અમદાવાદના લાર્જેસ્ટ સ્ટેડિયમમાં સાંજે ૭.૦૦ વાગ્યાથી નિર્ણાયક ટી૨૦ : લખનઉની પિચના ક્યુરેટરની હકાલપટ્ટી

અમદાવાદમાં ગઈ કાલે ઓપનર શુભમન ગિલે પિચનું ખૂબ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તે પહેલી બન્ને ટી૨૦માં સારું નહોતો રમ્યો. તસવીર પી.ટી.આઇ.
છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતની ધરતી પર ભારતની મેન્સ ક્રિકેટ ટીમને માત્ર ઑસ્ટ્રેલિયા (૨૦૧૯માં ટી૨૦ તથા વન-ડે શ્રેણી) અને સાઉથ આફ્રિકા (૨૦૧૫માં ટી૨૦ તથા વન-ડે શ્રેણી) દ્વિપક્ષી સિરીઝમાં હરાવી ચૂક્યા છે. એ સિવાય બીજો કોઈ દેશ ભારતને કોઈ પણ ફૉર્મેટની સિરીઝમાં માત નથી આપી શક્યો. આંકડામાં જોઈએ તો ફેબ્રુઆરી ૨૦૧૩થી જાન્યુઆરી ૨૦૨૩ સુધીનાં ૧૦ વર્ષમાં ભારત ઘરઆંગણે કુલ પંચાવન સિરીઝ રમ્યું છે અને એમાંથી ૪૭ સિરીઝ જીત્યું છે.
આજે અમદાવાદમાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામે ટી૨૦ સિરીઝની જે નિર્ણાયક મૅચ (સાંજે ૭.૦૦ વાગ્યાથી) રમાવાની છે એ જીતીને ન્યુ ઝીલૅન્ડને સિરીઝ ૨-૧થી જીતી લેવાનો મોકો તો છે જ, પોતાના માટે નવી પરંપરા શરૂ કરવાની પણ તક છે. ન્યુ ઝીલૅન્ડના ક્રિકેટરો ક્યારેય ભારતમાં એકેય ફૉર્મેટ (ટેસ્ટ, વન-ડે કે ટી૨૦)માં સિરીઝ નથી જીત્યા, પરંતુ આજે પહેલી વાર જીતવાનો મિચલ સૅન્ટનરની ટીમને ચાન્સ છે.
૧૯૫૫ પછી તમામ ૨૧માં હાર
ન્યુ ઝીલૅન્ડના ક્રિકેટરો ભારતમાં સૌથી પહેલાં ૧૯૫૫માં ટેસ્ટ-સિરીઝ રમવા હૅરી કેવના સુકાનમાં આવ્યા હતા અને એમાં ભારત ૨-૦થી સિરીઝ જીત્યું હતું. ત્યારથી માંડીને અત્યાર સુધીમાં (ગયા મહિનાની ઓડીઆઇ સિરીઝ સુધીમાં) ભારતની ધરતી પર ભારત-ન્યુ ઝીલૅન્ડ વચ્ચે કુલ ૨૧ સિરીઝ રમાઈ છે અને એમાંથી ૧૯ સિરીઝ ભારત જીત્યું છે અને બે શ્રેણી ડ્રૉમાં પરિણમી છે. ૨૦૧૨માં ન્યુ ઝીલૅન્ડ ભારતમાં જીત્યું હતું, પરંતુ એ શ્રેણી માત્ર એક ટી૨૦ની હતી.
ભારતના યંગ ટૉપ ઑર્ડરની કસોટી
આ ઓડીઆઇ વર્લ્ડ કપનું વર્ષ છે, કારણ કે આગામી ઑક્ટોબરમાં ભારતમાં વન-ડેનો વિશ્વકપ રમાવાનો છે અને એ માટે યુવા ખેલાડીઓની બ્રિગેડ અત્યારથી જ તૈયાર કરવામાં આવી રહી છે. જોકે ન્યુ ઝીલૅન્ડ સામેની વર્તમાન ટી૨૦ શ્રેણીની પહેલી બન્ને મૅચમાં ટૉપ-ઑર્ડરના ત્રણ યુવાન બૅટર સારું રમવામાં નિષ્ફળ રહ્યા છે. શુભમન ગિલ (૭, ૧૧) અને વિકેટકીપર ઈશાન કિશન (૪, ૧૯) પાસે આજે ટીમ મોટી અપેક્ષા રાખશે. રાહુલ ત્રિપાઠી (૦, ૧૩) પણ બન્ને મૅચમાં ફ્લૉપ રહ્યો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને કે. એલ. રાહુલની ગેરહાજરીમાં યંગ ટૉપ-ઑર્ડર પર ટીમનો મદાર છે.
