અસિસ્ટન્ટ કોચ રાયન ડોશેટે સ્વીકાર કર્યો કે પ્રથમ ટેસ્ટમાં પંત અને જુરેલ બન્ને રમશે
ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન શુભમન ગિલ બૅટિંગ કોચ સિતાંશુ કોટક સાથે અને ઇન્જરી બાદ વાપસી કરી રહેલો વાઇસ-કૅપ્ટન રિષભ પંત હેડ કોચ ગૌતમ ગંભીર સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.
ગયા અઠવાડિયે સાઉથ આફ્રિકા સામેની બીજી અનઑફિશ્યલ ચાર દિવસીય ટેસ્ટની બન્ને ઇનિંગ્સ સહિત છેલ્લી પાંચ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ચાર સેન્ચુરી કર્યા બાદ વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવાનું ભારતીય ટીમ મૅનેજમેન્ટ માટે મુશ્કેલ બની ગયું છે. જુરેલનો છેલ્લી પાંચ મૅચ (જેમાં રણજી, ટેસ્ટ અને A ટીમની મૅચનો સમાવેશ છે)માં સ્કોર ૧૪૦, ૫૬, ૧૨૫, ૪૪, ૧૩૨ અણનમ અને ૧૨૭ અણનમ રહ્યો છે. જોકે ઇન્જરી બાદ રિષભ પંત ટીમમાં પાછો આવી જતાં તેના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં જુરેલના સ્થાન માટે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે તેના હાલના ફૉર્મને જોતાં ટીમના અસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડોશેટે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં સ્વીકાર કર્યો હતો કે જુરેલનું પ્રથમ ટેસ્ટમાં રમવું નક્કી છે.
ગયા અઠવાડિયે બૅન્ગલોરમાં સાઉથ આફ્રિકા સામે અનઑફિશયલ સેકન્ડ ટેસ્ટની બન્ને ઇનિંગ્સમાં શાનદાર સેન્ચુરી ફટકારીને જુરેલે ટીમમાં પોતાની દાવેદારી મજબૂત કરી લીધી હતી. ડોશેટે આ બાબતે કહ્યું હતું કે ‘મને ખૂબ આશ્ચર્ચ થશે જો પંત અને જુરેલ બન્ને આ અઠવાડિયે એકસાથે રમતા જોવા નહીં મળે તો. ધ્રુવે છેલ્લા ૬ મહિનામાં ખૂબ શાનદાર પર્ફોર્મ કર્યું છે અને ગયા અઠવાડિયે પણ બૅન્ગલોરમાં તેણે બે સેન્ચુરી ફટકારી હતી. તેનું આ અઠવાડિયે રમવું નક્કી છે.’
ADVERTISEMENT

ધ્રુવ જુરેલે છેલ્લા ૬ મહિનામાં ખૂબ જ શાનદાર પર્ફોર્મ કર્યું છે અને ગયા અઠવાડિયે પણ બૅન્ગલોરમાં તેણે બન્ને ઇનિંગ્સમાં સેન્ચુરી ફટકારી હતી
પંત અને જુરેલ બન્નેનો ટીમમાં સમાવેશ કરવા માટે ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને ટીમમાંથી છૂટો કરવામાં આવ્યો છે. નીતીશ કુમારને વેસ્ટ ઇન્ડીઝ સામેની બન્ને ટીમમાં મોકો આપવામાં આવ્યો હતો પણ તે એનો ફાયદો નહોતો ઉઠાવી શક્યો એ બાબતે ડોશેટે કહ્યું હતું કે ‘વેસ્ટ ઇન્ડીઝની સિરીઝમાં નીતીશને બન્ને ટેસ્ટમાં મોકો મળ્યો હતો. અમે કહ્યું જ છે કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને તૈયાર કરવો જરૂરી છે એટલે અમે તેને એક ખેલાડી તરીકે જોઈ રહ્યા છીએ કે શીખવા માટે તે રમતો હોય, પણ મેં એ પણ કહ્યું હતું કે પ્રાથમિકતા રણનીતિની રહેશે. એવી રણનીતિ બનાવીએ જેથી અમે જીતી શકીએ. એ દરમ્યાન અમે ખેલાડીને તૈયાર થવા માટે મોકો આપતા રહીશું. નીતીશ અમારા ભવિષ્યના પ્લાનમાં છે જ પણ આ સિરીઝનું મહત્ત્વ અને અન્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં તેણે સિરીઝમાંથી બહાર રહેવું પડશે.’
