વરસાદને કારણે બીજી ઇનિંગ્સ પૂરી જ ન થઈ, બન્ને ટીમને મળ્યા એક-એક પૉઇન્ટ
ભારે પવનને કારણે મેદાન પર કવર જાળવી રાખવામાં ગ્રાઉન્ડ-સ્ટાફને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં વરસાદ અને ભારે પવનને કારણે IPL 2025ની ૪૪મી મૅચ રદ કરવામાં આવી હતી. સીઝનની પહેલી મૅચ રદ થતાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સને એક-એક પૉઇન્ટ મળ્યા હતા. પહલગામ આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા બન્ને ટીમના પ્લેયર્સે હાથ પર કાળી પટ્ટી પહેરી હતી. મૅચ પહેલાં ક્રિકેટ અસોસિએશન ઑફ બેન્ગૉલ દ્વારા સ્ટેડિયમમાં એક મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું.
ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવા ઊતરેલી પંજાબની ટીમે ઓપનર્સ પ્રિયાંશ આર્ય (૩૫ બૉલમાં ૬૯ રન) અને પ્રભસિમરન સિંહ (૪૯ બૉલમાં ૮૩ રન)ની ૧૨૦ રનની પાર્ટનરશિપના આધારે ચાર વિકેટ ગુમાવીને ૨૦૧ રન ખડકી દીધા હતા. ૨૦૨ રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી હોમ ટીમ કલકત્તાએ જ્યારે એક ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર સાત રન બનાવ્યા હતા ત્યારે વરસાદને કારણે મૅચ રોકવી પડી હતી. રાતે ઑલમોસ્ટ ૯.૩૦ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ અને ભારે પવનની સ્થિતિ ૧૧ વાગ્યા સુધી યથાવત્ રહેતાં મૅચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


