ઑસ્ટ્રેલિયાએ ૬૬ બૉલમાં જ ૧૦ વિકેટે જીતી લીધી મૅચ, બાકી રહેલા બૉલના મામલે ટીમ ઇન્ડિયાનો સૌથી મોટો પરાજય

વિશાખાપટ્ટનમાં ભારતીય બૅટર્સનો હૉરર શો : શુભમન ગિલ ૦, રોહિત શર્મા ૧૩, વિરાટ કોહલી ૩૧
વિશાખાપટ્ટનમાં રમાયેલી બીજી વન-ડેમાં મિચલ સ્ટાર્કની વેધક બોલિંગ (૫૩ રનમાં પાંચ વિકેટ) બાદ ઓપનર મિશેલ માર્શ (૬૬ નૉટઆઉટ) અને ટ્રેવિડ હેડ (૫૧ નૉટઆઉટ) વચ્ચે થયેલી નૉટઆઉટ ૧૨૧ રનની પાર્ટનરશિપને કારણે ઑસ્ટ્રેલિયાએ ભારતને ૧૦ વિકેટે હરાવીને ત્રણ વન-ડે મૅચની સિરીઝ ૧-૧થી બરોબર કરી હતી. ઑસ્ટ્રેલિયાને જીતવા માટે ૧૧૮ રન કરવાના હતા, જે તેણે ૨૩૪ બૉલ બાકી રાખીને કર્યા હતા, જેને કારણે બાકી રહેલા બૉલને મામલે ૫૦ ઓવરના ફૉર્મેટમાં ભારતનો આ સૌથી ખરાબ પરાજય હતો. ઘરઆંગણે ભારતનો આ ચોથો સૌથી ઓછો સ્કોર હતો, તો વન-ડેમાં ઑસ્ટ્રેલિયા સામે ત્રીજા ક્રમાંકનો સૌથી ઓછો સ્કોર હતો.
વર્લ્ડ કપની તૈયારી પર પ્રશ્નાર્થ
ADVERTISEMENT
ભારતીય બોલરો માટે ઘણું મુશ્કેલ કામ હતું. પિચ પર જે પ્રકારે સીમ અને સ્વિંગ બોલિંગ સ્ટાર્ક તેમ જ અન્ય ઑસ્ટ્રેલિયન બોલરોએ કરી એવી રમી જ ન શકાય એવી બોલિંગ નાખવામાં ભારતીય બોલરો નિષ્ફળ રહ્યા હતા. આટલા ખરાબ પરાજય બાદ આ વર્ષના અંતમાં ભારતમાં આયોજિત થનારા વન-ડે વર્લ્ડ કપમાં ભારતની તૈયારી વિશે પણ પ્રશ્નાર્થચિહ્ન મુકાયાં હતાં. જોકે હાલ તો માર્શ અને હેડે ભારતની મુશ્કેલી વધારી દીધી છે. માર્શે ૩૬ બૉલમાં ૬૬ રન કર્યા હતા, હેડે ૩૦ બૉલમાં ૫૧ રન કર્યા હતા.
વિકેટની ઉજવણી કરતો મિચલ સ્ટાર્ક.
માત્ર ૩૭ ઓવરમાં મૅચ પૂરી
હવે બુધવારે ચેન્નઈમાં રમાનારી ત્રીજી વન-ડેમાં આ સિરીઝનું ભાવિ નક્કી થશે. ભારતની બૅટિંગની ધારને સાવ બુઠ્ઠી કરી દેનાર સ્ટાર્ક જ હતો. લેફ્ટી બોલરને કારણે ભારતની ઇનિંગ્સ માત્ર ૨૬ ઓવરમાં સમાપ્ત થઈ ગઈ હતી. વળી ઑસ્ટ્રેલિયાએ વિજયનો લક્ષ્યાંક માત્ર ૧૧ ઓવરમાં મેળવી લીધો હતો. પહેલી મૅચમાં પણ સ્ટાર્કે ત્રણ વિકેટ ઝડપી હતી તો આ મૅચમાં આઠ ઓવરમાં ૫૩ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તેણે પહેલા સ્પેલમાં ૪ વિકેટ ઝડપી હતી. સ્ટાર્ક ઉપરાંત શૉન અબૉટે ૩ વિકેટ તો નૅથલ એલિસે પણ બે વિકેટ લીધી હતી. કોહલીએ ૩૫ બૉલમાં ૩૧ રન તો અક્ષર પટેલે નૉટઆઉટ ૨૯ રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: ...તો ભારતની વન-ડે વર્લ્ડ કપ માટેની ટીમમાં જાડેજા અને રાહુલનું સ્થાન નિશ્ચિત
સૂર્યકુમાર યાદવ ૦, લોકેશ રાહુલ ૦૯, હાર્દિક પંડ્યા ૦૧
મિચલ સ્ટાર્કે વન-ડેમાં આટલી વખત પાંચ વિકેટ લીધી છે. આ સાથે જ તેણે બ્રેટ લીના રેકૉર્ડની સરખામણી કરી હતી. તે હવે વિશ્વમાં ત્રીજા ક્રમાંકે છે. વકાર યુનુસે ૧૩ વખત તો મુથૈયા મુરલીધરને ૧૦ વખત આવી સિદ્ધિ મેળવી છે.
2
વન-ડેમાં ભારત સામે ઑસ્ટ્રેલિયાએ આટલી વખત ૧૦ વિકેટે જીત
મેળવી હતી.
26
ભારતીય ટીમ આટલી ઓવરમાં ઑલઆઉટ થઈ ગઈ હતી, જે વન-ડેમાં પાંચમો સૌથી ઓછી ઓવરમાં ઑલઆઉટ થવાનો રેકૉર્ડ છે.
સ્ટાર્ક એક શાનદાર બોલર છે અને વર્ષોથી ઑસ્ટ્રેલિયા માટે નવા બૉલથી સારું પ્રદર્શન કરે છે. અમે તેની બોલિંગનો સામનો ન કરી શક્યા. અમારે હવે તેની ક્ષમતાને ઓળખીને એ મુજબ રમવું જરૂરી છે. -રોહિત શર્મા, ભારતીય કૅપ્ટન

