૨૦૦૦ના વર્ષમાં ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ-સિરીઝમાં મળી છે હાર, આ હરીફ સામે ઘરઆંગણે ભારત ચાર ટેસ્ટ-સિરીઝ જીતી શક્યું છે
ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર સાથે વાતચતી કરી રહેલા રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ
કલકત્તાના ઈડન ગાર્ડન્સ ખાતે ગઈ કાલે ટેસ્ટ-સિરીઝ માટે ટીમ ઇન્ડિયાના પ્લેયર્સે પ્રૅક્ટિસ-સેશન શરૂ કર્યાં હતાં. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયન (WTC) વિજેતા ટીમ સાઉથ આફ્રિકાના પ્લેયર્સ પણ ગ્રાઉન્ડમાં વૉર્મ-અપ કરતા જોવા મળ્યા હતા. સાઉથ આફ્રિકાનો બે ટેસ્ટ-મૅચ, ત્રણ વન-ડે અને પાંચ T20 મૅચનો આ લાંબો પ્રવાસ ક્રિકેટ-ફૅન્સ માટે રોમાંચક બની રહેશે.
નેટ-પ્રૅક્ટિસ પહેલાં હેડ કોચ ગૌતમ ગંભીર અને સહાયક કોચ સિતાંશુ કોટક ગ્રાઉન્ડ પર લાંબી વાતચીત કરતા જોવા મળ્યા હતા. કૅપ્ટન શુભમન ગિલે પોતાની ટેક્નિકને સુધારવા માટે નેટમાં લગભગ દોઢ કલાક વિતાવ્યો હતો. ટૉપ ઑર્ડર બૅટર યશસ્વી જાયસવાલ અને સાઈ સુદર્શને પણ નેટ-સેશન દરમ્યાન પરસેવો પાડ્યો હતો. ૨૦૧૯ બાદ સાઉથ આફ્રિકા પહેલી વખત ભારતમાં ટેસ્ટ-મૅચ રમવા ઊતરશે. આ ટીમ પાસે ઝડપી અને સ્પિન બન્નેમાં સંતુલિત બોલિંગ-અટૅક હોવાથી ભારતીય બૅટર્સની કડક પરીક્ષા થશે.
ADVERTISEMENT

સાથી-પ્લેયર્સ સાથે ફુટબૉલ રમતો સાઉથ આફ્રિકાનો સ્ટાર પ્લેયર એઇડન માર્કરમ
એકબીજા સામે કેવો છે રેકૉર્ડ?
નવેમ્બર ૧૯૯૨થી જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન બન્ને ટીમ વચ્ચે ૧૬ ટેસ્ટ-સિરીઝ રમાઈ છે. એમાંથી સાઉથ આફ્રિકા આઠ અને ભારત ચાર ટેસ્ટ-સિરીઝ જીત્યું છે. છેલ્લી સિરીઝ સહિત ચાર સિરીઝ ૧-૧ના સ્કોરથી ડ્રૉ રહી છે. ભારતમાં સાઉથ આફ્રિકા ૭ ટેસ્ટ-સિરીઝ રમ્યું છે જેમાંથી ૨૦૦૦ની સિરીઝમાં જ જીત મળી છે. ભારતને ઘરઆંગણે આ ટીમ સામે ટેસ્ટ-સિરીઝ જીતવામાં સફળતા મળી છે. અન્ય બે સિરીઝ ડ્રૉ રહી હતી. બન્ને ટીમ વચ્ચે ૪૪ ટેસ્ટ-મૅચ રમાઈ છે જેમાંથી સાઉથ આફ્રિકા ૧૮ અને ભારત ૧૬ મૅચ જીત્યું છે. અન્ય ૧૦ મૅચ ડ્રૉ રહી છે. બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં સતત બે જીત નોંધાવી ભારત આ હેડ ટુ હેડ રેકૉર્ડને લેવલ કરવાનો ટાર્ગેટ રાખશે.
દિલ્હી-વિસ્ફોટની અસર, ઈડન ગાર્ડન્સ અને હોટેલમાં સઘન સુરક્ષા
કલકત્તાના ઈડન ગાર્ડન્સ અને ભારત-સાઉથ આફ્રિકાના ક્રિકેટર્સ જ્યાં રોકાયા છે એ હોટેલની સુરક્ષા સઘન કરવામાં આવી છે. કલકત્તાના પોલીસ-કમિશનર મનોજ વર્માએ ગઈ કાલે ઈડન ગાર્ડન્સની મુલાકાત લઈને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ બાદ મૅચ માટેની સુરક્ષા-વ્યવસ્થા વધારવામાં આવી છે.


