ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા બન્ને વચ્ચે જોરદાર હરીફાઈ : કમિન્સની ટીમે ભારતમાં એક ટેસ્ટ ડ્રૉ કરાવવી પડશે : શ્રીલંકા અને સાઉથ આફ્રિકાને નજીવો મોકો છે
વિરાટ કોહલી
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની બીજી સીઝન (૨૦૨૧-’૨૩) પૂરી થવાને આરે છે અને એની જૂન મહિનાની ફાઇનલમાં પહોંચવા માટે ચાર દેશ (ભારત, ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા, સાઉથ આફ્રિકા)ને તક છે. એમાં સૌથી સારો મોકો ઑસ્ટ્રેલિયા અને ભારતને છે. ભારત જો ઘરઆંગણે ૪ ટેસ્ટની સિરીઝમાં ઑસ્ટ્રેલિયાને ૩-૧થી હરાવશે તો પણ ભારતને ફાઇનલમાં જવાનો મોકો મળશે. ઑસ્ટ્રેલિયા ભલે આફ્રિકાનો રવિવારે ટેસ્ટ-શ્રેણીમાં ૩-૦થી વાઇટવૉશ ન કરી શક્યું, પરંતુ ૭૫.૫૬ના સૌથી સારા પૉઇન્ટ્સ-પર્સન્ટેજ જોતાં ફાઇનલમાં એની એન્ટ્રી લગભગ નક્કી જ છે. જો ઑસ્ટ્રેલિયા ચારેચાર ટેસ્ટ ભારત સામે હારીને ૦-૪ના વાઇટવૉશનો ભોગ બનશે તો ફાઇનલ માટેની રેસની બહાર થઈ શકે. જોકે ઑસ્ટ્રેલિયાને બહાર કરવા ન્યુ ઝીલૅન્ડમાં શ્રીલંકા બન્ને ટેસ્ટ જીતે (૨-૦થી વિજયી બને) એ પણ જરૂરી છે.
ઑસ્ટ્રેલિયા જો ભારત સામે ૦-૪થી હારશે તો ઑસ્ટ્રેલિયાના પર્સન્ટેજ ઘટીને ૫૯.૬૫ થઈ જશે અને કિવીઓ સામેની શ્રીલંકાની ૨-૦ની જીત શ્રીલંકાને ૬૧.૧૧ ટકા પૉઇન્ટ પર પહોંચાડશે. શ્રીલંકા જો કિવીઓ સામે ૧-૦થી જીતશે તો એના ૫૫.૫૬ ટકા પૉઇન્ટ ઑસ્ટ્રેલિયા (ભારત સામે ૦-૪થી હારે તો પણ)થી નીચા રહેશે.
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયા જો ભારતને ૪-૦થી હરાવશે તો ડબ્લ્યુટીસીની ફાઇનલમાં જશે, પરંતુ ૩-૦થી જીતશે અને એક ટેસ્ટ ડ્રૉ જશે તો પણ એનl માટે ચાલશે, પરંતુ જો ઑસ્ટ્રેલિયાએ કોઈ પેનલ્ટી પૉઇન્ટ આપવા પડશે તો એણે શ્રીલંકાથી પાછળ રહી જવાનો વારો આવી શકે. ભારત જો ઑસ્ટ્રેલિયાને ૩-૧થી હરાવશે તો અન્ય કોઈ પણ સિરીઝના પરિણામ પર નિર્ભર રહ્યા વગર ફાઇનલમાં જઈ શકશે. ભારત જો ૪-૦થી જીતશે તો એના ૬૮.૦૬ ટકા પૉઇન્ટ અને ૩-૧થી જીતશે તો ૬૨.૫૦ ટકા પૉઇન્ટ થશે તથા ૨-૨ના ડ્રૉ સાથે ભારતના ૫૬.૯૪ ટકા પૉઇન્ટ રહેશે. સાઉથ આફ્રિકા જો વેસ્ટ ઇન્ડીઝ સામે ઘરઆંગણે ૨-૦થી જીતશે તો ભારતને પાછળ રાખી શકશે. ઇંગ્લૅન્ડ તેમ જ વેસ્ટ ઇન્ડીઝ, પાકિસ્તાન, ડિફેન્ડિંગ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડ અને બંગલાદેશ ફાઇનલના દાવાથી ઘણા દૂર છે.
8
ટેસ્ટના વર્લ્ડ કપ માટેના બે ફાઇનલિસ્ટ નક્કી થાય એ પહેલાં મુખ્ય ચાર દાવેદારોની કુલ મળીને હવે આટલી ટેસ્ટ રમાવાની બાકી છે.

નોંધ : ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચાર મૅચની ટેસ્ટ-સિરીઝ ભારતમાં ૯ ફેબ્રુઆરીથી રમાશે. ન્યુ ઝીલૅન્ડ-શ્રીલંકાની ટેસ્ટ-શ્રેણી ૯ માર્ચથી ન્યુ ઝીલૅન્ડમાં રમાવાની છે. વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકાની ટેસ્ટ-સિરીઝ ૨૮ ફેબ્રુઆરીથી સાઉથ આફ્રિકામાં રમાશે.


