આઇપીએલની ગઈ સીઝનમાં કોઈ પણ ટીમે તેને નહોતો ખરીદ્યો એટલે ચાવલાએ કૉમેન્ટરી આપી હતી
ગઈ કાલે દિલ્હીમાં પીયૂષ ચાવલા. તસવીર iplt20.com
પાટનગર નવી દિલ્હીમાં ગઈ કાલે દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન ડેવિડ વૉર્નર (૫૧ રન, ૪૭ બૉલ, છ ફોર) કરતાં બોલર-બૅટરને બદલે હવે બૅટર-બોલર ઑલરાઉન્ડર તરીકે ઓળખાતા અક્ષર પટેલ (૫૪ રન, પચીસ બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર)ની હાફ સેન્ચુરી ઘણી ચડિયાતી હતી. એને કારણે જ દિલ્હીની ટીમ ૧૯.૪ ઓવરમાં ૧૭૨ રનનું ટોટલ નોંધાવી શકી હતી. જોકે મુંબઈ ઇન્ડિયન્સનો ૩૪ વર્ષનો લેગબ્રેક સ્પેશ્યલિસ્ટ પીયૂષ ચાવલા (૪-૦-૨૨-૩) ગઈ કાલે ટૉક ઑફ ધ ટાઉન હતો. આઇપીએલની ગઈ સીઝનમાં કોઈ પણ ટીમે તેને નહોતો ખરીદ્યો એટલે ચાવલાએ કૉમેન્ટરી આપી હતી, પણ આ વખતે મુંબઈએ તેને ૫૦ લાખની બેઝ પ્રાઇસમાં લીધો છે. તેણે ગઈ કાલે મનીષ પાન્ડે, રૉવમૅન પૉવેલ અને લલિત યાદવની વિકેટ લીધી હતી. અક્ષર પટેલના એક શૉટમાં સૂર્યકુમાર યાદવ બાઉન્ડરી લાઈન પાસે કૅચ પકડવા ગયો ત્યારે તેને બૉલ આંખની ઉપરના ભાગમાં વાગ્યો હતો.


