દિલ્હીમાં રાજસ્થાન કરતાં ચેન્નઈનો રેકૉર્ડ સારો છે : રાજસ્થાન છેલ્લી ગ્રુપ સ્ટેજ-મૅચ રમશે
ચેન્નઈ સુપર કિંગ્સનો કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રાજસ્થાન રૉયલ્સનો કૅપ્ટન સંજુ સૅમસન.
IPL 2025ની ૬૨મી મૅચ આજે વર્તમાન સીઝનની તળિયાની ટીમો ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે રમાશે. ૬-૬ પૉઇન્ટ ધરાવતી બન્ને ટીમમાંથી રાજસ્થાન પોતાની અંતિમ ગ્રુપ સ્ટેજ-મૅચ રમી રહ્યું હોવાથી પૉઇન્ટ્સ ટેબલમાં થોડું સન્માનજનક સ્થાન મેળવીને વિદાય લેવાની ઇચ્છા રાખશે. સીઝનની પહેલી ટક્કરમાં રાજસ્થાનને ૬ રને ચેન્નઈ સામે જીત મળી હતી.
પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહેલી ચેન્નઈની ટીમ પોતાની અંતિમ બે મૅચમાં વધુ ને વધુ યંગ પ્લેયર્સને તક આપીને આગામી સીઝન માટે તૈયાર કરવાનો ટાર્ગેટ રાખશે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ધોની ઍન્ડ કંપની મે ૨૦૨૩ બાદ પહેલી વાર રમવા ઊતરશે, જ્યારે રાજસ્થાનને છેલ્લે આ મેદાન પર વર્તમાન સીઝનમાં દિલ્હી કૅપિટલ્સ સામે સુપર ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ADVERTISEMENT
કેવો રહ્યો છે બન્ને ટીમનો રેકૉર્ડ?
આ મેદાન પર ચેન્નઈ ૧૦માંથી ૮ મૅચ જીત્યું છે અને માત્ર બે જ મૅચ હાર્યું છે, જ્યારે રાજસ્થાન ૧૨માંથી માત્ર ચાર મૅચ જીત્યું છે અને આઠ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બન્ને ટીમ વચ્ચે ઓવરઑલ ૩૦ મૅચ રમાઈ છે જેમાંથી ચેન્નઈ ૧૬ અને રાજસ્થાન ૧૪ મૅચ જીત્યું છે.


