આજે ભારત-ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાશે બીજી ટી૨૦

ટીમનું પારંપરિક સ્વાગત : ભારતીય ટીમ બીજી ટી૨૦ રમવા ગઈ કાલે માઉન્ટ માઉંગાનુઇ પહોંચી હતી ત્યારે ત્યાંની સ્થાનિક મૌરી પદ્ધતિ મુજબ ટીમનું સ્ટેડિયમમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓ પણ આ સ્વાગતથી ખુશ થઈ ગયા હતા.
મૅચનો સમય : બપોરે ૧૨.૦૦ વાગ્યાથી
યુવા ભારતીય ટીમ ન્યુ ઝીલૅન્ડ સામે આજે માઉન્ટ માઉંગાનુઇમાં રમાનારી બીજી ટી૨૦ મૅચમાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને લઈને અવઢવમાં મુકાઈ છે. વેલિંગ્ટનમાં રમાનારી પહેલી ટી૨૦ મૅચ વરસાદને લીધે ધોવાઈ ગઈ છે. વેલિંગ્ટનમાં બાઉન્ડરી નજીક હતી, એનાથી વિપરીત અહીં પ્રમાણમાં દૂર છે. એથી જ ૩૩ વર્ષની ઉંમરના ભુવનેશ્વર કુમારને લઈને ટીમ થોડી દ્વિધામાં છે, જેનો ઉકેલ જેટલો ઝડપથી મળે એટલું સારું હશે. ભુવનેશ્વરની સ્પીડમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે એથી ૨૦૨૪ના ટી૨૦ વર્લ્ડ કપમાં તે હશે? વળી જ્યાં સારો બૅટિંગ-ટ્રૅક હોય છે ત્યાં તે પૂરતો વેધક સાબિત થતો નથી. વળી તેને એક જ ફૉર્મેટનો ખેલાડી ગણવામાં આવે છે. આવતા વર્ષે વધુ ટી૨૦ મૅચો પણ નથી. આ બધા સવાલનો જવાબ નકારાત્મક જ દેખાય છે. શું સૌથી સિનિયર ફાસ્ટ બોલરને રમાડીને યુવાઓ પાસેથી તક ઝૂંટવી લેવા સમાન પણ લાગે છે. આ તમામ સવાલો હાલમાં વચગાળાના કોચ વીવીએસ લક્ષ્મણ અને કૅપ્ટન હાર્દિક પંડ્યા સામે હશે. ભુવનેશ્વર હાલમાં એક કૅલેન્ડર યરમાં સૌથી વધુ ૪૦ વિકેટ ઝડપવાના રેકૉર્ડથી માત્ર ચાર વિકેટ દૂર છે. એવી પરિસ્થિતિમાં તેને ન રમાડવો એના મનોબળને તોડવા જેવો નિર્ણય હશે. ભુવીએ જે ૩૬ વિકેટ લીધી છે એ તમામ પિચો બોલર્સ માટે મદદગાર હતી અને હરીફ ટીમો પણ નબળી હતી. ટીમ જો તેને રમાડશે તો ઉમરાન મલિક અને મોહમ્મદ સિરાજની જોડીને ચકાસવાની તક ગુમાવશે, જેમાં આ બન્ને ફિન એલન, ગ્લેન ફિલિપ્સ અને ડેવોન કૉન્વે જેવા મજબૂત ખેલાડીઓના દબાણ સામે કેવી રમત દેખાડે છે.
ભારતે સૌથી ફાસ્ટ બોલર ઉમરાનને તૈયાર કરવાની જરૂર છે. રિષભ પંતને આ ટી૨૦ સિરીઝ માટે ટીમનો વાઇસ કૅપ્ટન બનાવવામાં આવ્યો છે અને એવું જણાવવામાં આવ્યું છે કે તે ઓપનિંગ કરશે. તે શુભમન ગિલ અથવા તો ઈશાન કિશન સાથે જોડી બનાવશે. કેકેઆરના કૅપ્ટન શ્રેયસ ઐયર અને દિપક હૂડા પણ વિકલ્પ બની શકે છે. હૂડા અને શ્રેયસ બન્નેનો સમાવેશ કરાયો તો ઈશાન કિશન ટીમ ઇલેવનમાંથી બહાર થઈ જશે. સંજુ સૅમસન અને કૅપ્ટન પંડ્યા સૂર્યકુમાર સાથે બે બૅટર્સ છે જે ઝડપથી રન બનાવવાની અને ફિનિશરની ભૂમિકા ભજવશે. હાલ ગ્લેન ફિલિપ્સ ટી૨૦નો સૌથી રોમાંચક બૅટર્સ પૈકીનો એક છે. યુઝવેન્દ્ર ચહલને ઘણા સમય બાદ મૅચ મળી છે તો આ બન્ને વચ્ચેની ટક્કર જોવાલાયક હશે.