રોહિત શર્મા ટેસ્ટ-મૅચ પહેલાંની બીજી કોવિડ-ટેસ્ટમાં પણ ફેલ : ફરી પૉઝિટિવ થતાં ઇંગ્લૅન્ડ સામે નહીં રમે

બુમરાહે ૨૯ ટેસ્ટમાં 123 વિકેટ લીધી છે.
રોહિત શર્માનો કોવિડ પૉઝિટિવ રિપોર્ટ આવ્યાને ગઈ કાલે પાંચ દિવસ થઈ ગયા હતા અને આવતી કાલે ઇંગ્લૅન્ડ સામે શરૂ થતી એકમાત્ર ટેસ્ટમાં તેના રમવા વિશે સંભાવના હતી, પરંતુ ગઈ કાલે સવારે કોવિડને લગતો તેનો આરટી-પીસીઆરનો ફરી પૉઝિટિવ રિપોર્ટ આવતાં તે ટેસ્ટમાં નહીં રમે અને તેની ગેરહાજરીમાં પેસ બોલર જસપ્રીત બુમરાહ કૅપ્ટન્સી સંભાળશે. રોહિતની વધુ કોવિડ-ટેસ્ટ કરવામાં આવશે.
અમદાવાદનો બુમરાહ ભારતની ટેસ્ટ-ટીમનું સુકાન સંભાળનારો ૩૫ વર્ષ પછીનો પહેલો ફાસ્ટ બોલર-કૅપ્ટન છે. તે ભારતનો કુલ ૩૬મો ટેસ્ટ-સુકાની બનવા જઈ રહ્યો છે. ઈજાગ્રસ્ત કે. એલ. રાહુલની ગેરહાજરીમાં બુમરાહને વાઇસ-કૅપ્ટન બનાવાયો હતો અને હવે કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. ચીફ સિલેક્ટર ચેતન શર્મા અગાઉ કહી ચૂક્યા હતા કે બુમરાહને ભાવિ સુકાની તરીકે તૈયાર કરવામાં આવશે.
છેલ્લે (૧૯૮૭માં) કપિલ દેવ ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ સંભાળનારા ફાસ્ટ બોલર-કૅપ્ટન હતા. ત્યાર પછી કોઈ ફાસ્ટ બોલરને ટેસ્ટનું સુકાન નથી સોંપાયું.
પાકિસ્તાનમાં ઘણી વાર ફાસ્ટ બોલરને સુકાન સોંપાયું છે. ઇમરાન ખાન પછી વસીમ અકરમ અને વકાર યુનુસ એનાં ઉદાહરણો છે. ઑસ્ટ્રેલિયાએ તાજેતરમાં પૅટ કમિન્સને અને ઇંગ્લૅન્ડે ફાસ્ટ બોલિંગ-ઑલરાઉન્ડર બેન સ્ટૉક્સને સુકાન સોંપ્યું છે.
૧૯૩૨થી ૨૦૨૨ સુધીના ભારતના ટેસ્ટ-કૅપ્ટનો
કર્નલ સી. કે. નાયુડુ, મહારાજકુમાર ઑફ વિઝિયાનગરમ, ઇફ્તિખાર અલી ખાન પટૌડી, લાલા અમરનાથ, વિજય હઝારે, વિનુ માંકડ, ગુલામ અહમદ, પૉલી ઉમરીગર, હેમુ અધિકારી, દત્તા ગાયકવાડ, પંકજ રૉય, ગુલાબરાય રામચંદ, નરી કૉન્ટ્રૅક્ટર, મન્સુર અલી ખાન પટૌડી, ચંદુ બોરડે, અજિત વાડેકર, શ્રીનિવાસ વેન્કટરાઘવન, સુનીલ ગાવસકર, બિશન સિંહ બેદી, ગુંડપ્પા વિશ્વનાથ, કપિલ દેવ, દિલીપ વેન્ગસરકર, રવિ શાસ્ત્રી, ક્રિષ્નમાચારી શ્રીકાંત, મોહમ્મદ અઝહરુદ્દીન, સચિન તેન્ડુલકર, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વીરેન્દર સેહવાગ, અનિલ કુંબલે, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કે. એલ. રાહુલ, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ.