કલકત્તા ટેસ્ટ-મૅચમાં કારમી હાર બાદ ટીમ ઇન્ડિયાનાે હેડ કોચ ગૌતમ ગંભીર કહે છે...
ગૌતમ ગંભીર
ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે મુશ્કેલ ઈડન ગાર્ડન્સ પિચનો મજબૂત રીતે બચાવ કર્યો હતો. મૅચ પછીની પ્રેસ-કૉન્ફરન્સમાં તેણે કહ્યું હતું કે ‘તમને ટર્નિંગ પિચ પર રમતાં આવડવું જોઈએ. પિચ બરાબર એ જ હતી જે માગી હતી અને એ જ અમને મળી હતી. પિચમાં કોઈ ખામી નહોતી, ક્યુરેટર સુજાન મુખરજી ખૂબ મદદરૂપ થયા.’
ગૌતમે આગળ કહ્યું કે ‘હું હજી પણ માનું છું કે પિચ કોઈ પણ હોય, ૧૨૪નો લક્ષ્યાંક નક્કી પ્રાપ્ત કરી શકાયો હોત. જો તમે હિંમતથી રમો છો, જો તમારો ડિફેન્સ મજબૂત હોય, જો તમારી પાસે ધીરજ હોય તો તમે ચોક્કસપણે રન બનાવી શકો. જો તમે હિંમતથી રમો છો તો એ ચોક્કસપણે એવી પિચ છે જ્યાં તમે રન બનાવી શકો છો. અમે પહેલા દિવસથી જ સ્પિનર-ફ્રેન્ડ્લી પિચની માગણી કરી હતી જેથી ટૉસ મહત્ત્વપૂર્ણ ન બને. જો અમે ટેસ્ટ-મૅચ જીતી ગયા હોત તો આપણે પિચ પર આટલી બધી ચર્ચા ન કરી હોત. અમારી પાસે એવા ખેલાડીઓ છે જે કોઈ પણ પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કરી શકે છે.’
ADVERTISEMENT
ચાર દિવસ સુધી પિચને પાણી ન આપો તો આવું થાય, ટીમ ઇન્ડિયા આવી જ પિચ ઇચ્છતી હતી : ગાંગુલી
ક્રિકેટ અસોસિએશન ઑફ બંગાળના પ્રમુખ અને ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ કલકત્તા પિચ વિવાદ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરતાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘આ પિચ બરાબર એ જ છે જે ભારતીય ટીમ ઇચ્છતી હતી. જ્યારે તમે ૪ દિવસ સુધી પિચને પાણી ન આપો ત્યારે આવું થાય છે. પિચ ક્યુરેટર સુજાન મુખરજીને દોષી ઠેરવી શકાય નહીં.’ પ્રથમ ટેસ્ટ-મૅચ માટે બાવીસ યાર્ડની આ ટર્નિંગ પિચ પર પહેલા દિવસથી જ અસમાન ટર્ન અને બાઉન્સ જોવા મળ્યા હતા. બન્ને ટીમના પ્લેયર્સને બૅટિંગમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બન્ને ટીમ પોતાની બન્ને ઇનિંગ્સમાં ૨૦૦ રનના સ્કોર પણ પાર કરી શકી નહોતી.
ઈડન ગાર્ડન્સની પિચની ટીકા કરતાં હરભજન સિંહે કહ્યું... RIP ટેસ્ટ-ક્રિકેટ, સચિન-વિરાટ પણ આ પિચ પર નહીં ટકી શકે
ઈડન ગાર્ડન્સમાં આયોજિત કલકત્તા ટેસ્ટ-મૅચમાં બૅક-ટુ-બૅક વિકેટ પડતી જોઈને ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે પિચની ટીકા કરી છે. તે કહે છે, ‘રેસ્ટ ઇન પીસ (RIP) ટેસ્ટ-ક્રિકેટ. મને નથી લાગતું કે ટેસ્ટ-ક્રિકેટનું કોઈ મૂલ્ય બાકી છે. આ પિચ એવી છે કે તમે અહીં બૉલ ફેંકો છો અને એ ટર્ન થઈને બીજે ક્યાંક જાય છે. બૅટ્સમેનોને ખબર નથી હોતી કે શું કરવું. વિરાટ કોહલી અને સચિન તેન્ડુલકર જેવા બૅટ્સમેન પણ આવી પિચ પર ટકી શકશે નહીં, કારણ કે બૉલ નીચો રહેશે, ખૂબ ઊછળશે અથવા ઝડપથી ટર્ન લેશે અને તમારી વિકેટ લેશે. ટેક્નિક કરતાં પિચ મહત્ત્વપૂર્ણ છે.’


