ભારતીય ક્રિકેટમાં ફિટનેસનું વધતું પ્રેશર વચ્ચે કેટલાક ક્રિકેટરો ઓઝેમ્પિક અને માઉન્જારો જેવી GLP-1 દવાઓનો વજન ઘટાડવા માટે ઉપયોગ કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
વિરાટ કોહલી
ભારતીય ક્રિકેટમાં ઇન્જરી-ક્રાઇસિસ વચ્ચે શાનદાર ફિટનેસ માટે શૉર્ટકટ લેવાના ચોંકાવનારા રિપોર્ટ સામે આવ્યા છે. વિરાટ કોહલી જેવી ફિટ અને ઍથ્લેટિક બોડી મેળવાના પ્રેશરમાં ભારતીય ક્રિકેટરો વજન ઘટાડવાના ઇન્જેક્શન તરફ વળ્યા છે એવી ચર્ચા છે.
અહેવાલ અનુસાર પાતળો દેખાવ મેળવવા માટે ઓઝેમ્પિક અને માઉન્જારો જેવી GLP-1 દવાઓનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ ક્રિકેટરોમાં વધી રહ્યો છે. બન્ને દવાઓ ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. આ ખેલાડીઓમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમતા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.
GLP-1 એટલે કે ગ્લુકાગન લાઇક
પેપ્ટાઇડ-1 આધારિત દવાઓ ડૉકટરો દ્વારા ડાયાબિટીઝની સારવાર માટે સૂચવવામાં આવે છે. જોકે એનો ઉપયોગ વેઇટ-મૅનેજમેન્ટ માટે પણ થઈ શકે છે. ઓઝેમ્પિક ભૂખ ઘટાડવામાં, પાચન ધીમું કરવામાં અને બ્લડશુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. માઉન્જારો બ્લડશુગર-મૅનેજમેન્ટ અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
જોકે આ દવાઓ આડઅસરો પણ પેદા કરી શકે છે જેમાં ઊલટી, ઊબકા, ઝાડા અને કબજિયાત જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર આ ઇન્જેક્શનની કિંમત ૧૩થી પચીસ હજાર રૂપિયા સુધીની હોય છે.
