સૌરાષ્ટ્રની બે જ વિકેટ બાકી હોવાથી રેસ્ટ આજે જ વિજેતા બની શકે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે )
રાજકોટમાં ગઈ કાલે પાંચ-દિવસીય ઇરાની ટ્રોફી મુકાબલાના ત્રીજા દિવસે જયદેય ઉનડકટના સુકાનમાં સૌરાષ્ટ્રની ટીમે બૅટિંગમાં વળતો જવાબ આપીને ૯૨ રનની લીડ લીધી હતી, પરંતુ રેસ્ટ ઑફ ઇન્ડિયાની ટીમને સાધારણ ટાર્ગેટ મળશે એવી સંભાવના વચ્ચે આજના સહિત બાકીના બે દિવસમાં જીતવાનો હજી મોકો છે.
ગઈ કાલે બીજા દાવમાં સૌરાષ્ટ્રના ચાર બૅટરે હાફ સેન્ચુરી ફટકારી હતી જેની મદદથી સૌરાષ્ટ્રની ટીમે ૨૭૬ રનની તોતિંગ સરસાઈ ઉતાર્યા પછી બીજા ૯૨ રન બનાવવામાં સફળતા મેળવી હતી. સેકન્ડ ઇનિંગ્સના સ્કોર (૩૬૮/૮)માં વિકેટકીપર શેલ્ડન જૅક્સન (૭૧ રન), અર્પિત વસાવડા (૫૫ રન), પ્રેરક માંકડ (૭૨ રન) અને કૅપ્ટન જયદેવ ઉનડકટ (૭૮ નૉટઆઉટ)ના મહત્ત્વનાં યોગદાનો છે. ચેતેશ્વર પુજારા ફક્ત ૧ રન બનાવીને પેસ બોલર કુલદીપ સેનના બૉલમાં વિકેટકીપર કે. એસ. ભરતને કૅચ આપી બેઠો હતો. કુલદીપ સેન અને સ્પિનર સૌરભ કુમારે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ઉમરાન મલિકને ૫૯ રનમાં વિકેટ નહોતી મળી. સૌરાષ્ટ્રની બે જ વિકેટ બાકી હોવાથી રેસ્ટ આજે જ વિજેતા બની શકે.

