લખનઉમાં ત્રણેક કલાક રાહ જોયા બાદ અમ્પાયર્સે લેવો પડ્યો નિર્ણય, હવે સિરીઝની છેલ્લી મૅચ કાલે અમદાવાદમાં
અમ્પાયર્સે ત્રણથી ચાર વાર પિચનું નિરિક્ષણ કરીને લીધો હતો અંતિમ નિર્ણય
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ગઈ કાલે લખનઉમાં રમાનારી ચોથી T20 ટક્કર ધુમ્મસને કારણે આખરે રદ કરવી પડી હતી. ભારત સિરીઝમાં ૨-૧થી આગળ છે અને ગઈ કાલની મૅચ રદ થતાં ભારત હવે આ સિરીઝ હારશે નહીં એ નક્કી થઈ ગયું છે. હવે આવતી કાલે અમદાવાદમાં રમાનારી પાંચમી અને છેલ્લી મૅચ જીતીને ભારત સિરીઝ ૩-૧થી જીતી શકે છે, જ્યારે સાઉથ આફ્રિકા વિજય મેળવીને સિરીઝ ૨-૨થી ડ્રૉ કરાવી શકે છે.
આ સમય ગાળા દરમ્યાન આવી પરિસ્થિતિનો અંદાજ હોવા છતાં ઇન્ટરનૅશનલ મૅચ ફાળવવા બદલ ક્રિકેટ બોર્ડની ટીકાઓ પણ થવા લાગી હતી. આવી પરિસ્થિતિમાં રમવાનું આયોજન કરતાં ક્રિકેટ બોર્ડના ખેલાડીઓના વેલ્ફેર પ્રત્યેની પ્રતિબદ્ધતા વિશે પણ સવાલો થવા લાગ્યા હતા.
ADVERTISEMENT
ગિલ ઇન્જર્ડ અને આઉટ
ખરાબ ફૉર્મથી ઝઝૂમી રહેલો ટીમનો વાઇસ-કૅપ્ટન શુભમન ગિલ ઈજાને લીધે આ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. માહિતી પ્રમાણે પ્રૅક્ટિસ દરમ્યાન ગિલને પગના અંગૂઠામાં ઈજા થઈ હતી અને સાવચેતીરૂપે તેને ચોથી મૅચમાં ન રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આવતી કાલે અમદાવાદમાં પણ તેની રમવાની શકયતા નહીંવત્ છે.


