હાર્દિક અને વાઇસ કૅપ્ટન રાશિદ ખાન સહિતના ક્રિકેટરોએ ડબલ ડેકર બસના ઉપરના ખુલ્લા ભાગમાં ઊભા રહીને ટ્રોફી ઊંચકીને ચાહકોનું અભિવાદન કર્યું હતું

હાર્દિક પંડ્યા
આઇપીએલમાં પહેલી વાર રમીને ધમાકેદાર ચૅમ્પિયન બનેલી ગુજરાત ટાઇટન્સ ટીમનો ગઈ કાલે અમદાવાદમાં શાહી રોડ-શો યોજાયો હતો. આશ્રમ રોડ અને રિવરફ્રન્ટ પર યોજાયેલા રોડ-શોમાં હાર્દિક પંડ્યા ઍન્ડ કંપનીને જોવા લોકોએ ચક્કાજામ કર્યો હતો. ચાહકો તો તેમના ફેવરિટ ખેલાડીઓના ફોટો મોબાઇલમાં પાડતા હતા, પરંતુ ખુદ ક્રિકેટરો પણ મોબાઇલમાં પોતાના અસંખ્ય ફૅન્સના ફોટો પાડવાની અને વિડિયો ઉતારવાની લાગણીને રોકી શક્યા નહોતા.
હાર્દિક અને વાઇસ કૅપ્ટન રાશિદ ખાન સહિતના ક્રિકેટરોએ ડબલ ડેકર બસના ઉપરના ખુલ્લા ભાગમાં ઊભા રહીને ટ્રોફી ઊંચકીને ચાહકોનું અભિવાદન કર્યું હતું. આશ્રમ રોડ પર ગુજરાત વિદ્યાપીઠ સામે આવેલી હોટેલમાંથી શરૂ કરીને ઇન્કમ ટૅક્સ સર્કલ, ત્યાંથી પાછા ફરીને ઉસ્માનપુરા ચાર રસ્તાથી રિવરફ્રન્ટ થઈને રોડ-શો હોટેલ પાસે પૂરો થયો હતો. અંદાજે ૬ કિલોમીટરના આ રોડ-શોમાં હકડેઠઠ ચાહકો તેમના ક્રિકેટરોને જોવા સમી સાંજે તિરંગા અને ગુજરાત ટાઇટન્સના ફ્લૅગ સાથે ઊમટી પડ્યા હતા. ચાહકોએ ફટાકડા ફોડ્યા હતા અને ‘હાર્દિક... હાર્દિક....’ની બૂમો પાડીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. રાસગરબા રમીને તેમ જ ઢોલ-નગારાં અને બૅન્ડવાજાં સાથે ઠેર-ઠેર ક્રિકેટરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.