ગયા રવિવારે ક્રૉસ મેદાન સ્થિત LIC ગ્રાઉન્ડમાં રમાયેલી ફાઇનલમાં તેમણે બાંખોર ટીમને ૩૯ રનથી હરાવી દીધી હતી.
ચૅમ્પિયન બામણા ટીમ.
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી (TMBB) સમાજની ક્રિકેટ ફોરમ દ્વારા આયોજિત ૨૬મી T20 ક્રિકેટ ટુર્નામેન્ટ બામણા ટીમે જીતી લીધી છે. ગયા રવિવારે ક્રૉસ મેદાન સ્થિત LIC ગ્રાઉન્ડમાં રમાયેલી ફાઇનલમાં તેમણે બાંખોર ટીમને ૩૯ રનથી હરાવી દીધી હતી. પહેલી માર્ચથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં બામણા (કૅપ્ટન કશ્યપ ઠાકર), બાંખોર (કૅપ્ટન શમ્મી ઉપાધ્યાય), ભીલોડા (કૅપ્ટન સૅન્ડી ત્રિવેદી), પેઢમાલા (કૅપ્ટન પ્રફુલ્લ એમ. ઉપાધ્યાય) અને રીંટોડા-પુનાસણ (કૅપ્ટન પ્રફુલ્લ ડી. ઉપાધ્યાય) એમ કુલ પાંચ ટીમો વચ્ચે જબરદસ્ત સ્પર્ધા જોવા મળી હતી. લીગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન દ્વારા બામણા અને બાંખોર ફાઇનલમાં પહોંચ્યા હતા. ફાઇનલમાં ટૉસ જીતીને બામણાએ પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય લીધો અને નિર્ધારિત ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૬૯ રન બનાવ્યા. જવાબમાં બાંખોરની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે માત્ર ૧૩૦ રન બનાવી શકી હતી. ૪૧ બૉલમાં ૫૦ રન અને ૨૬ રનમાં ચાર વિકેટના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ બામણાનો હર્નિશ શુક્લ ફાઇનલનો મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. ફાઇનલ બાદ યોજાયેલા પ્રાઇઝ-ડિસ્ટ્રિબ્યુશનમાં રનરઅપ બાંખોર ટીમનો કૅપ્ટન શમ્મી ઉપાધ્યાય પ્લૅયર ઑફ ધ સિરીઝ અને આશિષ પાઠક બેસ્ટ બોલર તથા ચૅમ્પિયન બામણા ટીમનો હર્નિશ શુક્લ બેસ્ટ બૅટર જાહેર થયો હતો. ફાઇનલ માતૃ દિવસે રમાઈ હોવાથી ટ્રોફીનું અનાવરણ અને ચૅમ્પિયન તથા રનર-અપની ટ્રોફીઓ મહિલાઓના હસ્તે આપવામાં આવી હતી. ટુર્નામેન્ટના કન્વીનર પ્રફુલ્લ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે દરેક મૅચના મૅન ઑફ ધ મૅચ, મૅન ઑફ ધ સિરીઝ અને ચૅમ્પિયન ટીમનું બહુમાન ટૂંક સમયમાં જ એક ભવ્ય કાર્યક્રમમાં કરવામાં આવશે.
