મુંબઈની બીજી જીત : કલકત્તાની ત્રીજી હાર
વેન્કટેશના ૯ સિક્સર, ૬ ફોર સહિતના ધમાકેદાર ૧૦૪ રન એળે ગયા હતા. તસવીર આશિષ રાજે
વાનખેડે સ્ટેડિયમમાં ગઈ કાલે સ્લો પિચ પર સૂર્યકુમાર યાદવે (૪૩ રન, પચીસ બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) હોમ-ગ્રાઉન્ડમાં મુખ્ય કૅપ્ટન રોહિત શર્માના સ્થાને સુકાન સંભાળવાની સાથે ફૉર્મ પાછું મેળવી લીધું હતું અને તેણે તેમ જ ઓપનર ઈશાન કિશને (૫૮ રન, પચીસ બૉલ, પાંચ સિક્સર, પાંચ ફોર) મુંબઈ ઇન્ડિયન્સને શાનદાર વિજય અપાવ્યો હતો. મુંબઈની આ બીજી (ટાર્ગેટ ચેઝ કરવામાં સેકન્ડ) જીત હતી, જ્યારે કલકત્તા નાઇટ રાઇડર્સે વેન્કટેશ ઐયર (૧૦૪ રન, ૫૧ બૉલ, નવ સિક્સર, છ ફોર)ની આ સીઝનની ફાસ્ટેસ્ટ સેન્ચુરી છતાં ત્રીજો પરાજય જોવો પડ્યો હતો. જોકે હાર થવા છતાં યાદગાર સદી બદલ મૅન ઑફ ધ મૅચ વેન્કટેશને આપવામાં આવ્યો હતો.
મુંબઈના ફીલ્ડર્સે કેટલાક કૅચ છોડ્યા અને ઈશાન કિશને સ્ટમ્પિંગનો એક મોકો ગુમાવ્યો જેને પગલે કલકત્તાની ટીમ ૬ વિકેટે ૧૮૫ રનનો પડકારરૂપ સ્કોર નોંધાવી શકી હતી. મુંબઈએ ૧૭.૪ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૬ રન બનાવીને ૧૪ બૉલ બાકી રાખી પાંચ વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો. મુંબઈની જીતમાં તિલક વર્મા (૩૦ રન, પચીસ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) અને વિનિંગ રન ફટકારનાર ટિમ ડેવિડ (૨૪ અણનમ, ૧૩ બૉલ, બે સિક્સર, એક ફોર)નાં પણ યોગદાનો હતાં. નેહલ વઢેરા ૬ રને આઉટ થયો હતો, જ્યારે કૅમેરન ગ્રીન એક રને અણનમ રહ્યો હતો. કલકત્તાના સાત બોલર્સમાં સુયશ શર્માએ સૌથી વધુ બે વિકેટ અને વરુણ ચક્રવર્તી, લૉકી ફર્ગ્યુસન, શાર્દુલ ઠાકુરે એક-એક વિકેટ લીધી હતી. સુનીલ નારાયણ, ઉમેશ યાદવ, આન્દ્રે રસેલને વિકેટ નહોતી મળી.
ADVERTISEMENT
રોહિત બન્યો ઇમ્પૅક્ટ પ્લેયર
કૅપ્ટન રોહિત શર્મા પેટના દુખાવાને કારણે ગઈ કાલે શરૂઆતથી નહોતો રમ્યો. તેનું નામ પાંચ સબસ્ટિટ્યૂટમાં હતું. સૂર્યકુમારે સુકાન સંભાળ્યું હતું. જોકે એમઆઇની બૅટિંગ શરૂ થતાં જ રોહિત રિલી મેરેડિથના સ્થાને ઇમ્પૅક્ટ પ્લેયરના રૂપમાં ઓપનિંગમાં આવ્યો હતો અને તેણે ૧૩ બૉલમાં બે સિક્સર, એક ફોરની મદદથી ૨૦ રન બનાવ્યા હતા અને ઈશાન સાથે ૬૫ રનની ભાગીદારી કરીને એમઆઇ માટે જીતનો પાયો નાંખી આપ્યો હતો. સ્પિનર સુયશ શર્માએ રોહિતની વિકેટ લીધી હતી.
શોકીનની બે વિકેટ, એક કૅચ
કલકત્તાની ઇનિંગ્સમાં એકમાત્ર વેન્કટેશ ઐયર મુંબઈના બોલર્સ પર અસર પાડી શક્યો હતો. રસેલ અણનમ ૨૧ રન સાથે ટીમમાં સેકન્ડ-હાઇએસ્ટ હતો. મુંબઈ વતી સ્પિનર રિતિક શોકીને બે અને કૅમેરન ગ્રીન, ડુઍન યેન્સેન, પીયૂષ ચાવલા, રિલી મેરેડિથે એક-એક વિકેટ લીધી હતી. એમઆઇ વતી પહેલી જ મૅચ રમનાર અર્જુન તેન્ડુલકરને વિકેટ નહોતી મળી. શોકીને ઓપનર એન. જગદીશનનો કૅચ પણ પકડ્યો હતો.
વેન્કટેશ ઐયર ગઈ કાલે આટલા બૉલમાં સદી ફટકારીને આ સીઝનનો ફાસ્ટેસ્ટ સેન્ચુરિયન બન્યો હતો. તેણે ૫૫ બૉલમાં સદી કરનાર હૈદરાબાદના હૅરી બ્રુકનો વિક્રમ તોડ્યો છે.
10
વાનખેડેમાં કલકત્તાની ટીમ ગઈ કાલે કુલ આટલામી મૅચ રમી હતી, જેમાંથી ૯ મૅચમાં કલકત્તાએ પરાજય જોવો પડ્યો છે.


