સ્ટેડિયમમાં જે વીઆઇપી સ્ટૅન્ડ બનાવવામાં આવ્યું છે એ ગેરકાયદે હોવાનું સ્પોર્ટ્સ મિનિસ્ટર અશોક ચંદનાએ જણાવ્યું હતું.
સવાઈ માનસિંહ સ્ટેડિયમ
જયપુરમાં બુધવારે ત્રણ વર્ષે આઇપીએલની મૅચ રમાઈ, પરંતુ મૅચની શરૂઆતના થોડા કલાક પહેલાં સવાઈ માનસિંહ સ્ટેડિયમ (એસએમએસ)માં થોડી બબાલ થઈ હતી, જેનાથી લોકોના ઉત્સાહને ધક્કો લાગ્યો હતો. સ્ટેડિયમમાં જે વીઆઇપી સ્ટૅન્ડ બનાવવામાં આવ્યું છે એ ગેરકાયદે હોવાનું સ્પોર્ટ્સ મિનિસ્ટર અશોક ચંદનાએ જણાવ્યું હતું. રાજસ્થાન રૉયલ્સ દ્વારા એ સ્ટૅન્ડ પરમિશન વિના બાંધવામાં આવ્યું હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
વીઆઇપી સ્ટૅન્ડ સીલ કરાયા પછી પાસ-ટિકિટધારકોને સ્ટેડિયમમાં આવતાં રોકવામાં આવતાં લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આઇએએનએસના અહેવાલ મુજબ પોલીસ અધિકારીઓની સ્પોર્ટ્સ મિનિસ્ટર સાથે દલીલબાજી થઈ હતી. જોકે થોડી વારમાં પ્રેક્ષકોને અંદર આવવાની પરવાનગી અપાઈ હતી. રાજસ્થાન રૉયલ્સે જણાવ્યું હતું કે અમે કોઈ કામ પરવાનગી વગર નથી કર્યું. જયપુરમાં હવે પછીની મૅચ ૨૭ એપ્રિલે સાંજે ૭.૩૦ વાગ્યાથી રાજસ્થાન-ચેન્નઈ વચ્ચે રમાશે.