આ પણ વાંચો : લખનઉની પિચે બધાને આંચકો આપ્યો : હાર્દિક
લખનઉના પિચ ક્યુરેટર ‘આઉટ’
રવિવારે લખનઉમાં બીજી ટી૨૦માં ન્યુ ઝીલૅન્ડને ૯૯ રન સુધી સીમિત રાખ્યા બાદ ભારતે છેક સેકન્ડ-લાસ્ટ બૉલ ૧૦૧/૪ના સ્કોર સાથે મૅચ જીતી લીધી હતી. કૅપ્ટન હાર્દિક પંડ્યાએ લખનઉના સ્ટેડિયમની પિચને ‘ચોંકાવનારી’ ગણાવી હતી. બીજા ઘણા ખેલાડીઓએ પણ પિચને વખોડી હતી.
ગઈ કાલે આ પિચના ક્યુરેટરની હકાલપટ્ટી કરવામાં આવી હતી અને તેમના સ્થાને ખૂબ જ અનુભવી સંજીવ કુમાર અગરવાલની નિયુક્તિ કરાઈ છે.
આજે સચિન તેન્ડુલકર અને બીસીસીઆઇના હોદ્દેદારો વર્લ્ડ ચૅમ્પિયન ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ ટીમનું બહુમાન કરશે
ક્રિકેટ લેજન્ડ અને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત સચિન તેન્ડુલકર તેમ જ બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ તેમ જ ટોચના હોદ્દેદારો આજે સાંજે ૬.૧૫ વાગ્યે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સૌપ્રથમ આઇસીસી ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપની ચૅમ્પિયન ટીમનું વિશેષ સન્માન કરશે. શેફાલી વર્મા ઍન્ડ કંપનીએ રવિવારે ફાઇનલમાં ઇંગ્લૅન્ડની ટીમને માત્ર ૬૮ રનમાં ઑલઆઉટ કરીને ૩૬ બૉલ બાકી રાખીને ૭ વિકેટથી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. આ અભૂતપૂર્વ સિદ્ધિ મેળવનાર ભારતની વિશ્વવિજેતા ગર્લ્સ ટીમનું આજે સાંજે અમદાવાદના સ્ટેડિયમમાં ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની નિર્ણાયક ટી૨૦ પહેલાં બહુમાન કરવામાં આવશે. સચિન તેમને અભિનંદન આપવાની સાથે તેમને કરીઅર બાબતે પ્રોત્સાહિત પણ કરશે.
અમદાવાદમાં આજે મેટ્રો રેલ રાતે ૧૨.૩૦ વાગ્યા સુધી દોડાવાશે
અમદાવાદમાં મેટ્રો રેલ રાતે ૧૦.૦૦ વાગ્યે બંધ કરી દેવામાં આવે છે, પણ આજે ભારત-ન્યુ ઝીલૅન્ડની ડે ઍન્ડ નાઇટ ટી૨૦ મૅચ હોવાથી હજારો ક્રિકેટચાહકોની સુવિધા માટે મેટ્રો રેલ મધરાત બાદ ૧૨.૩૦ વાગ્યા સુધી દોડાવાશે.
160
અમદાવાદની હાઇ-સ્કોરિંગ પિચ પર છેલ્લી પાંચમાંથી ત્રણ ટી૨૦માં બન્ને હરીફ ટીમે આટલાથી વધુ રન બનાવ્યા છે.
હાર્દિકના સુકાનમાં ભારત હજી સુધી સિરીઝ નથી હાર્યું.