ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું કે ‘પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ભારતીય બૅટર્સમાં ધીરજ ન જોવા મળી, તેમને શમીની ઊણપ જરૂર વર્તાશે’
એલન ડોનાલ્ડ
૧૯૯૦ના દાયકામાં પેસ બોલિંગથી વિશ્વના દિગ્ગજ બૅટ્સમેનોની દાંડી ગુલ કરનાર સાઉથ આફ્રિકાના ૫૭ વર્ષના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડના મતે સાઉથ આફ્રિકાના પ્રવાસે આવેલી ટીમ ઇન્ડિયા પાસે ટેસ્ટ સિરીઝ જીતવાનો સુવર્ણ અવસર છે. પોર્ટ એલિઝાબેથથી ‘મિડ-ડે’ સાથે વાત કરતાં ડોનાલ્ડે જણાવ્યું કે હા, ટીમ ઇન્ડિયાને તેના મુખ્ય પેસર મોહમ્મદ શમીની ઊણપ જરૂર વર્તાશે.
ટીમ ઇન્ડિયા છેલ્લા બે દાયકાથી સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતી નથી, આ વખતે શું લાગે છે?
સાઉથ આફ્રિકામાં આવીને ટેસ્ટ-સિરીઝ જીતવી કોઈ આસાન વાત નથી. આફ્રિકન કન્ડિશનમાં તેના પેસ બોલર સામે વિશ્વની તમામ ટીમના દિગ્ગજ બૅટર્સ ફેલ સાબિત થયા છે. રબાડા અને એન્ગિડી હાલમાં ઈજામુક્ત થઈને ફરી રમવા આવ્યા છે. સેન્ચુરિયનના મેદાન પર તેમને બોલિંગ કરતા જોવાનો એક અલગ લહાવો છે. ટીમ ઇન્ડિયા પાસે એક તક જરૂર છે, પરંતુ તેમણે ધૈર્યપૂર્ણ બૅટિંગ કરવી પડશે, પણ એ પહેલી ઇનિંગ્સમાં નથી જોવા મળી.
ADVERTISEMENT
એવું શું કારણ છે કે બૅટર્સ આફ્રિકન બોલર્સ સામે રન નથી કરી શકતા?
ટેસ્ટ ક્રિકેટ રમવા માટે તમારામાં ધીરજ હોવી જરૂરી છે અને આફ્રિકન પિચ પર ધીરજની ક્ષમતા થોડી વધુ પ્રમાણમાં હોવી જરૂરી છે. આફ્રિકાનું સેન્ચુરિયનનું મેદાન ઊંચાઈએ આવેલું હોવાથી અહીં બૅટ પર બૉલ વધારે ફાસ્ટ આવે છે. જે બૅટર ધીરજ રાખીને બૅટિંગ કરે છે તેને જ આફ્રિકન પિચ પર સફળતા મળે છે. ટીમ ઇન્ડિયામાં કે. એલ. રાહુલે ૨૦૨૧ની સિરીઝ અને સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ખડૂસ વલણ અપનાવતાં બૅટિંગ કરી હતી. ટીમ ઇન્ડિયાના નવા બૅટર્સને હજી આ પરિસ્થિતિને સમજતાં વાર લાગશે.
જસપ્રીત બુમરાહ વિશે તમારો શું મત છે?
બુમરાહ એક ક્લાસ બોલર છે.
હાલમાં રમાયેલા વિશ્વ કપ દરમ્યાન મારી તેની સાથે લાંબી મુલાકાત થઈ હતી. ટેસ્ટ ક્રિકેટ રમવાની તેની ભૂખ જોઈને હું અત્યંત પ્રભાવિત થયો હતો. આજના યુગના ક્રિકેટરો ટી૨૦ ક્રિકેટ તરફ વધુ આકર્ષાય છે, પણ જે રીતે એક વર્ષના લાંબા સમય બાદ ફરી મેદાનમાં આવીને તે ટેસ્ટ રમી રહ્યો છે એ ઉલ્લેખનીય છે. લોકો બુમરાહના ફૉર્મ વિશે એવી શંકા કરી રહ્યા છે કે રેડ બૉલથી તેને સફળતા મળશે કે નહીં, પરંતુ બુમરાહ, કમિન્સ અને સ્ટાર્ક જેવા બોલર ભલે લાંબો સમય સુધી મેદાનથી બહાર હોય, તેમને ફૉર્મમાં આવતાં વધુ વાર નથી લાગતી. આફ્રિકન કન્ડિશન તેને (બુમરાહને) વધુ માફક આવશે.
રોહિત અને કોહલી માટે આ સિરીઝ-જીત કેટલી મહત્ત્વની છે?
ટીમ ઇન્ડિયાના બન્ને સિનિયર પ્લેયર ઘણા સમયથી રમે છે. તેઓ સાઉથ અફ્રિકા પણ ઘણી વાર આવી ચૂક્યા છે. વિશ્વ કપની ફાઇનલમાં હાર્યા બાદ સાઉથ આફ્રિકામાં જો ભારત સિરીઝ જીતશે તો તેમને માટે એ સુખદ ક્ષણ કહેવાશે, પણ એ જોઈએ એટલું આસાન નહીં હોય.