આશા રાખું કે કિવીઓ સામેની નામોશીમાંથી શીખ મળી હશે

અસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડોશેટ
ગયા વર્ષે ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે ટેસ્ટમાં પહેલી વાર વાઇટવૉશની નામોશી જોવી પડી હતી. આ અણધારી નામોશીને લીધે ટીમ ઇન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ નહોતી કરી શકી. ન્યુ ઝીલૅન્ડના પરાક્રમને જોઈને સાઉથ આફ્રિકા ચાર-ચાર સ્પિનર્સ સાથે રમવા આવી છે. કિવીઓના સ્પિનરો એજાઝ પટેલ ૧૫ વિકેટ, મિચલ સૅન્ટનર ૧૩ વિકેટ અને ગ્લેન ફિલિપના ૮ વિકેટ સાથેના તરખાટ સામે ભારતીય બૅટર્સ નબળા સાબિત થયા હતા. હવે એવી જ કમાલની આશા સાઉથ આફ્રિકા કેશવ મહારાજ, સાયમન હાર્મર, સેનુરન મુથુસામી અને પ્રેનીલન સુબ્રાયન પાસેથી રાખી રહી છે. પાકિસ્તાન સામેની સિરીઝમાં પણ સ્પિનરોએ ૩૩ વિકેટ લઈને ટીમને સિરીઝ ૧-૧થી બરોબરી કરાવવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. આ બાબતે ડોશેટે કહ્યું હતું કે ‘આશા છે કે ન્યુ ઝીલૅન્ડ સાથેની સિરીઝમાંથી તેમણે બોધપાઠ લીધો હશે. અમે સ્પિનરો સામે રમવા માટે સ્પેશ્યલ પ્લાન બનાવ્યો છે. હવે પાકિસ્તાનમાં કમાલ કરીને આવેલા આ સ્પિનરો સામે એ અમલને યોગ્ય રીતે અમલમાં મૂકવો ખૂબ જરૂરી છે.’
કલકત્તા ટેસ્ટમાં દરેક પ્રેક્ષકને મેટલ સ્કૅનરથી બે વખત તપાસવામાં આવશે
દિલ્હીમાં સોમવારે થયેલા બૉમ્બ-ધડાકા બાદ દેશભરમાં સુરક્ષા-વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આવતી કાલથી કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં શરૂ થનારી સાઉથ આક્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં પણ સુરક્ષા-વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. કલકત્તાના જાહેર કરવામાં હાઈ અલર્ટ વિશે પોલીસ-કમિશનરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘કાર-બ્લાસ્ટ બાદ સુરક્ષા-એજન્સીઓએ જાહેર કરી દીધું છે અને ઈડન ગાર્ડન્સની ટેસ્ટ માટે પણ સુરક્ષા વધારવામાં આવી છે. બેન્ગૉલ ક્રિકેટ અસોસિએશનના અધિકારીઓ અને પોલીસ-કમિશનર વચ્ચે સુરક્ષાની સમીક્ષા માટે બેઠક યોજવામાં આવી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે સ્ટેડિયમમાં પ્રવેશનાર દરેક વ્યક્તિની બે વાર મેટલ સ્કૅનરથી તપાસ થશે. સાદા ડ્રેસમાં પોલીસ-કર્મચારીઓ તહેનાત હશે અને શંકાસ્પદ વસ્તુઓ પર પ્રતિબંધ હશે. આ ઉપરાંત બન્ને ટીમ જે હોટેલોમાં રોકાઈ છે ત્યાં પણ સુરક્ષા કડક કરવામાં આવી છે.
નીતીશ વન-ડે રમવા રાજકોટ રવાના
આાજથી રાજકોટમાં ભારત-A અને સાઉથ આફ્રિકા-A ટીમ વચ્ચે શરૂ થનારી ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં રમવા માટે ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને ટેસ્ટ સ્ક્વૉડમાંથી છૂટો કરી દેવામાં આવ્યો છે.


