ભારત માટે ત્રણેય ફૉર્મેટની ડેબ્યુ-મૅચમાં ૩ વિકેટ લેનાર પહેલવહેલો બોલર બન્યો હર્ષિત રાણા
ઇંગ્લૅન્ડના લિઆમ લિવિંગસ્ટનની વિકેટ લઈને હવામાં ઊછળતો હર્ષિત રાણા.
દિલ્હીના ૨૩ વર્ષના ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ વન-ડેની ડેબ્યુ-મૅચમાં ૭ ઓવરમાં ૫૩ રન આપીને ૩ વિકેટ ઝડપી છે. પહેલી બે ઓવરમાં ૧૧ રન આપ્યા બાદ તેણે પોતાની ત્રીજી ઓવરમાં ૨૬ રન આપી દીધા હતા. તે વન-ડે ફૉર્મેટમાં ડેબ્યુ-મૅચમાં એક ઓવરમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર બન્યો છે. આ ઓવર ભારતીય બોલર્સ વચ્ચે વન-ડે ફૉર્મેટની ચોથી સૌથી મોંઘી ઓવર હતી. પહેલી ૩ ઓવરમાં ૩૭ રન આપ્યા બાદ તેણે પોતાની છેલ્લી ૪ ઓવરમાં ૪ વિકેટ લઈને શાનદાર કમબૅક કર્યું હતું.
હર્ષિત રાણા ટેસ્ટ, T20 અને વન-ડે ત્રણેય ફૉર્મેટમાં પહેલી મૅચમાં ૩ વિકેટ લેનાર પહેલવહેલો ભારતીય બોલર બન્યો છે. તેણે બૉર્ડર-ગાવસકર ટ્રોફીની પર્થ ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં ૪૮ રન આપીને ૩ વિકેટ અને બીજી ઇનિંગ્સમાં ૬૯ રન આપીને ૧ વિકેટ લીધી હતી. પુણેમાં પોતાની પહેલી T20 મૅચમાં ઇંગ્લૅન્ડ સામે ૩૩ રન આપીને તેણે ૩ વિકેટ ઝડપી હતી. આમ તેણે એકસાથે શરમજનક અને યાદગાર રેકૉર્ડ બનાવ્યા છે.


