ફેબ્રુઆરીના વિમેન્સ ટી૨૦ વિશ્વકપમાં હરમન, મંધાના સાથે જમાવશે જોડી : આઇસીસીની જુનિયર અન્ડર-19 ટીમમાં શેફાલી, શ્વેતા, પાર્શ્વી ચોપડા સામેલ

શેફાલી વર્મા ૨૦૨૦માં મેલબર્નમાં વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ હારી ગયા પછી ખૂબ રડી હતી (ડાબે). જોકે રવિવારે સાઉથ આફ્રિકામાં અન્ડર-19 ટી૨૦ ટીમને ટ્રોફી અપાવ્યા બાદ બેહદ ખુશ હતી (જમણે).
શેફાલી વર્માના સુકાનમાં ભારતની ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ ટીમે રવિવારે સૌથી પહેલો વર્લ્ડ કપ જીતી લીધો એને પગલે સમગ્ર ભારતીય ટીમની ક્રિકેટજગતમાં ખૂબ વાહ-વાહ થઈ રહી છે. તેમને ચારે કોરથી અભિનંદન મળી રહ્યાં છે. કૅપ્ટન શેફાલી એટલી બધી આનંદિત અને ઉત્સાહી છે કે તે હવે ૧૦ ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકામાં જ શરૂ થનારા વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપની ટ્રોફી પણ જીતવા મક્કમ છે.
હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા તેમ જ અન્ડર-19 વર્લ્ડ કપની સાથી-વિકેટકીપર રિચા ઘોષ સાથે શેફાલી સિનિયર ટીમના વિશ્વકપમાં રમશે. શેફાલીએ ગઈ કાલે મુલાકાતમાં કહ્યું કે ‘હું અન્ડર-19 ટીમના વર્લ્ડ કપમાં ટ્રોફી જીતવાના એકમાત્ર આશયથી જ મેદાનમાં ઊતરી હતી અને અમે એ જીતીને રહ્યાં. એ જ આત્મવિશ્વાસ સાથે હું સિનિયર ટીમને પણ ચૅમ્પિયન બનાવવા માગું છું. માત્ર એક ટ્રોફીથી સંતોષ માનીને બેસી નહીં રહું.’
રવિવારે ભારતની ગર્લ્સ અન્ડર-19 ટીમે ફાઇનલમાં ઇંગ્લૅન્ડને ૬૮ રનમાં ઑલઆઉટ કર્યા બાદ ૧૪ ઓવરમાં ૩ વિકેટે ૬૯ રન બનાવી લીધા હતા. ૬ રનમાં બે વિકેટ લેનાર તિતાસ સાધુને પ્લેયર ઑફ ધ ફાઇનલનો અને ઇંગ્લૅન્ડની કૅપ્ટન ગ્રેસ સ્ક્રિવન્સને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો અવૉર્ડ મળ્યો હતો.
આઇસીસીએ સિલેક્ટ કરેલી ‘આઇસીસી અન્ડર-૧૯ ટી૨૦ વર્લ્ડ કપ ટીમ’માં શેફાલી વર્મા, શ્વેતા સેહરાવત અને પાર્શ્વી ચોપડાનો સમાવેશ કરાયો છે.
5
બીસીસીઆઇએ સમગ્ર અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ ચૅમ્પિયન ટીમની મેમ્બર્સ અને સ્ટાફ મેમ્બર્સ માટે કુલ આટલા કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.
અન્ડર-19 વર્લ્ડ ચૅમ્પિયન ટીમને અભિનંદનમાં કોણે શું કહ્યું?
ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ ટીમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમ જ દેશના બીજા નેતાઓએ ઐતિહાસિક ટ્રોફી જીતવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. ક્રિકેટરોનાં પણ અભિનંદન ટીમને મળ્યાં હતાં :
સચિન તેન્ડુલકર : ભારતીય ટીમને કૉન્ગ્રેચ્યુલેશન્સ. પહેલાં વિમેન્સ આઇપીએલની જાહેરાત થઈ અને હવે અન્ડર-19 ટીમે વર્લ્ડ કપ જીતી લીધો. વૉટ ઍન અચીવમેન્ટ!
સૌરવ ગાંગુલી : અન્ડર-19 ગર્લ્સ ટીમે પોતાને પહેલા જ વર્લ્ડ કપમાં સર્વોચ્ચ શિખરે મૂકી દીધી. ખૂબ-ખૂબ અભિનંદન.
મિતાલી રાજ : જુનિયર વર્લ્ડ કપની ટીમની સ્પિનર્સ અને સીમ બોલર્સ, બન્નેએ ઘણું સારું પર્ફોર્મ કર્યું. સમગ્ર ટીમને ચૅમ્પિયનપદ બદલ અભિનંદન. આ ટીમની ત્રણથી ચાર પ્લેયર થોડા જ સમયમાં સિનિયર વિમેન્સ ટીમમાં આવી જશે અને ૨૦૨૫ના ઓડીઆઇ વર્લ્ડ કપમાં તેમની મોટી ભૂમિકા જોવા મળશે.
