શ્રીલંકાએ આૅલઆઉટ થઈને આપેલા ૧૪૮ રનના ટાર્ગેટને ૫૬ બૉલ પહેલાં માત્ર એક વિકેટે ૧૪૯ રન બનાવી ચેઝ કરીને જીતી ગયું ભારત. સ્પિનર સ્નેહ રાણાની ત્રણ વિકેટ અને પ્રતીકા રાવલની ફિફ્ટીના આધારે શ્રીલંકા સામે વન-ડેમાં જીતનો ચોગ્ગો માર્યો ભારતીય મહિલાઓએ.
વિમેન્સ ટીમ
ગઈ કાલે કોલંબોમાં ત્રણ વિમેન્સ ટીમ વચ્ચેની વન-ડે ત્રિકોણીય સિરીઝની શરૂઆત વરસાદના વિઘ્ન સાથે થઈ હતી. શ્રીલંકા અને ભારત વચ્ચેની પહેલી મૅચ વરસાદને કારણે ૩૯-૩૯ ઓવરની રમાઈ હતી જેમાં હરમનપ્રીત કૌરની ટીમે નવ વિકેટે બાજી મારીને વિજયી શરૂઆત કરી છે. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર યજમાન ટીમ શ્રીલંકા ૩૮.૧ ઓવરમાં ૧૪૭ રન બનાવી ઑલઆઉટ થઈ હતી. ભારતીય ટીમે ૨૯.૪ ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને ૧૪૯ રન ફટકારીને ૧૪૮ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
સવારે ૧૦ વાગ્યાના સમયથી ત્રણ કલાક મોડી શરૂ થયેલી મૅચમાં શ્રીલંકા તરફથી કોઈ પણ બૅટર મોટી ઇનિંગ્સ રમી શકી નહોતી. ઓપનર હસિની પરેરાએ ૪૬ બૉલમાં ૩૦ રન બનાવ્યા જ્યારે પાંચમા ક્રમે આવેલી કવિશા દિલહારીએ ૨૬ બૉલમાં પચીસ રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી સ્પિનર સ્નેહ રાણા (૩૧ રનમાં ત્રણ વિકેટ)એ સૌથી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. અન્ય સ્પિનર્સ દીપ્તિ શર્મા અને પહેલી મૅચ રમનાર શ્રીચારણીએ પણ બે-બે વિકેટ લીધી હતી. ભારતીય ટીમની ફીલ્ડિંગ અને બોલિંગ એટલી કડક હતી કે શ્રીલંકન ટીમ પોતાની ધરતી પર એક પણ સિક્સર ફટકારી શકી નહોતી. તેમના તમામ બૅટર્સના બૅટથી માત્ર ૧૩ ચોગ્ગા જોવા મળ્યા હતા.
૧૪૮ રનના ટાર્ગેટ સામે ભારતીય ઓપનર્સ સ્મૃતિ માન્ધના (૪૬ બૉલમાં ૪૩ રન) અને પ્રતીકા રાવલ (૬૨ બૉલમાં ૫૦ રન અણનમ) વચ્ચે ૫૪ રનની શાનદાર ઓપનિંગ પાર્ટનરશિપ જોવા મળી હતી. સાત ચોગ્ગા ફટકારનારી પ્રતીકા રાવલે બીજી વિકેટ માટે હરલીન દેઓલ (૭૧ બૉલમાં ૪૮ રન અણનમ) સાથે ૯૫ રનની ભાગીદારી કરીને ટીમને સરળ જીત અપાવી હતી. વન-ડે ફૉર્મેટમાં શ્રીલંકા સામે જીતનો ચોગ્ગો ફટકારીને ભારતે આ હરીફ ટીમ સામે ૩૦મી જીત નોંધાવી હતી. ઓપનર પ્રતીકા રાવલ પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતી હતી.
પહલગામ હુમલાના પીડિતોને શ્રદ્વાંજલિ આપવા કાળી પટ્ટી બાંધીને રમવા ઊતરી હતી હરમનપ્રીત કૌર સહિત ભારતીય ટીમ..


