ચેપૉકમાં ૫૦ IPL વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો અશ્વિન : IPLમાં આૅબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ આઉટ થનાર ત્રીજો ક્રિકેટર બન્યો જાડેજા
મૅચ જિતાડ્યા પછી ઋતુરાજ ગાયકવાડ અને સમીર રિઝવી.
ચેપૉકમાં ગઈ કાલે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ૬૧મી મૅચમાં રાજસ્થાન રૉયલ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સે પાંચ વિકેટે જીત મેળવી હતી. સિમરજિત સિંહ (૩ વિકેટ)ની આક્રમક બોલિંગને કારણે રાજસ્થાન પાંચ વિકેટ ગુમાવીને ૧૪૧ રન બનાવી શક્યું હતું. રન ચેઝ કરવા ઊતરેલી ચેન્નઈએ પાંચ વિકેટ ગુમાવીને ૧૮.૨ ઓવરમાં જ ૧૪૫ રન બનાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. સીઝનની છેલ્લી હોમમૅચ જીતનાર ચેન્નઈએ ચેપૉકમાં ૫૦મી જીત મેળવી હતી. તે હોમગ્રાઉન્ડ પર સૌથી વધુ વિકેટ લેનાર કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ બાદ ત્રીજી ટીમ બની છે. આ બન્ને ટીમ હોમગ્રાઉન્ડ પર બાવન મૅચ જીતી છે.
૧૧૧૯ દિવસ બાદ ચેન્નઈ રાજસ્થાન સામે જીત્યું હતું. છેલ્લે ૨૦૨૧ની ૧૯ એપ્રિલે ચેન્નઈએ રાજસ્થાન સામે જીત મેળવી હતી. સીઝનની એકમાત્ર ટક્કરમાં રાજસ્થાનને હરાવીને એણે પોતાની હારનો
સિલસિલો તોડ્યો હતો. રાજસ્થાનના સ્પિનર રવિચંદ્રન અશ્વિને મૅચ દરમ્યાન ૪ ઓવરમાં ૩૫ રન આપીને બે વિકેટ લીધી હતી. ૨૦૦૮માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે IPL ડેબ્યુ કરનાર રવિચન્દ્રન અશ્વિને ચેપૉકના મેદાન પર ૫૦ વિકેટ પૂરી કરી હતી. તે ચેપૉકમાં ૫૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો હતો. એક મેદાન પર ૫૦ વિકેટ લેનાર અશ્વિન IPLનો છઠ્ઠો બોલર બન્યો હતો.
ADVERTISEMENT
ઑબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડ આઉટ થનાર ૧૭મી સીઝનનો પ્રથમ ખેલાડી બન્યો રવીન્દ્ર જાડેજા.
ચેન્નઈના ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સાથે મૅચમાં વિચિત્ર ઘટના બની હતી. ૧૬મી ઓવર દરમ્યાન અજાણતાં જ સંજુ સૅમસનનો થ્રો રોકવાને કારણે તે ઑબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડના નિયમ અનુસાર આઉટ જાહેર થયો હતો. આ રીતે આઉટ થનાર તે IPLનો ત્રીજો ખેલાડી બન્યો હતો. આ પહેલાં ૨૦૧૩માં કલકત્તા તરફથી રમતાં યુસુફ પઠાણ પુણે વૉરિયર્સ ઇન્ડિયા સામે અને ૨૦૧૯માં દિલ્હી કૅપિટલ્સ તરફથી રમતાં અમિત મિશ્રા સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ઑબ્સ્ટ્રક્ટિંગ ધ ફીલ્ડના નિયમ અનુસાર આઉટ થયા હતા. હારની હૅટ-ટ્રિક કરનાર કૅપ્ટન સંજુ સૅમસનની ટીમ ૧૬ પૉઇન્ટ્સ સાથે હાલમાં પૉઇન્ટ્સ-ટેબલ પર બીજા ક્રમે છે. પંજાબ કિંગ્સ (૧૫ મે) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (૧૯ મે) સામેની મૅચમાંથી કોઈ એક મૅચ જીતીને એ ટીમ પ્લેઑફ માટે ક્વૉલિફાય થઈ શકશે. ચેન્નઈ ૧૪ પૉઇન્ટ્સ સાથે પૉઇન્ટ્સ-ટેબલ પર ટૉપ થ્રીમાં પહોંચી છે. ચેન્નઈની ટીમ હવે બૅન્ગલોરમાં પોતાની લીગ સ્ટેજની અંતિમ મૅચ વિરાટ ઍન્ડ કંપની સામે રમશે. પ્લેઑફની દાવેદારી મજબૂત કરવા ચેન્નઈએ બૅન્ગલોર સામેની અંતિમ મૅચ જીતવી પડશે.
યશસ્વી જાયસવાલ, જોસ બટલર અને સંજુ સૅમસનને આઉટ કરનાર સિમરજિત સિંહ બન્યો પ્લેયર ઑફ ધ મૅચ.
ચેપૉકમાં સીઝનની છેલ્લી લીગ સ્ટેજ મૅચ રમનાર ચેન્નઈના ટીમ-મૅનેજમેન્ટે ટીમના દરેક સભ્યને મેડલ આપીને સન્માનિત કર્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીએ ફૅન્સને બૉલ અને ટી-શર્ટની ભેટ આપીને તેમના પ્રેમ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ચેન્નઈના ફૅન્સ આશા રાખી રહ્યા છે કે ચેન્નઈમાં રમાનારી એલિમિનેટર અને ફાઇનલ મૅચ દરમ્યાન ચેન્નઈની ટીમ આ મેદાન પર રમે જેથી તેઓ પોતાના પ્રિય ક્રિકેટરની બૅટિંગ ફરી પાછા જોઈ શકે.
એક મેદાન પર ૫૦ કે |
૭૦ - સુનીલ નારાયણ (કલકત્તા) |
૬૮ - લસિથ મલિન્ગા (મુંબઈ) |
૫૮ - અમિત મિશ્રા (દિલ્હી) |
૫૨ - યુઝવેન્દ્ર ચહલ (બૅન્ગલોર) |
૫૨ - જસપ્રીત બુમરાહ (મુંબઈ) |
૫૦ - રવિચંદ્રન અશ્વિન (ચેન્નઈ) |
IPLમાં ચેન્નઈમાં સૌથી વધુ વિકેટ |
૪૮ – રવિચંદ્રન અશ્વિન |
૪૪ – ડ્વેઇન બ્રાવો |
૩૬ – ઍલ્બી મૉર્કલ |
૩૪ – રવીન્દ્ર જાડેજા |
૫૦ - રવિચંદ્રન અશ્વિન (ચેન્નઈ) |

