ત્રીજા દિવસના અંતે ઇન્ડિયા-Aએ ૪ વિકેટ ગુમાવીને ૪૦૩ રન ફટકાર્યા
ધ્રુવ જુરેલ
લખનઉના એકાના સ્ટેડિયમમાં ચાલી રહેલી પહેલી અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચમાં ઑસ્ટ્રેલિયા-A સામે ઇન્ડિયા-Aની ટીમે શાનદાર વાપસી કરી છે. ત્રીજા દિવસે ૧૧૬-૧ના સ્કોરથી ઇનિંગ્સની શરૂઆત કરનાર ભારતીય ક્રિકેટર્સે દિવસના અંતે ૧૦૩ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૪૦૩ રન ફટકાર્યા હતા. ૫૩૨/૬ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરનાર ઑસ્ટ્રેલિયા-A પાસે હજી ૧૨૯ રનની લીડ બાકી છે. આજે ચોથા અને અંતિમ દિવસે મૅચ ડ્રૉ તરફ આગળ વધતી જોવા મળશે.
જગદીસન (૧૧૩ બૉલમાં ૬૪ રન) અને સાંઈ સુદર્શન (૧૨૪ બૉલમાં ૭૩ રન)એ શાનદાર ફિફ્ટી પ્લસ સ્કોરના આધારે મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. ચોથા ક્રમના બૅટર દેવદત્ત પડિક્કલે (૧૭૮ બૉલમાં ૮૬ રન અણનમ) શતકવીર ધ્રુવ જુરેલ સાથે દિવસના અંત સુધી ઇનિંગ્સ સંભાળી રાખી હતી. બન્નેએ પાંચમી વિકેટ માટે ૧૮૧ રનની અણનમ પાર્ટનરશિપ કરી હતી.
ADVERTISEMENT
૧૦ ફોર અને ચાર સિક્સ ફટકારનાર ધ્રુવ જુરેલે (૧૩૨ બૉલમાં ૧૧૩ રન) પોતાની ફર્સ્ટ ક્લાસ કરીઅરની બીજી સદી નોંધાવી હતી. કૅપ્ટન શ્રેયસ ઐયર (૧૩ બૉલમાં ૮ રન) સતત ત્રીજી ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યો હતો. આ પહેલાં તે દુલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોન તરફથી રમતાં સેન્ટ્રલ ઝોન સામેની સેમી ફાઇનલમાં પચીસ અને ૧૨ રનની ઇનિંગ્સ જ રમી શક્યો હતો.


