૧૪ દિવસની અંદર ક્રિસ ગેઇલ બાદ કાયરન પોલાર્ડને પણ પછાડ્યો
જૉસ બટલર
ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટ્સમૅન જૉસ બટલરે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે. ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં વેલ્શ ફાયર સામે મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ માટે ૨૦ બૉલમાં અણનમ ૫૧ રન બનાવ્યા બાદ જૉસ બટલર હવે નંબર વન T20 બૅટર તરીકે નવો બાદશાહ બન્યો છે.
૩૫ વર્ષનો જૉસ બટલરે ૪૯૨ T20 ઇનિંગ્સમાં કુલ ૧૪,૮૩૩ રન બનાવ્યા છે. ૫૨૨ મૅચોમાં તેણે ૧૪૭.૨૪ના સ્ટ્રાઇક-રેટથી ૯ સદી અને ૧૦૬ ફિફ્ટીની મદદથી આ રેકૉર્ડ કર્યો હતો. T20 ઇન્ટરનૅશનલમાં ૧૬૦ મૅચમાં ૪૨૧૨ રન સાથે જૉસ બટલર હાઇએસ્ટ રનસ્કોરરના લિસ્ટમાં ત્રીજા ક્રમે છે.
૨૧ જૂને કાયરન પોલાર્ડ ૬૬૩ T20 ઇનિંગ્સમાં ૧૪,૮૦૩ રન સાથે નંબર વન T20 બૅટર બન્યો હતો. તેણે ૧૨ વર્ષથી નંબર વન બૅટર રહેલા ક્રિસ ગેઇલ (૪૫૫ ઇનિંગ્સમાં ૧૪,૫૬૨ રન)ને પછાડ્યો હતો. જૉસ બટલરે ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટ દરમ્યાન ૧૪ દિવસની અંદર આ બન્ને કૅરિબિયન બૅટર્સને પછાડ્યા છે.
મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સનો કૅપ્ટન બન્યો જૉસ બટલર
ADVERTISEMENT
એઇડન માર્કરમ વ્યક્તિગત કારણોસર સાઉથ આફ્રિકા પરત ફર્યો હોવાથી ફ્રૅન્ચાઇઝીએ જાહેરાત કરી હતી કે જૉસ બટલર ધ હન્ડ્રેડ 2026ની બાકીની મૅચો માટે મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કરશે. ૨૦૨૫માં ચૅમ્પિયન્સ ટ્રોફી પછી ઇંગ્લૅન્ડના વાઇટ-બૉલ કૅપ્ટન તરીકે રાજીનામું આપ્યા પછી તે પહેલી વખત કૅપ્ટન્સી કરતો જોવા મળશે. વર્તમાન સીઝનમાં ૬ મૅચમાં ત્રણ જીત, ત્રણ હાર સાથે મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ ૮ ટીમો વચ્ચે ટૉપ ટીમોમાં સામેલ છે.
ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકૉર્ડ હવે અંગ્રેજોના નામે
બ્રિટનની ધરતી પર ક્રિકેટની રમતનો જન્મ થયો હતો અને આજે ક્રિકેટનાં ત્રણેય ફૉર્મેટમાં અંગ્રેજ બૅટરોનો દબદબો જોવા મળી રહ્યો છે. ઇંગ્લૅન્ડના ત્રણ બેટ્સમેન ફર્સ્ટ-ક્લાસ, લિસ્ટ A એટલે કે વન-ડે ફૉર્મેટ અને T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકૉર્ડ ધરાવે છે.
ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં જૅક હૉબ્સ ૬૧,૭૬૦ રન સાથે સૌથી આગળ છે જ્યારે ગ્રેહામ ગૂચ ૨૨,૨૧૧ રન સાથે લિસ્ટ A ક્રિકેટમાં ટોચ પર છે. હવે જૉસ બટલર પુરુષોના T20 ક્રિકેટમાં સૌથી વધુ ૧૪,૮૩૩ રન સાથે પહેલા ક્રમે પહોંચ્યો છે અને હજી પણ રમી રહ્યો છે.
કોઈ ખેલાડી એક દિવસ મારા આ રેકૉર્ડને વટાવી જશે. મને લાગે છે કે વૈભવ સૂર્યવંશી એક દિવસ આ રેકૉર્ડ તોડશે
- જૉસ બટલર
