પાવરપ્લેમાં પોતાનો હાઇએસ્ટ ૮૯ રનનો અને ૭.૩ ઓવરમાં ૧૦૦ રનનો સ્કોર કર્યા છતાં અંતિમ ઓવર્સમાં બાજી હારી ગયું રાજસ્થાન : પંજાબે પાંચ વિકેટ ગુમાવીને આપેલા ૨૨૦ રનના ટાર્ગેટ સામે રાજસ્થાન ૭ વિકેટે ૨૦૯ રન બનાવીને ૧૦ રને હાર્યું
પંજાબના નેહલ વઢેરાએ ૩૭ બૉલમાં આક્રમક ૭૦ રન ફટકાર્યા હતા.
IPL 2025ની ૫૯મી મૅચમાં પંજાબ કિંગ્સે ૧૦ રને રાજસ્થાન રૉયલ્સ સામે રોમાંચક જીત મેળવી હતી. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં પંજાબે નેહલ વઢેરા અને શશાંક સિંહની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી ૭ વિકેટ ગુમાવીને ૨૧૯ રન કર્યા હતા, જે જયપુરમાં IPLનો હાઇએસ્ટ સ્કોરનો રેકૉર્ડ પણ છે. સંજુ સૅમસનના નેતૃત્વવાળી રાજસ્થાનની ટીમ ૭ વિકેટે ૨૦૯ રન બનાવી શકી અને અંતિમ ઓવરમાં ફરી નબળા પ્રદર્શનને કારણે એણે ઘરઆંગણે એક સીઝનમાં હાઇએસ્ટ પાંચ હારના પોતાના ૨૦૨૩ના રેકૉર્ડની બરોબરી કરી હતી.
પાકિસ્તાન સુપર લીગ છોડીને ભારત આવેલા ઑસ્ટ્રેલિયાના બૅટર મિચલ ઓવેન (ઝીરો રન) સહિત પંજાબે બન્ને ઓપનર્સની વિકેટ ૩.૧ ઓવરમાં ૩૪ રનના સ્કોરે ગુમાવી દીધી હતી. ચોથા ક્રમે આવેલા નેહલ વઢેરા (૩૭ બૉલમાં ૭૦ રન)એ પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ધમાકેદાર ઇનિંગ્સ રમીને વિશાળ સ્કોરનો પાયો નાખ્યો હતો. તેણે કૅપ્ટન શ્રેયસ ઐયર (પચીસ બૉલમાં ૩૦ રન) સાથે ચોથી વિકેટ માટે ૬૭ રન અને શશાંક સિંહ (૩૦ બૉલમાં ૫૯ રન અણનમ) સાથે પાંચમી વિકેટ માટે ૫૮ રનની ભાગીદારી કરી હતી. શશાંકે છઠ્ઠી વિકેટ માટે ઑલરાઉન્ડર અઝમતુલ્લાહ ઓમરઝાઇ (નવ બૉલમાં ૨૧ રન અણનમ) સાથે ૬૦ રનની અણનમ ભાગીદારી કરીને ટીમનો સ્કોર ૨૦૦ રનને પાર પહોંચાડ્યો હતો. રાજસ્થાન તરફથી મીડિયમ ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે (૩૭ રનમાં બે વિકેટ) સૌથી પ્રભાવશાળી રહ્યો હતો.
ADVERTISEMENT

જાયસવાલે ૨૫ બૉલમાં ૫૦ રન ફટકાર્યા હતા.
૨૨૦ રનના ટાર્ગેટ સામે રાજસ્થાનના ઓપનર્સ યશસ્વી જાયસવાલ (પચીસ બૉલમાં ૫૦ રન) અને વૈભવ સૂર્યવંશી (૧૫ બૉલમાં ૪૦ રન)એ ૨૯ બૉલમાં ૭૬ રનની ભાગીદારી કરીને શાનદાર શરૂઆત અપાવી હતી. રાજસ્થાને પાવરપ્લેમાં હાઇએસ્ટ એક વિકેટે ૮૯ રન કરવાની સાથે ૭.૩ ઓવરમાં પોતાનો ફાસ્ટેસ્ટ ૧૦૦ રનનો રેકોર્ડ કર્યો હતો. ધમાકેદાર ઓપનિંગ ભાગીદારી બાદ સમયાંતરે વિકેટ ગુમાવતાં રાજસ્થાનની હાલત ખરાબ થઈ હતી. ઓપનર્સ બાદ વિકેટકીપર બૅટર ધ્રુવ જુરેલ (૩૧ બૉલમાં ૫૩ રન) જ મોટી ઇનિંગ્સ રમી શક્યો હતો. પંજાબના સ્પિનર હરપ્રીત બ્રાર (બાવીસ રનમાં ત્રણ વિકેટ) સાથે ફાસ્ટ બોલર્સ માર્કો યાન્સેન અને અઝમતુલ્લાહ ઓમરઝાઇએ બે-બે વિકેટ લીધી હતી. તેમની કડક બોલિંગને કારણે રાજસ્થાન છેલ્લા ૧૨ બૉલમાં જરૂરી ૩૦ રન પણ કરી શક્યું નહોતું.
પંજાબના મિડલ આૅર્ડર બૅટર્સે રચ્યો ઇતિહાસ
પંજાબના નંબર-ચારથી સાતમા ક્રમે બૅટિંગ કરતા મિડલ ઑર્ડર બૅટર્સે ગઈ કાલે એક ઇનિંગ્સમાં ૧૮૦ રન કર્યા હતા. તેમણે એક IPL ઇનિંગ્સમાં મિડલ ઑર્ડર દ્વારા ફટકારવામાં આવેલા મુંબઈ ઇન્ડિયન્સના ૧૭૪ રનનો રેકૉર્ડ તોડ્યો હતો. તેમણે ૨૦૨૦માં બૅન્ગલોર સામે આ રેકૉર્ડ કર્યો હતો. મિડલ ઑર્ડર બૅટર્સને કારણે પંજાબે ૩૫ રનમાં ત્રણ વિકેટ ગુમવ્યા છતાં હાઇએસ્ટ ૨૧૯ રનનો રેકૉર્ડ કર્યો હતો. આ પહેલાં આ રેકૉર્ડ લખનઉના નામે હતો. એણે ૨૦૨૩માં આ સ્થિતિમાં બૅન્ગલોર સામે ૯ વિકેટે ૨૧૩ રન કર્યા હતા.
8 એક IPL સીઝનમાં બીજી વાર બૅટિંગ કરતાં હાઇએસ્ટ આટલી વાર હારવાના પુણે વૉરિયર્સ ઇન્ડિયા (૨૦૧૨ અને ૨૦૧૩)ના રેકૉર્ડની બરાબરી કરી રાજસ્થાન રૉયલ્સે.


