આવતી કાલે પ્રથમ ટી૨૦ : ૨૦૧૬માં મોહાલીની મૅચ કોહલીએ જિતાડેલી, ફરી તેના પર મદાર

મુંબઈમાં ગઈ કાલે ભારતીય ક્રિકેટરો (પુરુષ, મહિલા બન્ને કૅટેગરી) માટેની ‘હર ફૅન કી જર્સી’ તરીકે ઓળખાનારી નવી ટી૨૦ જર્સી લૉન્ચ કરવામાં આવી હતી.
ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપને એક મહિનો બાકી છે અને એ પહેલાંના બેમાંના એક પડાવમાં ભારતનો આવતી કાલથી ઘરઆંગણે ટી૨૦ સિરીઝમાં ઑસ્ટ્રેલિયા સાથે મુકાબલો છે. એ શ્રેણી પછી સાઉથ આફ્રિકા સામે શ્રેણી રમાશે, પરંતુ એ પહેલાં રોહિત શર્મા ઍન્ડ કંપનીએ આવતી કાલે મોહાલીમાં ઍરોન ફિન્ચની ટીમ સાથે બાથ ભીડવી પડશે.
ભારતીય ટીમ ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામે ટી૨૦ મૅચ જીતી હોય એવું છેલ્લે છેક ઑક્ટોબર ૨૦૧૭માં (પાંચ વર્ષ પહેલાં) રાંચીમાં બન્યું હતું. ત્યાર પછી ભારતીયો ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં ઘરઆંગણે તેમની સામેની ત્રણેય ટી૨૦ હાર્યા છે. હોમ ગ્રાઉન્ડ પર કાંગારૂઓ સામે ભારતીયોનો જીત-હારનો ૪-૩નો સારો રેકૉર્ડ છે અને મોહાલીમાં અગાઉ માર્ચ ૨૦૧૬માં વિરાટ કોહલીના ૫૧ બૉલના અણનમ ૮૨ રનની મદદથી જીત્યા હોવાથી આવતી કાલે ફરી કોહલી પર ઘણો મદાર રહેશે, કારણ કે તે એશિયા કપથી પાછો ફૉર્મમાં આવી ગયો છે.
બન્ને દેશની સ્ક્વૉડ:
ભારત : રોહિત શર્મા (કૅપ્ટન), કે. એલ. રાહુલ (વાઇસ કૅપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દીપક હૂડા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, દીપક ચાહર.
ઑસ્ટ્રેલિયા : ઍરોન ફિન્ચ (કૅપ્ટન), પૅટ કમિન્સ (વાઇસ કૅપ્ટન), સ્ટીવ સ્મિથ, ટિમ ડેવિડ, કૅમેરન ગ્રીન, મૅથ્યુ વેડ (વિકેટકીપર), ગ્લેન મૅક્સવેલ, ડેનિયલ સૅમ્સ, જૉશ ઇંગ્લિસ (વિકેટકીપર), શૉન અબૉટ, ઍશ્ટન ઍગર, નૅથન એલિસ, જૉશ હેઝલવુડ, કેન રિચર્ડસન અને
ઍડમ ઝૅમ્પા.
શમી કોરોના-પૉઝિટિવ, ‘અનફિટ’ ઉમેશ યાદવ ટી૨૦ ટીમમાં સામેલ
મોહમ્મદ શમીને ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાં સ્ટૅન્ડ-બાય ખેલાડી તરીકે લેવામાં આવ્યો છે, પરંતુ તેનું ફૉર્મ ચકાસવા ઑસ્ટ્રેલિયા સામે મંગળવારે શરૂ થતી ટી૨૦ શ્રેણીમાં તેને રમવાનો મોકો અપાયો હતો, પરંતુ તેનો કોરોના વાઇરસને લગતો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તે સિરીઝની બહાર થઈ ગયો છે. આઇપીએલમાં ઝળકેલા ઉમેશ યાદવને તેના સ્થાને ટીમમાં સમાવાયો છે, પરંતુ ઉમેશ થોડા જ દિવસ પહેલાં ઈજાને કારણે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ચૅમ્પિયનશિન અડધી છોડીને પાછો આવ્યો છે અને બૅન્ગલોરની ઍકૅડેમીમાં રિહૅબિલિટેશન હેઠળ છે.