સોમવારે કુલ ૧,૩૦,૦૦૦ સીટવાળા અમદાવાદના સ્ટેડિયમમાં લગભગ ૧,૨૯,૦૦૦ સીટ ખાલી હતી

સોમવારે ટ્રેવિસ હેડે હાફ સેન્ચુરી ફટકારી ત્યારે સ્ટેડિયમમાં બહુ ઓછા લોકોની હાજરી હતી. તસવીર પી.ટી.આઇ.
સોમવારે એક તરફ ક્રાઇસ્ટચર્ચમાં ટેસ્ટ-ક્રિકેટના સૌથી રસાકસીભર્યાં પરિણામોમાં ગણી શકાય એવું એક રિઝલ્ટ ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા વચ્ચેની મૅચમાં માણવા મળ્યું ત્યાં બીજી બાજુ અમદાવાદમાં ભારતીયોએ ટેસ્ટના વર્લ્ડ કપની જૂન મહિનાની ફાઇનલમાં પહોંચવાનો આનંદ જરૂર માણ્યો, પરંતુ ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટનું પરિણામ નીરસ ડ્રૉ રહ્યું. એટલું જ નહીં, ક્રિકેટવિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હજારો સીટ ખાલી પડી હતી એ પણ જોવાનું નહોતું ગમ્યું.
ક્રિકેટક્રેઝી ભારતમાં ટેસ્ટ-મૅચ જોવાની પણ લોકોમાં ગજબની ઘેલછા રહી છે, પરંતુ સોમવારે કુલ ૧,૩૦,૦૦૦ સીટવાળા અમદાવાદના સ્ટેડિયમમાં લગભગ ૧,૨૯,૦૦૦ સીટ ખાલી હતી. જોકે મૅચનો છેલ્લો દિવસ નીરસ હતો અને એ રમતને અંદાજે ૧૦૦૦ લોકોએ જોઈ હતી. લંચ પહેલાંના પહેલા સત્રમાં ભારતીય બોલર્સ ઑસ્ટ્રેલિયન બૅટર્સ પર પ્રભાવ ન પાડી શક્યા એટલે મૅચમાંથી મોટા ભાગનો રસ ઊડી ગયો હતો અને મૅચ ડ્રૉ તરફ જવા માંડી હતી. જોકે મૅચના પ્રથમ દિવસે (૯ માર્ચે) મૅચના આરંભ પહેલાં ભારત અને ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાનની ઉપસ્થિતિમાં જે ભવ્ય સમારોહ યોજાયો એ દિવસે તેમ જ પછીના ત્રણ દિવસ દરમ્યાન હજારો લોકોએ મૅચ માણી હતી.
અમદાવાદનું સ્ટેડિયમ સુનીલ ગાવસકર, કપિલ દેવ, સચિન તેન્ડુલકર પછી હવે ૧૮૬ રનની યાદગાર ઇનિંગ્સ રમનાર વિરાટ કોહલી માટે નસીબવંતું રહ્યું છે.