રત્નાગિરિ, સિંધુદુર્ગ, સોલાપુર, કોલ્હાપુર, સાંગલી, લાતુર અને ધારાશિવ જેવા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.
વરસાદી વાદળીની વાટ: તાપ અને બફારાથી ત્રાહિમામ્ પોકારી ગયેલા મુંબઈગરાઓ ગરમીથી રાહત મળે એ માટે આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે ત્યારે બાંદરા રેક્લેમેશન ખાતે આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. તસવીર : શાદાબ ખાન
છેલ્લા અનેક દિવસથી ગરમીમાં શેકાઈ રહેલા મુંબઈગરાઓને નજીકના દિવસોમાં ગરમીથી રાહત મળે એવી કોઈ શક્યતા નથી. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આવતી કાલે મુંબઈમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવી છે. મુંબઈમાં બે દિવસ સુધી તાપમાન સરેરાશ ૩૫ ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહેશે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધુ રહેશે.
મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ દિક્ષણ મહારાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ અને તોફાની પવનો ફૂંકાવાની આગાહી ભારતીય હવામાન ખાતાએ કરી છે.
રત્નાગિરિ, સિંધુદુર્ગ, સોલાપુર, કોલ્હાપુર, સાંગલી, લાતુર અને ધારાશિવ જેવા વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. અકોલા, અમરાવતી, વર્ધામાં ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
મુંબઈગરાના માથે જળસંકટ : આવતી કાલથી ૧૦ ટકા પાણીકાપ
મુંબઈ શહેરને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીનું સ્તર ઘટવાને કારણે BMCએ ૧૫ મેથી સમગ્ર મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ લાદવાની જાહેરાત કરી છે. ચોમાસું મોડું પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે મુંબઈનાં સાતેય તળાવોમાં માત્ર બાવીસ ટકા પાણીનો જથ્થો બચ્યો છે, જે ઑગસ્ટ સુધી ચલાવવા માટે BMC અત્યારથી સાવચેતી વર્તી રહી છે.
