કે. એલ. રાહુલ અને શુભમન ગિલની સદી, સાઈ સુદર્શન પણ ૮૧ રન કરીને ઝળક્યો, રિષભ પંતની હાફ સેન્ચુરી
૧૨મી ટેસ્ટ-સદીની ઉજવણી કરતો કે. એલ. રાહુલ. ૧૧મી ટેસ્ટ-સદીની ઉજવણી કરતો શુભમન ગિલ.
ગઈ કાલે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે શરૂ થયેલી ટેસ્ટ-મૅચ સાથે મુલ્લાંપુર દેશનું ૩૧મું ટેસ્ટ-વેન્યુ બન્યું હતું. કૅપ્ટન તરીકેની નવમી ટેસ્ટ-મૅચમાં શુભમન ગિલ માત્ર બીજી વખત ટૉસ જીત્યો હતો અને તેણે પહેલાં બૅટિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે બે સદી અને ફિફ્ટીની મદદથી પહેલા દિવસે ૮૫ ઓવરની રમતમાં ૩ વિકેટે ૩૬૮ રન કરીને અફઘાનિસ્તાનને બરાબરનું હેરાન કર્યું હતું. પહેલી ઇનિંગ્સની બારમી ઓવરમાં ઓપનર યશસ્વી જાયસવાલે ૩૨ બૉલમાં ૨૪ રન કરીને વિકેટ ગુમાવી હતી. અનુભવી ઓપનર કે. એલ. રાહુલે ૧૬૫ બૉલમાં ૧૧ ફોરની મદદથી ૧૦૦ રન અને ત્રીજા ક્રમે રમવા આવેલા સાઈ સુદર્શને ૧૦૪ બૉલમાં ૧૩ ફોરના આધારે ૮૧ રન કર્યા હતા. બન્ને વચ્ચે બીજી વિકેટ માટે ૧૮૫ બૉલમાં ૧૩૯ રનની ભાગીદારી થઈ હતી. ચોથા ક્રમે રમવા આવીને શુભમન ગિલે ૧૪૩ બૉલમાં ૧૦૩ રન અને પાંચમા ક્રમે રમીને રિષભ પંતે ૭૦ બૉલમાં ૫૦ રન કર્યા હતા. ચોથી વિકેટ માટે ૧૫૧ બૉલમાં ૧૨૧ રનની ભાગીદારી કરીને બન્ને પ્લેયર્સ પહેલા દિવસના અંતિમ બૉલ સુધી ટકી રહ્યા હતા. અફઘાનિસ્તાનના યંગ ફાસ્ટ બોલર્સ મોહમ્મદ સલીમ સફીએ બે વિકેટ અને ઝિયાઉર શરીફીએ એક વિકેટ લીધી હતી.
વિકેટકીપર-બૅટર તરીકે 50 ટેસ્ટ-મૅચ રમનાર ત્રીજો ભારતીય બન્યો રિષભ પંત. મહેન્દ્ર સિંહ ધોની (૯૦) અને સૈયદ કિરમાણી (૮૮) આ લિસ્ટમાં સૌથી આગળ છે.
ADVERTISEMENT
100 રનના ટેસ્ટ-સ્કોર પર સૌથી વધુ ત્રીજી વખત આઉટ થનાર ભારતીય ક્રિકેટર બન્યો કે. એલ. રાહુલ. અગાઉ સચિન તેન્ડુલકર અને સૌરવ ગાંગુલી સાથે બે-બે વખત આવું થયું હતું.
ગઈ કાલે રિષભ પંતે ૭૦ બૉલમાં ૫૦ રન કર્યા હતા. સાઈ સુદર્શને ૧૦૪ બૉલમાં ૧૩ ફોરના આધારે ૮૧ રન કર્યા હતા.

પગમાં દુખાવાને કારણે જ્યારે બ્રેક લેવો પડ્યો ત્યારે ફિઝિયો અને સાથી-ખેલાડી કે. એલ. રાહુલને ગરમી-તાપથી બચાવવા ટૉવેલ ખુલ્લો કરતા જોવા મળ્યા.
યંગ સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર માનવ સુથારનું ડેબ્યુ

રાજસ્થાનના ૨૩ વર્ષના સ્પિન બોલિંગ ઑલરાઉન્ડર માનવ સુથારે ટેસ્ટ-ફૉર્મેટથી ભારત માટે ડેબ્યુ કર્યું હતું. ૩૧૯ નંબરની ટેસ્ટ-કૅપ મેળવનાર આ ડાબોડી સ્પિનર ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ૨૯ મૅચમાં ૧૨૯ વિકેટ લઈને ૯૪૫ રન કરી ચૂક્યો છે. છેલ્લે ભારત માટે વર્ષ ૨૦૨૧માં અક્ષર પટેલે સ્પિન-સ્પેશ્યલિસ્ટ તરીકે ટેસ્ટ-ફૉર્મેટમાં ડેબ્યુ કર્યું હતું. ગયા વર્ષની સાઉથ આફ્રિકા સામેની બે ટેસ્ટ-મૅચની જેમ ભારત અફઘાનિસ્તાન સામે પણ સૌથી વધુ ૬ ડાબોડી બૅટર સાથે રમવા ઊતર્યું હતું. રસપ્રદ વાત એ છે કે ભારતની પ્લેઇંગ ઇલેવનમાં માનવ સુથાર સહિત ૬ ખેલાડીઓ એવા છે જે શુભમન ગિલની ટીમ ગુજરાત ટાઇટન્સનો ભાગ છે.
