સનરાઇઝર્સે રાજસ્થાન રૉયલ્સને વન-સાઇડેડ મૅચમાં ૭૨ રનથી કચડી નાખ્યું
યુઝવેન્દ્ર ચહલે ચાર વિકેટ લીધી હતી (ડાબે) અને યશસ્વી જયસ્વાલ અને બટલર વચ્ચે ૮૫ રનની ભાગીદારી થઈ હતી.
૨૦૦૮ની પ્રથમ ટુર્નામેન્ટના ચૅમ્પિયન રાજસ્થાન રૉયલ્સની ટીમ ગઈ કાલે સોળમી આઇપીએલમાં જાણે સોળે કળાએ ખીલી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદને એણે એના હોમ ગ્રાઉન્ડ પર ૭૨ રનના તોતિંગ માર્જિનથી હરાવીને ૨૦૨૩ની સીઝનમાં વિજયી-શરૂઆત કરી હતી. જૉસ બટલર (૫૪ રન, બાવીસ બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) મૅન ઑફ ધ મૅચ બન્યો હતો, પરંતુ ખરેખર તો આ મૅચમાં બીજા ચાર હીરો (યશસ્વી જૈસવાલ, સંજુ સૅમસન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ) પણ હતા.
હૈદરાબાદે ૨૦૪ રનના ટાર્ગેટ સામે ૮ વિકેટે માત્ર ૧૩૧ રન બનાવ્યા હતા અને હૈદરાબાદનો ૭૨ રનથી પરાજય થયો હતો.
ADVERTISEMENT
રાજસ્થાનના યશસ્વી જયસ્વાલ (૫૪ રન, ૩૭ બૉલ, નવ ફોર)ની બટલર સાથે ૮૫ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ ત્યાં જ જીતનો પાયો નખાઈ ગયો હતો. કૅપ્ટન સંજુ સૅમસન (પંચાવન રન, ૩૨ બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર)નું પણ રાજસ્થાનના ૨૦૩/૫ના સ્કોરમાં મોટું યોગદાન હતું.
૨૦૦ રન : રાજસ્થાન પ્રથમ ટીમ
આ વખતની આઇપીએલમાં ૨૦૦ના આંક સુધી પહોંચનાર રાજસ્થાન રૉયલ્સ પહેલી ટીમ બની હતી. ટીમના ૨૦૩ રનમાં શિમરૉન હેટમાયર (૨૨ અણનમ, ૧૬ બૉલ, એક સિક્સર, એક ફોર)નો પણ ફાળો હતો. હૈદરાબાદના ટી. નટરાજન અને ફઝલહક ફારુકીએ બે-બે વિકેટ લીધી હતી.
હૈદરાબાદમાં બન્ને ઇમ્પૅક્ટ પ્લેયરની ઇમ્પૅક્ટ ન પડી
માર્કરમની ગેરહાજરીમાં કૅપ્ટન્સી સંભાળી રહેલા ભુવનેશ્વર કુમારની ટીમમાંથી એકેય બૅટર હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો અને ૨૦ ઓવરને અંતે સ્કોર ૮ વિકેટે ૧૩૧ રન રહેતાં એનો ૭૨ રનથી પરાજય થયો હતો. હૈદરાબાદની ટીમમાં ફારુકીના સ્થાને ઇમ્પૅક્ટ તરીકે બોલાવીને સાતમા નંબરે બૅટિંગમાં મોકલવામાં આવેલા અબ્દુલ સામદે ૩૨ બૉલમાં ૩૨ રન બનાવ્યા હતા અને તે ટીમને જીતના દ્વાર સુધી નહોતો પહોંચાડી શક્યો. મયંક અગરવાલે માત્ર ૨૭ રન અને ૧૩.૨૫ કરોડ રૂપિયામાં ખરીદાયેલા હૅરી બ્રુકે ફક્ત ૧૩ રન બનાવ્યા હતા. રાજસ્થાને બૅટિંગમાં સફળ થનાર યશસ્વી જયસ્વાલના સ્થાને ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે બોલર નવદીપ સૈનીને બોલાવ્યો હતો, પણ તે ૩૪ રનમાં વિકેટ નહોતો લઈ શક્યો.
બોલ્ટના બે ઝટકા, ચહલની ૪ વિકેટ
રાજસ્થાનના છમાંથી ચાર બોલર્સ વિકેટ લેવામાં સફળ થયા હતા અને યુઝવેન્દ્ર ચહલ (૪-૦-૧૭-૪) સૌથી સક્સેસફુલ હતો. મયંક, હૅરી બ્રુક, આદિલ રાશિદ અને ભુવનેશ્વર તેના ચાર શિકાર હતા. કિવી ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે (૪-૧-૨૧-૨) પોતાની પહેલી ઓવરમાં ઓપનર અભિષેક શર્મા અને વનડાઉન રાહુલ ત્રિપાઠીને તેમનું ખાતું ખોલાય એ પહેલાં જ આઉટ કરી દીધા હતા. રાજસ્થાનના આર. અશ્વિન અને જેસન હોલ્ડરને એક-એક વિકેટ મળી હતી.


