Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અન્ડર-19 એશિયા કપમાં સતત બીજી વખત ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઇનલની સંભાવના

અન્ડર-19 એશિયા કપમાં સતત બીજી વખત ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઇનલની સંભાવના

Published : 12 November, 2026 09:10 AM | Modified : 12 November, 2026 10:13 AM | IST | Oman
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે બે સેમી-ફાઇનલ મૅચથી નક્કી થશે ૧૪ નવેમ્બરની બે ફાઇનલિસ્ટ ટીમ.

આર્યવીર સેહવાગ અને વીરેન્દ્ર સેહવાગ

આર્યવીર સેહવાગ અને વીરેન્દ્ર સેહવાગ


ઓમાનમાં આયોજિત અન્ડર-19 મેન્સ વન-ડે એશિયા કપ 2026માં આજે સવારે ૯ વાગ્યાથી સેમી-ફાઇનલ મૅચો શરૂ થશે. પહેલી મૅચમાં પાકિસ્તાન-બંગલાદેશ અને બીજી મૅચમાં ભારત-અફઘાનિસ્તાનની ટક્કર થશે. ૧૪ નવેમ્બરે ફાઇનલ મૅચ રમાશે.

૨૦૨૫ની જેમ ૨૦૨૬માં પણ ફાઇનલ મૅચમાં પાકિસ્તાન અને ભારતની ટક્કરની સંભાવના છે. પાકિસ્તાન ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને ભારત છેલ્લી બન્ને સીઝનમાં હારીને રનર-અપ ટીમ રહી છે. ગ્રુપ Aમાં પાકિસ્તાન પહેલા, ભારત બીજા ક્રમે રહ્યું; જ્યારે ગ્રુપ Bમાં ટૉપર અફઘાનિસ્તાન પછી બંગલાદેશ બીજા ક્રમે રહ્યું.



પહેલી સેમી-ફાઇનલની ટીમો વચ્ચે ૩૦ યુથ વન-ડે મૅચ રમાઈ છે એમાંથી પાકિસ્તાન ૧૭ મૅચમાં અને બંગલાદેશ ૧૧ મૅચમાં વિજેતા રહ્યું. બે મૅચ નો-રિઝલ્ટ રહી હતી. બીજી સેમી-ફાઇનલની ટીમો વચ્ચે ૧૩ યુથ વન-ડે મૅચ રમાઈ છે એમાંથી ભારત ૧૧ મૅચમાં અને અફઘાનિસ્તાન માત્ર બે મૅચમાં વિજેતા રહ્યું છે. ૨૦૧૯ પછી ભારતે આ હરીફ સામે સતત પાંચ વન-ડે મૅચ જીતી છે.


વીરેન્દર સેહવાગને પ્રોમિસ આપ્યાના એક દિવસ પછી દીકરા આર્યવીરે UAE સામે ૧૬૦ રન ફટકાર્યા

ઓમાનમાં મંગળવારે UAE સામે ૭૦ રનની જીત મેળવીને ભારતીય ટીમ અન્ડર-19 મેન્સ વન-ડે એશિયા કપ 2026ની સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરનાર અંતિમ ટીમ બની હતી. ભારતીય ટીમે ઓપનર આર્યવીર સેહવાગના ૧૬૦ રનની મદદથી ૩૦૯-૭નો સ્કોર કર્યો હતો જે આ સીઝનનો સૌથી મોટો ટીમ-સ્કોર હતો. જવાબમાં UAEની ટીમ ૫૦ ઓવરમાં ૨૩૯ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી.


ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દર સેહવાગનો મોટો દીકરો આર્યવીર ૧૬૮ બૉલમાં ૧૭ ફોર, ૭ સિક્સની મદદથી ૧૬૦ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ભારતીય ટીમની જર્સીમાં ૧૯ વર્ષના આર્યવીરની આ પહેલી સેન્ચુરી હતી. તેણે પોતાનું ખાતું ખોલવા માટે ૧૪ બૉલ લીધા અને ત્યાર બાદ ૬૯ બૉલમાં ફિફ્ટી અને ૧૩૧ બૉલમાં સેન્ચુરી પૂરી કરી.

આર્યવીર સેહવાગે મૅચ પછી કહ્યું કે ‘હું મોટો સ્કોર કરવા ઇચ્છતો હતો. મેં પપ્પાને એક દિવસ પહેલાં વચન આપ્યું હતું કે હું આ ટુર્નામેન્ટમાં મોટો સ્કોર કરીશ. હું તેમનો વારસો આગળ વધારવા ઇચ્છું છું. મારા પપ્પાને ફક્ત મોટી સેન્ચુરીઓ પસંદ છે. હું પપ્પાની સાથે વિરાટ કોહલીનો પણ મોટો ફૅન છું.’

Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 10:13 AM IST | Oman | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK