KKRએ ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર કૅમરન ગ્રીનને ૨૫.૨૦ કરોડ રૂપિયામાં ખરીદીને સૌથી મોંઘો વિદેશી IPL પ્લેયર બનાવ્યો હતો
કૅમરન ગ્રીન
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર કૅમરન ગ્રીનને ૨૫.૨૦ કરોડ રૂપિયામાં ખરીદીને સૌથી મોંઘો વિદેશી IPL પ્લેયર બનાવ્યો હતો. આ યંગ ઑલરાઉન્ડર વિશે વાત કરતાં હેડ કોચ અભિષેક નાયરે કહ્યું હતું કે ‘હું કહી શકતો નથી કે અમે તેના માટે કેટલી ઊંચી બોલી લગાવવા તૈયાર હતા, પરંતુ અમે બધું જ કરવા માગતા હતા. તેને મેળવવા માટે અમે બનતું બધું કરવાના હતા, કારણ કે તે અમારા માટે એક મુખ્ય ખેલાડી છે.’
અભિષેક નાયરે વધુમાં કહ્યું હતું કે ‘આન્દ્રે રસેલના ગયા પછી અમને કોઈ એવી વ્યક્તિની જરૂર છે જે ફ્રૅન્ચાઇઝીને આગળ લઈ જઈ શકે. એથી અમે નક્કી કર્યું કે અમારે કૅમરન ગ્રીનને ખરીદવાનો જ છે. અમે કૅમરન ગ્રીનને ટૉપ ઑર્ડરમાં બૅટિંગ કરતો જોવા ઇચ્છીએ છીએ. તે એક એવો ખેલાડી છે જે અમારા માટે ૫૦૦ રન બનાવી શકે છે. એથી જ અમે તેની સાથે કરાર કરવા માટે ખૂબ ઉત્સુક હતા. અમે જાણીએ છીએ કે તેની પાસે ક્ષમતા છે. તેણે પહેલાં IPLમાં ૫૦૦થી વધુ રન બનાવ્યા છે. એથી તે ટોચના ક્રમમાં સારું પ્રદર્શન કરી શકે છે. તે અમારા માટે વિવિધ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. આશા છે કે તે અમારા માટે મોટા રન બનાવી શકે છે.’


