બે જીવતદાન મેળવીને ૪૦ બૉલમાં પહેલી IPL સેન્ચુરી ફટકારી અભિષેક શર્માએ, હૈદરાબાદે ટુર્નામેન્ટના ઇતિહાસનો બીજો હાઇએસ્ટ ટાર્ગેટ નવ બૉલ પહેલાં સફળતાપૂર્વક ચેઝ કર્યો : પંજાબે આપેલા ૨૪૬ રનના ટાર્ગેટને ૧૮.૩ ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હૈદરાબાદે
સેન્ચુરી ફટકાર્યા બાદ આ ઇનિંગ્સ તમારા માટે છે ઑરેન્જ આર્મી એવો પેપર પરનો મેસેજ ફૅન્સને બતાવ્યો અભિષેક શર્માએ.
IPL 2025ની ૨૭મી મૅચમાં પંજાબ કિંગ્સને ૮ વિકેટે હરાવીને સનરાઇઝર્સ હૈદરાબાદે સીઝનમાં સળંગ ચાર બાદ જીત મેળવીને શાનદાર કમબૅક કર્યું હતું. પંજાબ કિંગ્સે કૅપ્ટન શ્રેયસ ઐયરની તાબડતોડ બૅટિંગની મદદથી છ વિકેટ ગુમાવીને પોતાનો ૨૪૫ રનનો બીજો હાઇએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. હૈદરાબાદે ઓપનર અભિષેક શર્માની ૧૪૧ રનની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી બે વિકેટ ગુમાવીને ૧૮.૩ ઓવરમાં ૨૪૭ રનનો ટાર્ગેટ રોમાંચક અંદાજમાં ચેઝ કરી લીધો હતો. હૈદરાબાદે આ ટુર્નામેન્ટના ઇતિહાસનો બીજો હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર પંજાબે ઓપનર્સ પ્રભસિમરન સિંહ (૨૩ બૉલમાં ૪૨ રન) અને પ્રિયાંશ આર્ય (૧૩ બૉલમાં ૩૬ રન) વચ્ચેની ૬૬ રનની ભાગીદારીની મદદથી વર્તમાન સીઝનનો પાવરપ્લેનો હાઇએસ્ટ ૮૯ રનનો સ્કોર ફટકારી દીધો હતો. પંજાબના કૅપ્ટન શ્રેયસ ઐયરે (૩૬ બૉલમાં ૮૨ રન) ફૉર્મમાં પરત ફરીને ત્રીજી વિકેટ માટે નેહાલ વાઢેરા (બાવીસ બૉલમાં ૨૭ રન) સાથે ૭૩ રનની પાર્ટનરશિપ કરીને સ્કોર ૧૩.૩ ઓવરમાં ૧૬૪ કર્યો હતો. ઑલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસની ૧૧ બૉલમાં ૩૪ રનની અણનમ ઇનિંગ્સની મદદથી ટીમનો સ્કોર ૨૪૫ સુધી પહોંચ્યો હતો.
ADVERTISEMENT
હૈદરાબાદ માટે ફાસ્ટ બોલર હર્ષલ પટેલ (૪૨ રનમાં ચાર વિકેટ) અને ઇશાન મલિંગા (૪૫ રનમાં બે વિકેટ)ને જ સફળતા મળી હતી. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ચાર ઓવરમાં ૧૮.૮૦ના ઇકૉનૉમી-રેટથી ૭૫ રન આપી દીધા હતા.
વિશાળ ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલા હૈદરાબાદના ઓપનર્સ ટ્રૅવિસ હેડ (૩૭ બૉલમાં ૬૬ રન) અને અભિષેક શર્મા (પંચાવન બૉલમાં ૧૪૧ રન)એ ૧૨.૨ ઓવરમાં ૧૭૧ રનની પાર્ટનરશિપ કરીને સૌને ચોંકાવ્યા હતા. આ વર્તમાન સીઝનની સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ હતી. ૨૫૬.૩૬ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ટુર્નામેન્ટના ઇતિહાસમાં ભારતીય બૅટર તરીકે સૌથી મોટી અને હૈદરાબાદ માટે હાઇએસ્ટ વ્યક્તિગત ઇનિંગ્સ રમનાર અભિષેક શર્માને મૅચમાં બે જીવતદાન મળ્યાં હતાં. તેણે બીજી વિકેટ માટે હેન્રિક ક્લાસેન (૧૪ બૉલમાં ૨૧ રન અણનમ) સાથે ૫૧ રનની ભાગીદારી કરીને ૧૬.૨ ઓવરમાં સ્કોર ૨૨૨ રને પહોંચાડી જીત પાકી કરી લીધી હતી.
પંજાબ કિંગ્સે હૈદરાબાદના ટૉપ ઑર્ડર બૅટર્સ સામે આઠ બોલરનો ઉપયોગ કર્યો હતો, પણ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ (૩૭ રનમાં એક વિકેટ) અને સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (૫૬ રનમાં એક વિકેટ)ને સફળતા મળી હતી.
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
દિલ્હી |
૪ |
૪ |
૦ |
+૧.૨૭૮ |
૮ |
ગુજરાત |
૬ |
૪ |
૨ |
+૧.0૮૧ |
૮ |
લખનઉ |
૬ |
૪ |
૨ |
+૦.૧૬૨ |
૮ |
કલકત્તા |
૬ |
૩ |
૩ |
+૦.૮૦૩ |
૬ |
બૅન્ગલોર |
૫ |
૩ |
૨ |
+૦.૫૩૯ |
૬ |
પંજાબ |
૫ |
૩ |
૨ |
+૦.૦૬૫ |
૬ |
રાજસ્થાન |
૫ |
૨ |
૩ |
-૦.૭૩૩ |
૪ |
હૈદરાબાદ |
૬ |
૨ |
૪ |
-૧.૨૪૫ |
૪ |
મુંબઈ |
૫ |
૧ |
૪ |
-૦.૦૧૦ |
૨ |
ચેન્નઈ |
૬ |
૧ |
૫ |
-૧.૫૫૪ |
૨ |

