લખનઉએ આપેલો ૧૬૭ રનનો ટાર્ગેટ ચેન્નઈએ ત્રણ બૉલ બાકી રાખીને ચેઝ કર્યો. લખનઉના કૅપ્ટન રિષભ પંતની ૬૩ રનની કમબૅક ઇનિંગ્સ એળે ગઈ, ૧૫ ઓવરમાં ૧૧૧ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવવા છતાં ધોની અને દુબેની ૫૭ રનની ભાગીદારીથી ચેન્નઈએ બાજી મારી.
શિવમ દુબે અને ધોની
IPL 2025ની ૩૦મી મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સે પાંચ વિકેટે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવીને એકાના સ્ટેડિયમમાં પહેલવહેલી જીત નોંધાવી હતી. લખનઉએ કૅપ્ટન રિષભ પંતની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી સાત વિકેટ ગુમાવીને ૧૬૬ રન ફટકાર્યા હતા. ચેન્નઈએ ૫૦ પ્લસ રનની ઓપનિંગ અને છઠ્ઠી વિકેટ માટેની પાર્ટનરશિપના આધારે ત્રણ બૉલ પહેલાં પાંચ વિકેટના નુકસાન સાથે ૧૬૮ રન બનાવીને ૧૬૭ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ટુર્નામેન્ટમાં સળંગ પાંચ હાર બાદ ચેન્નઈએ જીતના ટ્રૅક પર વાપસી કરી છે. આ સીઝનમાં લખનઉને ત્રીજી હાર મળી છે, જ્યારે ચેન્નઈએ માત્ર બીજી જ જીતી નોંધાવી છે.
ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરવા આવનાર લખનઉની ટીમે ૪ ઓવરમાં ૨૩ રનના સ્કોરે બે વિકેટ ગુમાવી દીધી હતી. એ પછી કૅપ્ટન રિષભ પંતે (૪૯ બૉલમાં ૬૩ રન) ત્રણ મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. લખનઉના કૅપ્ટન તરીકે પહેલી ફિફ્ટી ફટકારીને શાનદાર કમબૅક કરનાર રિષભ પંતે ત્રીજી વિકેટ માટે મિચલ માર્શ (૨૫ બૉલમાં ૩૦ રન) સાથે ૫૦ રન, ચોથી વિકેટ માટે આયુષ બદોની (૧૭ બૉલમાં ૨૨ રન) સાથે ૩૨ રન અને અબ્દુલ સમદ (૧૧ બૉલમાં ૨૨ રન) સાથે પાંચમી વિકેટ માટે ૫૩ રનની પાર્ટનરશિપ કરી હતી. ચેન્નઈ માટે સ્પિનર રવીન્દ્ર જાડેજા (૨૪ રનમાં બે વિકેટ) અને ફાસ્ટ બોલર મથીશા પથિરાના (૪૫ રનમાં બે વિકેટ)ને સૌથી વધુ સફળતા મળી હતી. ફાસ્ટ બોલર ખલીલ અહમદ અને અંશુલ કમ્બોજે એક-એક વિકેટ લીધી હતી.
ચેન્નઈ તરફથી પહેલી વાર IPL મૅચ રમનાર શેખ રશિદે (૧૯ બૉલમાં ૨૭ રન) કિવી બૅટર રચિન રવીન્દ્ર (બાવીસ બૉલમાં ૩૭ રન) સાથે બાવન રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. લખનઉએ સ્પિનર રવિ બિશ્નોઈ (૧૮ રનમાં બે વિકેટ) અને દિગ્વેશ રાઠી (૨૩ રનમાં એક વિકેટ)ની શાનદાર બોલિંગના આધારે ૧૫ ઓવરમાં ૧૧૧ રનના સ્કોર પર ચેન્નઈની અડધી ટીમને પૅવિલિયન પહોંચાડી દીધી હતી. અહીંથી શિવમ દુબે (૩૭ બૉલમાં ૪૩ રન) અને મહેન્દ્ર સિંહ ધોની (૧૧ બૉલમાં ૨૬ રન અણનમ) છઠ્ઠી વિકેટ માટે ૫૭ રનની પાર્ટનરશિપ કરીને ત્રણ બૉલ પહેલાં ટીમને જીત અપાવી હતી. શિવમ દુબે (૩૭ બૉલમાં ૪૩ રન) અને ધોની (૧૧ બૉલમાં ૨૬ રન અણનમ)એ છઠ્ઠી વિકેટ માટે ૫૭ રનની મૅચવિનિંગ પાર્ટનરશિપ કરી હતી.
૧૭ વર્ષના આયુષ મ્હાત્રેએ ચેન્નઈની સ્ક્વૉડમાં એન્ટ્રી મારી
ચેન્નઈ સુપર કિંગ્સે તેમના ઇન્જર્ડ કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડને બદલે આયુષ મ્હાત્રેને ટીમમાં સામેલ કર્યો છે. ૧૭ વર્ષના મ્હાત્રેએ મુંબઈની ડોમેસ્ટિક ટીમ માટે નવ ફર્સ્ટ-ક્લાસ મૅચ અને સાત લિસ્ટ-એ મૅચ રમી છે. જમણા હાથના આ બૅટ્સમૅનને ૩૦ લાખ રૂપિયામાં ચેન્નઈની સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો છે. ગાયકવાડ કોણીના ફ્રૅક્ચરને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. 200
આટલા શિકાર ફીલ્ડર તરીકે કરનાર IPLનો પહેલો પ્લેયર બન્યો મહેન્દ્ર સિંહ ધોની.

