાવિત કર્યા છે.
વેસ્ટ ઇન્ડીઝના યુવા ફાસ્ટ બોલર શમાર જોસેફ ગયાનામાં એક નાના શહેરમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. જોકે તેને ક્રિકેટમાં રુચિ હોવાને કારણે તેણે એમાં જ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું અને સમય જતાં તેની ટૅલન્ટને કારણે તેણે વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં જગ્યા બનાવી લીધી છે. શમાર જોસેફને ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમ્યાન વિન્ડીઝ ટીમમાં જગ્યા મળી અને ત્યાં તેણે પોતાની શાનદાર બોલિંગને કારણે વિશ્વ ક્રિકેટમાં પોતાની આગવી છાપ ઊભી કરી છે.
ADVERTISEMENT
ટી૨૦ ક્રિકેટમાં જોસેફને માત્ર બે જ મૅચનો અનુભવ
ટી૨૦ ક્રિકેટમાં શમાર જોસેફને માત્ર બે મૅચ રમસાનો અનુભવ છે. શમાર જોસેફે ઑસ્ટ્રેલિયાના પ્રવાસ દરમ્યાન શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ ટી૨૦માં તેને માત્ર બે મૅચનો જ અનુભવ છે. માત્ર મૅચ જ નહીં, તેને આ બે મૅચમાં હજી સુધી એકેય વિકેટ નથી મળી. એવામાં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમે શમાર જોસેફને ટીમમાં લઈને મોટું રિસ્ક લીધું એવું કહી શકાય. જોકે ઇન્ટરનૅશનલ લીગ ટી૨૦માં આ વર્ષે દુબઈ કૅપિટલ્સે જોસેફ સાથે કરાર કર્યો હતો, પણ ગાબા ટેસ્ટમાં યૉર્કર બૉલમાં ઈજાગ્રસ્ત થતાં તે એ લીગમાં રમી શક્યો નહોતો.