નૂર અહમદ અને રાશિદ ખાનને પણ એક-એક વિકેટ મળી હતી.
IPL 2023
આઇપીએલની ટ્રોફી સાથે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સનો કૅપ્ટન હાર્દિક પંડ્યા અને ચાર ટ્રોફી જીતનાર ચેન્નઈ સુપર કિંગ્સનો સુકાની મહેન્દ્ર સિંહ ધોની. તસવીર iplt20.com
ચેન્નઈમાં ગઈ કાલે સ્લો પિચ પર ડિફેન્ડિંગ ચૅમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સે બૅટિંગ મળ્યા બાદ સારી શરૂઆત બાદ ધબડકો જોવો પડ્યો હતો, પરંતુ છેલ્લી ત્રણ ઓવરમાં ૩૫ રન બનતાં મહેન્દ્રસિંહ ધોનીની ટીમે ૧૭૨/૭નું સન્માનજનક ટોટલ નોંધાવ્યું હતું. આ સીઝનમાં ચોથી હાફ સેન્ચુરી ફટકારનાર ઋતુરાજ ગાયકવાડ (૬૦ રન, ૪૪ બૉલ, એક સિક્સર, સાત ફોર) અને ડેવૉન કૉન્વે (૪૦ રન, ૩૪ બૉલ, ચાર ફોર) વચ્ચે ૮૭ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. ત્યાર બાદ મિડલના બૅટર્સનાં મોટાં યોગદાન ન હોવાથી ચેન્નઈની ટીમ પ્રેશરમાં રમી હતી.
આ સીઝનમાં ફ્લૉપ રહેલા અંબાતી રાયુડુના તેમ જ અજિંક્ય રહાણેના ૧૭-૧૭ રન બાદ રવીન્દ્ર જાડેજા (બાવીસ રન, ૧૬ બૉલ, બે ફોર)નો પણ સાધારણ પર્ફોર્મન્સ હતો. જોકે જાડેજા છેક છેલ્લા બૉલે આઉટ થયો હતો. ચેન્નઈને ૧૮૦ રનના આંકડા સુધી ન પહોંચવા દેવામાં મોહિત શર્મા (૪-૦-૩૧-૨) અને મોહમ્મદ શમી (૪-૦-૨૮-૨)ની સૌથી મોટી ભૂમિકા હતી. મહારાષ્ટ્રના વર્ધામાં જન્મેલા પેસ બોલર દર્શન નાલકંડેને ગઈ કાલે પહેલી વાર રમવા મળ્યું હતું અને તે ૪૪ રનમાં એક વિકેટ લઈ શક્યો હતો. નૂર અહમદ અને રાશિદ ખાનને પણ એક-એક વિકેટ મળી હતી. ધોની ફક્ત બે બૉલ રમી શક્યો હતો અને એમાં બનાવેલા એક રનના સ્કોર પર મોહિતના બૉલમાં કવરમાં હરીફ કૅપ્ટન હાર્દિકને કૅચ આપી બેઠો હતો.