ઝુલન ગોસ્વામી : ઐતિહાસિક વિજય. આપણી અન્ડર-19 ટીમ પર ખૂબ ગર્વ થઈ રહ્યો છે. આ ચૅમ્પિયનપદ દેશના યુવા વર્ગના લાખો લોકો માટે પ્રેરણારૂપ બનશે.
હરમનપ્રીત કૌર : ભારતને અન્ડર-19 ટીમે અનેરું ગૌરવ અપાવ્યું. ફેબ્રુઆરીના વર્લ્ડ કપમાં અમે તેમના આ વિજેતાપદથી મોટિવેટ થઈશું.
સ્મૃતિ મંધાના : ચૅમ્પિયન્સ ઑફ ધ વર્લ્ડ. મને તેમના પર ખૂબ ગર્વ થઈ રહ્યો છે. વાહ! પહેલા જ વર્લ્ડ કપમાં ભારતને બનાવ્યું ચૅમ્પિયન. તેમની આ તો હજી શરૂઆત છે..
ભારતીય કોચ નૂશીન બેહદ ખુશ
નૂશીન અલ ખાદીર ભારતની વર્લ્ડ ચૅમ્પિયન ટીમનાં કોચ હતાં. ભારતનાં ભૂતપૂર્વ ખેલાડી નૂશીનના મતે આ ઐતિહાસિક સિદ્ધિ દેશની મહિલા ક્રિકેટમાં મોટું પરિવર્તન લાવશે. ૧૭ વર્ષ પહેલાં નૂશીને જે સ્થળે વર્લ્ડ કપમાં નિરાશા જોવી પડી હતી એ જ સ્થળે રવિવારે તેમણે ભારતીય જુનિયર ટીમને પોતાના શાનદાર કોચિંગની મદદથી ટ્રોફી અપાવી.
ભારતની વર્લ્ડ ચૅમ્પિયન અન્ડર-19 ખેલાડીઓને જાણો
શેફાલી વર્મા (કૅપ્ટન, ઓપનિંગ બૅટર) : ભારતની મુખ્ય વિમેન્સ ટીમ વતી ટેસ્ટ, વન-ડે અને ટી૨૦ રમી ચૂકેલી હરિયાણાની આ અગ્રેસિવ બૅટરે નવેમ્બર ૨૦૧૯માં ૧૫ વર્ષ અને ૨૮૫ દિવસની ઉંમરે તેના જ આદર્શ સચિન તેન્ડુલકરનો સૌથી નાની વયે ઇન્ટરનૅશનલ હાફ સેન્ચુરી ફટકારવાનો વિક્રમ તોડ્યો હતો.
શ્વેતા સેહરાવત (વાઇસ-કૅપ્ટન, ઓપનિંગ બૅટર) : દક્ષિણ દિલ્હીમાં રહેતી આ પ્લેયરે વૉલીબૉલ, બૅડ્મિન્ટન, સ્કેટિંગમાં નસીબ અજમાવ્યા બાદ ક્રિકેટમાં કરીઅર બનાવવાની શરૂઆત કરી હતી. વર્લ્ડ કપમાં તેના ૨૯૭ રન તમામ બૅટર્સમાં હાઇએસ્ટ છે.
સૌમ્યા તિવારી (બૅટિંગ ઑલરાઉન્ડર) : મધ્ય પ્રદેશની સૌમ્યા નાનપણમાં મમ્મીનાં કપડાં ધોવાના ધોકાથી બૅટિંગમાં ફટકાબાજી કરતી હતી. રવિવારની ઇંગ્લૅન્ડ સામેની ફાઇનલમાં અણનમ ૨૪ રન બનાવનાર અને વિનિંગ રન ફટકારનાર સૌમ્યા ભોપાલના ચૂંટણી અધિકારીની પુત્રી છે.
ગોંગડી ત્રિશા રેડ્ડી (બૅટર) : તેલંગણના ભૂતપૂર્વ હૉકી ખેલાડીની પુત્રી ત્રિશાને ક્રિકેટમાં કરીઅર બનાવવાનું સપનું પૂરું કરવામાં મદદરૂપ થવા તેના પિતાએ પૂર્વજોની ચાર એકર જમીન વેચી દીધી હતી.
રિચા ઘોષ (વિકેટકીપર-બૅટર): બંગાળના સિલિગુડીની આ ખેલાડી નાનપણથી ધોનીની ભવ્ય કારકિર્દીને ફૉલો કરતી આવી છે. જોકે ફટકાબાજી કરવાનું તે પિતા મહાબેન્દ્ર ઘોષ પાસેથી શીખી છે.
રિશિતા બાસુ (બૅટર-વિકેટકીપર): આ બૅક-અપ વિકેટકીપર કલકત્તાની છે અને તે નાનપણમાં છોકરાઓ સાથે ખૂબ ગલી-ક્રિકેટ રમી હતી.
