રવિવારે ભારતે સિરીઝ લેવલ કરી, પણ ભારતીય કૅપ્ટને બન્ને મૅચની પિચ ટી૨૦ને લાયક ન હોવાનું કહીને ચોંકાવી દીધા
ગઈ કાલે અમદાવાદ ઍરપોર્ટ પર હાર્દિક પંડ્યા. તસવીર પી.ટી.આઇ.
રવિવારે લખનઉના મેદાન પર ભારતે ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી ટી૨૦ જીતીને શ્રેણી ૧-૧ની બરાબરીમાં તો કરી દીધી, પણ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમની પિચને લીધે વિવાદ જાગ્યો છે. ન્યુ ઝીલૅન્ડે ૮ વિકેટે ૯૯ રન બનાવ્યા પછી ભારતે ૪ વિકેટે ૧૦૧ રન બનાવીને વિજય મેળવ્યો હતો. શુક્રવારે રાંચીમાં ન્યુ ઝીલૅન્ડ ૨૧ રનથી જીત્યું હતું.
કૅપ્ટન હાર્દિક પંડ્યાએ મૅચ પછીની મુલાકાતમાં કહ્યું કે ‘સાચું કહું તો લખનઉની પિચે બધાને ચોંકાવી જ દીધા. પર્ફોર્મ કરવા માટે પિચ જો મુશ્કેલ હોય એ સામે કોઈ વાંધો નથી. અમારે એના પર રમવું જ પડે, પણ મારા મતે બન્ને મૅચની પિચ ટી૨૦ માટે બની જ નહોતી. એ મુદ્દાને બાદ કરતાં હું આ મૅચના વિજયથી બહુ ખુશ છું. હવે જ્યાં મૅચ રમાવાની છે ત્યાં પિચ-ક્યુરેટર અને બીજા ગ્રાઉન્ડ્સમેન વહેલા પિચ બની જાય એની તકેદારી રાખે તો સારું.’
ADVERTISEMENT
ગૌતમ ગંભીર અને જેમ્સ નીશામે પણ હાર્દિક જેવો જ મત વ્યક્ત કર્યો હતો.
૧૦૦નો ટાર્ગેટ પણ માથાનો દુખાવો બન્યો હતો
રવિવારે લખનઉમાં ન્યુ ઝીલૅન્ડે બૅટિંગ લીધી હતી, પરંતુ એ ટીમ અર્શદીપની બે તેમ જ હાર્દિક, વૉશિંગ્ટન, ચહલ, હૂડા અને કુલદીપની એક-એક વિકેટને કારણે ૮ વિકેટે ફક્ત ૯૯ રન બનાવી શકી હતી. જોકે ભારતીય ટીમ માટે ૧૦૦ રનનો નાનો ટાર્ગેટ પણ માથાનો દુખાવો બન્યો હતો. ૫૦ રનમાં ત્રણ વિકેટ અને ૧૫મી ઓવરમાં ૭૦મા રને ચોથી વિકેટ પડતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. જોકે શુભમન ગિલ (૧૧ રન), ઈશાન કિશન (૧૯), રાહુલ ત્રિપાઠી (૧૩) અને વૉશિંગ્ટન સુંદર (૧૦)ની વિકેટ બાદ સૂર્યકુમાર યાદવ (૨૬ અણનમ, ૩૧ બૉલ, એક ફોર) તેમ જ હાર્દિક પંડ્યા (૧૫ અણનમ, ૨૦ બૉલ, એક ફોર)ની જોડીએ ૩૧ રનની અતૂટ પાર્ટનરશિપથી ભારતને વિજય અપાવ્યો હતો. આઠમાંથી બે કિવી બોલરને એક-એક વિકેટ મળી હતી. કિશન અને વૉશિંગ્ટન રનઆઉટ થયા હતા.
સૂર્યા ૧૧મી વાર મૅન ઑફ ધ મૅચ
સૂર્યકુમાર યાદવને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. તે નવમી ઓવરમાં કિશનની વિકેટ પડતાં બૅટિંગમાં આવ્યો હતો અને છેક સુધી ક્રીઝ પર રહ્યો હતો. તે ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં ૧૧ વખત મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો છે.
0
રવિવારે લખનઉની મૅચમાં ૪૦માંથી ૩૦ ઓવર સ્પિનર્સે કરી હતી, પરંતુ એમાં એકેય સિક્સર નહોતી ગઈ. એક ટી૨૦માં સ્પિનર્સની ઓવર્સમાં એક પણ સિક્સર ન ગઈ હોય એમાં આ નવો વિક્રમ છે.

