ભારતના ટૉસ હાર્યા પછી પણ હાઇ-સ્કોરિંગ ગ્રાઉન્ડ પર સાત વિકેટે ૩૭૩ : કોહલીની ૪૫મી સદી : શ્રીલંકન બૅટર્સ ભેજનો લાભ ન લઈ શક્યા
વિરાટ કોહલી
ભારતે શ્રીલંકા સામેની ટી૨૦ સિરીઝ સૂર્યકુમાર યાદવના આક્રમક અણનમ ૧૧૨ રનની મદદથી ૨-૧થી જીતી લીધી ત્યાર પછી ગઈ કાલે વિરાટ કોહલીની ૪૫મી વન-ડે સદી (૧૧૩ રન, ૮૭ બૉલ, એક સિક્સર, બાર ફોર)ના જોરે વન-ડે શ્રેણીમાં ૬૭ રનથી જીતીને વિજયી શરૂઆત કરી હતી અને ૧-૦થી સરસાઈ મેળવી હતી.
ટૉસ શ્રીલંકાનો કૅપ્ટન દાસુન શનાકા જીત્યો હતો, પરંતુ ફાયદો રોહિત શર્મા ઍન્ડ કંપનીએ લીધો હતો. ભારતે કિંગ કોહલીની કમાલની ઇનિંગ્સ ઉપરાંત રોહિત (૮૩ રન, ૬૭ બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર), ઈશાન કિશનને બદલે પસંદ કરવામાં આવેલા ઓપનર શુભમન ગિલ (૭૦ રન, ૬૦ બૉલ, અગિયાર ફોર)ની મદદથી ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૩૭૩ રન બનાવ્યા હતા. શ્રીલંકન બોલર્સમાં કાસુન રજિતાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
ગુવાહાટીનું ગ્રાઉન્ડ હાઇ-સ્કોરિંગ છે અને એમાં ભારતે પ્રથમ બૅટિંગ મળતાં પૂરો ફાયદો લીધો હતો.
શ્રીલંકાની ટીમ ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૦૬ રન બનાવી શકતાં ભારતનો વિજય થયો હતો.
ભારતીય બોલર્સમાં ઉમરાન મલિક (૫૭માં ત્રણ) અને મોહમ્મદ સિરાજ (૩૦માં બે) સૌથી સફળ બોલર્સ હતા. શમી, હાર્દિક, ચહલને એક-એક વિકેટ મળી હતી.
બીજી વન-ડે (બપોરે ૧.૩૦ વાગ્યાથી) આવતી કાલે કલકત્તામાં રમાશે.
73
કોહલીની કુલ આટલી ઇન્ટરનૅશનલ સેન્ચુરી થઈ છે. વન-ડેની ૪૫ ઉપરાંત ટેસ્ટમાં તેની ૨૭ અને ટી૨૦માં એક સેન્ચુરી છે.
કોહલીની એક મહિને સતત બીજી સદી અને ફરી ૧૧૩ રન
વિરાટ કોહલીએ નવેમ્બર ૨૦૧૯માં બંગલાદેશ સામેની ટેસ્ટમાં સદી (૧૩૬) ફટકારી ત્યાર બાદ ત્રણ વર્ષ કરતાં પણ વધુ સમય સુધી સદી વગરનો રહ્યો હતો જેને કારણે તેની ટીકા થતી હતી. તેણે સિરીઝો વચ્ચે કેટલાક બ્રેક પણ લીધા હતા. ફરી તે અસલ મિજાજમાં આવી ગયો છે. ગઈ ૮ સપ્ટેમ્બરે તેણે અફઘાનિસ્તાન સામેની ટી૨૦માં સદી (અણનમ ૧૨૨) ફટકારી હતી, પરંતુ એ પછી તે છેક ૧૦ ડિસેમ્બરે ફૉર્મમાં આવ્યો. એ દિવસે તેણે બંગલાદેશ સામેની વન-ડેમાં સેન્ચુરી (૧૧૩ રન) ફટકારી એના બરાબર એક મહિના પછી (ગઈ કાલે) સતત બીજી વન-ડેમાં સેન્ચુરી (૧૧૩ રન) ફટકારી હતી.