તિતાસ સાધુ (પેસ બોલર) : રવિવારની ફાઇનલમાં ઇંગ્લૅન્ડની પ્રથમ વિકેટ લઈને ભારતને વિજયના માર્ગે મૂકનાર આ ખેલાડીનો પરિવાર ક્રિકેટ ક્લબ ચલાવે છે. ૧૦ વર્ષની ઉંમરે તે પોતાની ક્લબની ટીમની સ્કોરર બનતી હતી. લેજન્ડરી ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીની જેમ તિતાસ પણ બંગાળની છે અને બાઉન્સર તથા સ્વિંગ માટે જાણીતી છે. તિતાસને નાનપણમાં રનર બનવું હતું, પણ ૧૦મા ધોરણમાં ૯૩ ટકા માર્ક આવવા છતાં તેણે ભણવાનું છોડીને ક્રિકેટમાં કરીઅર બનાવવાની શરૂઆત કરી હતી.
સોનમ યાદવ (લેફ્ટ-આર્મ સ્પિનર) : ઉત્તર પ્રદેશની આ ૧૫ વર્ષની આ પ્લેયરના પપ્પા કાચની ફૅક્ટરીમાં કામ કરે છે. નાનપણથી છોકરાઓ સાથે રમતી સોનમમાં ક્રિકેટની આવડત પારખીને થોડાં વર્ષ પહેલાં તેના પપ્પાએ તેને ઍકૅડેમીમાં કોચિંગ અપાવ્યું હતું.
મન્નત કશ્યપ (લેફ્ટ-આર્મ સ્પિનર) : પટિયાલાની આ પ્લેયર પેસ સાથેના સ્પિન માટે જાણીતી છે. છોકરાઓ સાથે ગલી-ક્રિકેટ રમીને મોટી થયેલી મન્નતને તેના કઝિને ક્રિકેટમાં કરીઅર બનાવવા સૌથી વધુ પ્રેરણા આપી છે.
અર્ચનાદેવી (ઑફ સ્પિનિંગ ઑલરાઉન્ડર) : ઉત્તર પ્રદેશના ગરીબ પરિવારની અર્ચનાએ ક્રિકેટની કારકિર્દી શરૂ કરી એ પહેલાં જ તેના પિતાનું કૅન્સરથી અવસાન થયું હતું. એક દિવસ અર્ચનાએ ફટકારેલો બૉલ શોધવા ગયેલા તેના ભાઈ બુધીરામનું સાપના ડંશથી મૃત્યુ થયું હતું. અર્ચના ક્રિકેટર બને એવી બુધીરામની તીવ્ર ઇચ્છા હતી.
પાર્શ્વી ચોપડા (લેગ સ્પિનિંગ ઑલરાઉન્ડર) : વર્લ્ડ કપમાં ભારત વતી સૌથી વધુ ૧૧ વિકેટ લેનાર અને ટુર્નામેન્ટની બીજા નંબરની આ સ્પિનરે નાનપણમાં સ્કેટિંગને બદલે ક્રિકેટમાં કરીઅર બનાવવાનો સંકલ્પ કર્યો અને શરૂઆતમાં રિજેક્ટ થયા પછી સ્થાનિક ટીમ વતી અફલાતૂન પર્ફોર્મ કરતી ગઈ હતી.
ફલક નાઝ (પેસ બોલિંગ ઑલરાઉન્ડર) : વર્લ્ડ કપમાં રમવા તો ન મળ્યું, પરંતુ ટીમની આ ૧૮ વર્ષની ખેલાડી ચૅમ્પિયન ટીમનો હિસ્સો હોવા બદલ બેહદ ખુશ છે. ઉત્તર પ્રદેશની ફલકના પિતા યુપીની સ્કૂલમાં પ્યુન છે. તે પરિવાર સાથે અલાહાબાદમાં એક રૂમના ઘરમાં રહે છે.
હર્લી ગાલા (ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર) : જુહુમાં રહેતી આ પ્લેયર વાગડ વીસા ઓસવાળ જૈન સમાજની છે. ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ૨૦૨૨ની સીઝનની આ સુપરસ્ટારે ગયા વર્ષે ડોમેસ્ટિક મૅચમાં શેફાલી વર્મા અને દીપ્તિ શર્માની વિકેટ લઈને સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યું હતું. ઈજાને કારણે હર્લીને વર્લ્ડ કપમાં રમવા નહોતું મળ્યું.
સોનિયા મેંઢિયા (બૅટિંગ ઑલરાઉન્ડર) : હરિયાણાની આ ખેલાડીને વર્લ્ડ કપની ચાર મૅચમાં વિકેટ તો નહોતી મળી, પરંતુ ચારમાંથી બે મૅચમાં તે બૅટિંગમાં અણનમ રહી હતી.
શબનમ એમ. ડી. (મિડિયમ પેસર) : વિશાખાપટનમની આ ઊંચા કદની બોલરને વર્લ્ડ કપની બે મૅચમાં એક જ વિકેટ મળી હતી. તેના પિતા ભારતીય નૌકાદળમાં છે અને તેઓ પણ ફાસ્ટ બોલર હતા.