રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ગઈ કાલે ૧૦૦મી વખત વન-ડે મૅચમાં એકસાથે પિચ પર બૅટિંગ કરી હતી, પરંતુ બીજી વિકેટ માટેની તેમની ૪ બૉલની પાર્ટનરશિપમાં એક પણ રન બન્યો નહોતો
ગ્રેગ ચૅપલ
ભારતના ભૂતપૂર્વ હેડ કોચ ગ્રેગ ચૅપલે રોહિત શર્મા અને વિરાટ કોહલીની ભરપૂર પ્રશંસા કરી છે. તેમણે કહ્યું હતું કે ‘હવે જેમ-જેમ ક્રિકેટની દુનિયા આગળ વધશે, નવાં નામો ઊભરી આવશે. જોકે કોહલી-રોહિતનો સુવર્ણયુગ ફક્ત રેકૉર્ડબુકમાં જ નહીં, દરેક ચાહકના હૃદયમાં અંકિત રહેશે.’
ઑસ્ટ્રેલિયાના આ ભૂતપૂર્વ ક્રિકેટરે વધુમાં કહ્યું હતું કે ‘કોહલી ક્યારેય માત્ર બૅટ્સમૅન નહોતો. તે એક અભિયાન હતો. તેની પાસે એક યોદ્ધા જેવી માનસિકતા છે જે બહુ ઓછા લોકો પાસે છે. જ્યારે દુનિયા સદીઓ અને કુલ સ્કોરની ઉજવણી કરતી હતી ત્યારે કોહલી ફક્ત પરિણામોની કાળજી રાખતો હતો. રોહિતની મહાનતા તરફની સફર ધીમી હતી. વર્ષો સુધી તે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ચમક્યો. તેના સંયમ, નમ્રતા અને પ્રતિભાએ તેને ઘર-ઘરમાં જાણીતું નામ બનાવ્યું.’
ADVERTISEMENT
૧૦૦મી વન-ડેમાં રોહિત-વિરાટની ફ્લૉપ પાર્ટનરશિપ
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ગઈ કાલે ૧૦૦મી વખત વન-ડે મૅચમાં એકસાથે પિચ પર બૅટિંગ કરી હતી, પરંતુ બીજી વિકેટ માટેની તેમની ૪ બૉલની પાર્ટનરશિપમાં એક પણ રન બન્યો નહોતો. ૧૦૦ વન-ડે મૅચમાં બન્નેએ ૫૫.૯૪ની ઍવરેજથી ૫૩૧૫ રન કર્યા છે. બન્નેએ ૧૮ શતકીય અને ૧૭ ફિફ્ટી પ્લસ રનની ભાગીદારી કરી છે. તેઓ ૪૨ વખત T20માં અને ૨૬ વખત ટેસ્ટ-મૅચમાં સાથે બૅટિંગ કરી ચૂક્યા છે. ઍડીલેડ ઓવલની ૧૮ ઇન્ટરનૅશનલ ઇનિંગ્સમાં પહેલી જ વખત વિરાટ શૂન્ય પર આઉટ થયો હતો, જ્યારે આ મેદાન પર રમેલી હમણાં સુધીની ૧૫ ઇનિંગ્સમાં પહેલી વખત રોહિત શર્માએ ફિફ્ટી ફટકારી હતી.


